Sports

રોજર ફેડરર કટ્ટર હરીફને ટેનિસ કોર્ટ પર જ નહીં, રિયલ લાઇફમાં પણ રડાવ્યો!

‘પ્રિય રોજર, મારો મિત્ર અને મારો હરીફ… હું ઈચ્છું છું કે આ દિવસ ક્યારેય ન આવે.’ આ શબ્દો હતાં રોજર ફેડરરના સૌથી મોટા હરીફ રાફેલ નડાલના. લગભગ દોઢ દાયકા સુધી ટેનિસ કોર્ટ પર રાજ કરનાર રોજર ફેડરરે તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે તેના હરીફ રાફેલ નડાલ સહિત વિશ્વભરના ટેનિસ ચાહકોને આંચકો લાગ્યો હતો! ના કોઈ શોર-બકોર, ના કોઈ ઉતાવળ… એકદમ શાંત સ્વભાવનો ફેડરર તેના ક્લાસિક શોટ્સથી તેના વિરોધીને સ્તબ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. ફેડરરે નિવૃત્તિ પણ તેનાં આવા ક્લાસિક શોટની જેમ જ લીધી! અચાનક! બધાને સવાલ થયો કે – સાવ, આમ અચાનક કેમ?

રોજર ફેડરરે થોડાં દિવસ પહેલા નિવૃત્તિ માટે જે દિવસ નક્કી કર્યો હતો તે આખરે ગત શુક્રવારે આવી ગયો હતો. લંડનમાં રમાયેલી લેવર કપ ફેડરરની છેલ્લી ટૂર્નામેન્ટ હતી. ફેડરર અને તેના મિત્ર રાફેલ નડાલે આ ટુર્નામેન્ટની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. શુક્રવારે રાત્રે આ મેચ બાદ ફેડરર અને નડાલ ધ્રૂસકે ધ્રૂસકે રડતાં હોય એવો એક વીડિયો અને તસવીર વાયરલ થઈ હતી. આ દ્રશ્યોએ વિશ્વભરના અનેક ટેનિસ ચાહકોને ભાવુક કરી દીધાં હતા!

લેવર કપ યુરોપ વિરુદ્ધ વિશ્વની ટીમ વચ્ચે રમાઈ હતી. તેની એક ડબલ્સ મેચમાં વિશ્વ ટીમની જોડી જેક્સ સોક અને ફ્રાન્સિસ ટિફોએ યુરોપની જોડી ફેડરર અને નડાલને હરાવી દીધા હતા. આ મેચ પૂરી થયા પછી, આખા કોર્ટમાં ‘ફેડાલ’ના નારા ગુંજવા લાગ્યા હતા. ફેડરર અને નડાલ સાથે રમે છે ત્યારે ચાહકો તેમને આ નામથી બોલાવે છે, પરંતુ મેદાન પર આ હૂંફ જોઈને આ બંને દિગ્ગજ ખેલાડીઓ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા ન હતા. ટેનિસ ઈતિહાસની સૌથી યાદગાર હરીફાઈઓ કરી ચૂકેલાં આ બે ખેલાડીઓ મેચ બાદ રડી પડ્યા હતા.

બંને સ્ટાર્સને રડતાં જોઈને હજારો ચાહકો ભાવુક થઈ ગયા હતા.  મેચ બાદ રડતાં ફેડરર અને નડાલનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ તસવીરમાં બંને એકબીજાનો હાથ પકડીને નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહ્યા છે.મેચ બાદ નડાલે કહ્યું કે – મારા માટે ગર્વની વાત છે કે હું આ રમતની ઐતિહાસિક ક્ષણનો એક ભાગ છું. મેં ફેડરર સાથે ઈતિહાસની ઘણી ક્ષણો વિતાવી છે. ફેડરર પ્રવાસ છોડી રહ્યો છે. મારો એક ભાગ પણ તેમની સાથે જઈ રહ્યો છે. કારણ કે મારી કારકિર્દીની સૌથી મહત્વની ક્ષણો તેની સામે પસાર થઈ છે. અત્યારે બધા ભાવુક થઈ ગયા છે. કંઈ સમજાવવું મુશ્કેલ છે, પરંતુ આ એક અદ્ભુત ક્ષણ છે.

ફેડરરે તેની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. તેણે લગભગ 40 વખત નડાલનો સામનો કર્યો છે. ફેડરરને 2021માં ઘૂંટણની ઈજા થઈ હતી. જે બાદ સર્જરી કરવામાં આવી હતી અને ફેડરરે ગયા અઠવાડિયે ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ફેડરરે છેલ્લી મેચ નડાલ સાથે રમવાનું નક્કી કર્યું હતું. નડાલે આગળ કહ્યું – મને તેની કારકિર્દીનો એક ભાગ હોવાનો ખૂબ જ ગર્વ છે. તેનાં કરતાં પણ મને આનંદ છે કે અમે મિત્રો છીએ અને અમે કોર્ટમાં સાથે કેટલીક અદ્ભૂત ક્ષણો વિતાવી છે. નડાલ અને ફેડરરના આ વીડિયો પછી લોકો સોશિયલ મીડિયા પર પણ ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી.

