અમદાવાદ, તા. 05 : અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ઓપનર રોહિત શર્મા માત્ર એક રન માટે પોતાની અર્ધસદી ચુકી ગયો હતો, જો કે પોતાની 49 રનની ઇનિંગ દરમિયાન રેકોર્ડબુકમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. રોહિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પુરા કરનારો પહેલો ઓપનર બન્યો હતો, જો કે ઓવરઓલ તે આ માઇલસ્ટોન મેળવનારો વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. ઓપનર તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે 948 જ્યારે દક્ષિણ આફ્રિકાના ડીન એલ્ગરે 848 રન બનાવ્યા છે. રોહિતે આ બંનેને પાછળ છોડ્યા છે.
જો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 1000 રન પુરા કરનારો ઓવલઓલ તે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. આ યાદીમાં પહેલેથી ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન, ઇંગ્લેન્ડનો જો રૂટ, ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડનો બેન સ્ટોક્સ, ભારતનો અજિંકેય રહાણે સામેલ હતા અને તેમાં રોહિતનો ઉમેરો થયો છે. અજિંકેય રહાણે પછી તે આ યાદીમાં સામેલ થનારો બીજો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સર્વાધિક રન કરનારા બેટ્સમેન
બેટ્સમેન | દેશ | મેચ | ઇનિંગ | રન | સર્વોચ્ચ | એવરેજ | સદી | અર્ધસદી |
માર્નસ લાબુશેન | ઓસ્ટ્રેલિયા | 13 | 23 | 1675 | 215 | 72.82 | 5 | 9 |
જો રૂટ | ઇંગ્લેન્ડ | 20* | 36 | 1630 | 228 | 47.94 | 3 | 8 |
સ્ટીવ સ્મિથ | ઓસ્ટ્રેલિયા | 13 | 22 | 1341 | 211 | 63.85 | 4 | 7 |
બેન સ્ટોક્સ | ઇંગ્લેન્ડ | 17* | 31 | 1332 | 176 | 47.57 | 4 | 6 |
અજિંકેય રહાણે | ભારત | 17* | 28 | 1095 | 115 | 43.80 | 3 | 6 |
રોહિત શર્મા | ભારત | 11* | 17 | 1030 | 212 | 64.37 | 4 | 2 |
રોહિત શર્મા ટેસ્ટમાં સૌથી ઝડપી 1000 રન પુરા કરનારો એશિયન ઓપનર બન્યો
રોહિતે એશિયન ઓપનર તરીકે સૌથી ઝડપી 1000 રન પુરા કરવાનો મયંક અગ્રવાલનો રેકોર્ડ તોડ્યો
ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ આજે અહીં રમાઇ રહેલી ચોથી ટેસ્ટના બીજા દિવસે રમેલી 49 રનની ઇનિંગ દરમિયાન ઓપનર તરીકે 1000 રન પુરા કર્યા હતા, આ સાથે જ તેણે ભારતના જ અન્ય ઓપનર મયંક અગ્રવાલનો એશિયન ઓપનર તરીકે સૌથી ઝડપી 1000 રન પુરા કરવાનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિતે 11મી ટેસ્ટની 17 ઇનિંગમાં આ આંકડો પુરો કર્યો હતો, જ્યારે મંયક અગ્રવાલે 19 ઇનિંગમાં 1000 ટેસ્ટ રન પુરા કર્યા હતા.