ઇન્ડિયન પ્રીમિયર લીગની પોતાની પહેલી જ મેચમાં જીતની નજીક આવીને હારી ગયેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માટે મેચ દરમિયાન થયેલી ઇજાને કારણે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ આઇપીએલમાંથી આઉટ થવાની નિરાશા વચ્ચે હવે ગુરૂવારે અહીં પોતાની પહેલી મેચ જીતીને આત્મવિશ્વાસથી સભર બનેલી દિલ્હી કેપિટલ્સ સામે તેઓ મેદાને પડશે ત્યારે તેમને પોતાના નવા કેપ્ટન સંજૂ સેમસન પાસે વધુ એક પ્રેરક ઇનિંગની આશા રહેશે.
દિલ્હી કેપિટલ્સે પોતાના નવા કેપ્ટન ઋષભ પંતની આગેવાનીમાં જોરદાર શરૂઆત કરીને પહેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું હતું, જો કે સામે પક્ષે રાજસ્થાન રોયલ્સે સોમવારે એક નજીકની મેચમાં પંજાબ કિંગ્સ સામે માત્ર ચાર રને પરાજય મળ્યો હતો. આ મેચમાં સંજૂ સેમસન છેલ્લે સુધી ઝઝુમ્યો હતો પણ તે ટીમને જીતાડી શક્યો નહોતો. હવે જ્યારે સ્ટોક્સ આઇપીએલમાંથી આઉટ થયો છે ત્યારે હવે જોસ બટલર, શિવન દુબે અને રિયાન પરાગે પોતાનું પ્રદર્શન સુધારીને કેપ્ટનને સહકાર આપવો પડશે.
રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી સમસ્યા જો કે બોલિંગની છે. પહેલી મેચમાં તેના એકમાત્ર ચેતન સાકરિયાને બાદ કરતાં કોઇ બોલર રિધમમાં જણાયા નહોતા, ત્યારે હવે મુસ્તફિઝુર રહેમાન, ક્રિસ મોરિસ, શ્રેયસ ગોપાલ અને રાહુલ તિવેટિયાએ પોતાના પ્રદર્શનને બહેતર બનાવવું પડશે, જે દિલ્હીની બેટિંગ લાઇનઅપને ધ્યાને લેતા સરળ નહીં હોય.