ભારતીય પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ આ તસવીર પર કમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નથી. આ મિત્રતા પર વિરાટ કોહલીએ લખ્યું – કોણ જાણતું હતું કે વિરોધીઓ એકબીજા વિશે આ રીતે અનુભવી શકે છે. આ જ તો સ્પોર્ટ્સની અલગ ઓળખ છે. મારા માટે રમતગમતની આ સૌથી સુંદર તસવીર છે. તમારા મિત્રો જ્યારે તમારા માટે રડે એનો મતલબ એ થાય છે કે, તમે તમારી ઇમેજ કેવી બનાવી છે.ટેનિસ ઇતિહાસના મહાન ખેલાડીઓમાંના એક સ્વિસ લિજેન્ડે 15 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નિવૃત્તની જાહેરાત કરી હતી, જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે શુક્રવાર, 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા લેવર કપ દરમિયાન તે છેલ્લી વખત ટેનિસ કોર્ટ પર જોવા મળશે.

ટૂર્નામેન્ટ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં 41 વર્ષના ફેડરરે પોતાની નિવૃત્તિ અને આગળની યોજનાઓ વિશે ઘણી વાતો કરી હતી. 20 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયને કહ્યું હતું કે – તે નિવૃત્તિ પછી પણ ટેનિસ સાથે જોડાયેલો રહેશે. તેમજ તેની કારકિર્દીની છેલ્લી મેચમાં તેણે દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ સાથે ડબલ્સ મેચમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

જોકે,  ઈજાના કારણે લાંબા સમયથી ટેનિસથી દૂર રહેલા ફેડરરે નિવૃત્તિ વિશે ખુલાસો કર્યો હતો કે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. અને આ વાત લીક થવાના ડરથી તેણે અચાનક નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફેડરરે કહ્યું – મેં થોડા મહિના પહેલા સ્કેન કરાવ્યું હતું અને રિપોર્ટ સારા ન હતા. પછી મેં વિચાર્યું કે મારે આ રમતને અલવિદા કહી દેવી જોઈએ. મારા મનમાં પ્રશ્ન હતો કે નિવૃત્તિ ક્યારે અને કેવી રીતે જાહેર કરવી? આ સમય મારાં માટે ઘણો તણાવપૂર્ણ હતો, પરંતુ મને ખબર પડી કે મારી નિવૃત્તિની વાત લીક થવા જઈ રહી છે. તેથી ઉતાવળમાં મારે નિવૃત્તિની જાહેરાત કરવી પડી હતી.

આ સિવાય ફેડરરે કહ્યું કે – તેણે નિવૃત્તિનો નિર્ણય ત્યારે લીધો જ્યારે તેને લાગ્યું કે તે ઈજાને કારણે રમવાનું ચાલુ રાખી શકશે નહીં. છેલ્લા ત્રણ વર્ષ મારાં માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું જાણતો હતો કે – જ્યારથી હું વિમ્બલ્ડન રમ્યો હતો ત્યારથી કોર્ટથી અંતર સતત વધી રહ્યું હતું. સાચું કહું તો, મેં પાછા આવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે શક્ય નહોતું. ફેડરરે તેની કારકિર્દીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે, જેમાં આઠ વિમ્બલ્ડન ટાઇટલનો સમાવેશ થાય છે. ફેડરરે છ ઓસ્ટ્રેલિયન ઓપન અને પાંચ યુએસ ઓપન પણ જીત્યા છે. જોકે, ફ્રેન્ચ ઓપનમાં રાફેલ નડાલના વર્ચસ્વને કારણે ફેડરરના નામે માત્ર એક જ ફ્રેન્ચ ઓપન ટાઇટલ છે. ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો સર્બિયાના નોવાક જોકોવિચ અને સ્પેનના રાફેલ નડાલ તેનાંથી આગળ છે. નડાલે 22 અને જોકોવિચે 21 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. બંને ખેલાડીઓ હાલ કોર્ટમાં છે.

ફેડરરે 2021 વિમ્બલ્ડન બાદથી કોઈ ટુર્નામેન્ટ રમી નથી. તે પછી તેણે ઘૂંટણની સર્જરી પણ કરાવી. ફેડરરની ઘૂંટણની આ ત્રીજી સર્જરી હતી. જે બાદ તેમને નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. ફેડરરે તેની રમતથી માત્ર બાઉન્ડરી તોડી નથી, પરંતુ તેણે ઘણાં રેકોર્ડ બનાવ્યા છે, તે ટેનિસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ચર્ચિત ખેલાડી છે. તેની રમતની શૈલીએ વિશ્વભરના લાખો ચાહકોને તેનાં દીવાના બનાવીઓ દીધાં છે. રમત જ નહીં, ફેડરરનું વ્યક્તિત્વ પણ ખૂબ જ શાંત, નમ્ર અને મોહક રહ્યું છે. મેચ પહેલા સેંકડો ચાહકો ફેડરર બ્રાન્ડના કપડાં અને એસેસરીઝ પહેરીને સ્ટેડિયમમાં પહોંચી જતાં હતાં, તેમાં ટોપી, ટી-શર્ટ, સ્કાર્ફ, બેનરો અને કસ્ટમ મેડ ઈયરિંગ્સનો પણ સમાવેશ થતો હતો.

ફેડરરે ગયા અઠવાડિયે નિવૃત્તિની જાહેરાત કરી અને દિવસ જણાવ્યો ત્યારે શુક્રવારની રાત્રિની એ મેચની તમામ ટિકિટો પહેલેથી જ વેચાઈ ગઈ હતી. શરૂઆતમાં આ ટિકિટો 40થી 510 પાઉન્ડની વચ્ચે હતી, પરંતુ નિવૃત્તિના સમાચાર પછી આ ટિકિટો 1,000 પાઉન્ડમાં વેચાઈ હતી. મેચ યુકેના સમય મુજબ 00:26 વાગ્યે સમાપ્ત થઈ હતી, પરંતુ નિવૃત્તિની ઉજવણી અડધા કલાક પછી પણ ચાલુ રહી હતી. મેચ બાદ ફેડરરે કહ્યું – આ કોઈ અંત નથી, તમે જાણો છો, જીવન ચાલે છે. હું સ્વસ્થ છું, હું ખુશ છું, બધું સરસ છે અને હવે જીવનની બીજી ક્ષણ શરૂ થઈ રહી છે.

ભારત સાથે ફેડરરનો અનોખો લગાવ
રોજર ફેડરરને ભારત પ્રત્યે ઘણો લગાવ રહ્યો છે. ભારતમાં તેનું એક મોટું ફેન ફોલોવિંગ છે. ફેડરર 2006માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યો હતો. જો કે આ પછી તે 2014 અને 2015માં ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગમાં ભાગ લેવા માટે ભારત આવ્યો હતો. 2014માં ભારતમાં થોડો સમય વિતાવ્યા બાદ ફેડરરે ટવીટ કર્યું હતું કે – અહીં વિતાવેલી અદભુત ક્ષણો હંમેશાં મારી સ્મૃતિમાં રહેશે. પ્રેક્ષકો તરફથી અદભુત સમર્થન. હું હંમેશાં આભારી રહીશ. આ પહેલાં તેણે IPTLની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે – ‘‘મને ભારતમાં ખૂબ મજા આવી. હું આવા પ્રવાસો વધારે નથી કરતો પરંતુ ભવિષ્યમાં લાંબા પ્રવાસ પર ભારત આવીશ.’’

તમારી ટેનિસ બ્રાન્ડના અમે દીવાના છીએ: સચિન તેંડુલકર
સચિન તેંડુલકર સહિત ઘણા ભારતીય ક્રિકેટરો પણ ફેડરરના દિવાના છે. ફેડરરની નિવૃત્તિની જાહેરાત પછી ક્રિકેટના ગોડ કહેવાતા સચિન તેંડુલકરે ટવીટ કરીને કહ્યું હતું કે – રોજર ફેડરર કેટલી અદભુત કારકિર્દી છે. અમને તમારી ટેનિસ બ્રાન્ડ પસંદ છે. ધીમે ધીમે તમારી રમત એક આદત બની ગઈ છે અને આદતો ક્યારેય નિવૃત્ત થતી નથી, તે અમારા જીવનનો ભાગ બની ગઈ છે.

સચીન અને ફેડરર વચ્ચે અનોખી મિત્રતા : સચિને ફેડરરને ક્રિકેટ શીખવવાનો વાયદો કર્યો છે!
વર્ષ 2018માં ફેડરરે વિમ્બલ્ડનમાં ક્રિકેટની સ્ટાઈલમાં એક શોટ રમ્યો હતો. ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા! આ શોટ જોયા બાદ સચિને ફેડરરને ટવીટર પર ટેગ કરીને લખ્યું હતું – હંમેશની જેમ બેસ્ટ હેન્ડ-આઈ કોઓર્ડિનેશન. 9મા વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા પછી આપણે એકબીજા સાથે ક્રિકેટ અને ટેનિસ નોટ્સ શેર કરીશું. ફેડરરે સચિનને તરત જ જવાબ આપ્યો હતો – શા માટે રાહ જોવાની? હું નોટ્સ હમણાં જ લેવા માટે તૈયાર છું. સામે સચિને લખ્યું કે – ઠીક છે પહેલું ચેપ્ટર સ્ટ્રેટ ડ્રાઇવનું હશે.

Most Popular

To Top