સુરત: લીંબાયતમાં ધોળે દિવસે કેટલાક ઈસમો સાયકલ સવારને મારી ને લૂંટ (Robbery) ચલાવતા હોવાનો વિડીયો (Video) વાઇરલ થયો છે. અસામાજિકતત્વો સામે સ્થાનિક લોકો પણ લાચાર હોવાનું સામે આવ્યું છે. દિનપ્રતિદિન નિર્દોષ લોકો પર વધતા જતા હુમલાઓને લઈ પોલીસ (Police) કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. ધોળે દિવસે મોબાઈલ અને પાકીટની લૂંટ ચલાવી ભાગી ગયેલા બન્ને ઈસમો ને શોધી પોલીસ સરઘસ કાઢે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભોગ બનનાર ઈસમ પરપ્રાંતીય અને કામ પર જતો કારીગર હોય એમ લાગે છે. જાહેરમાં સાયકલ સવારને અટકાવી મારમારી મોબાઈલ અને પાકીટ લૂંટી લીધા બાદ બિન્દાસ્ત થઈ લૂંટારુઓ રોડ ક્રોસ કરતા વિડીયોમાં કેદ થઈ ગયા છે. વાઇરલ વીડિયોમાં લૂંટારુઓ સ્થાનિક ટપોરીઓ હોય એ વાત ને નકારી શકાય નહીં.
વધુમાં જણાવ્યું હતું કે હવે લીંબાયત વિસ્તાર અસામાજિકતત્વોનો અડ્ડો બની ગયો છે. દારૂ-જુગાર અને હુમલાના કેસો વધી રહ્યા છે. પોલીસ અને રાજકીય લોકો પોતાનો સ્વાર્થ જોઈ રહ્યા છે. નિર્દોષ લોકો આવા તત્વોનો ભોગ બની રહ્યા છે. લીંબાયતની સ્થાનિક જનતા અસુરક્ષિત હોય એમ કહી શકાય છે. આગામી દિવસોમાં જો આવા હુમલા કે લૂંટફાટ બંધ ન થઈ તો રેલી કાઢી વિરોધ કરવા લોકો મજબુર બને તો નવાઈની વાત ન કહેવાય.
સુરતમાં બેફામ બનેલી ટોળકી હવે લૂંટફાટ કરવા લાગી
સુરત : બેફામ બનતી ટોળકી હવે લૂંટફાટ કરવા લાગી છે. વડોદરાથી આવેલા દંપત્તિ પૈકી પુરૂષના ખિસ્સામાંથી પૂણાની ઇન્ટરસિટી ખાડી પુલ પાસે અજાણ્યાઓએ મોબાઇલ આંચકી લીધો હતો. બાદમાં રિક્ષામાંથી નીચે ઉતારી મહિલાના ગળામાંથી સોનાનું પેન્ડલ પણ આંચકી લીધું હતું.
પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લંબે હનુમાન રોડ ઉપર વર્ષા સોસાયટીમાં રહેતા નરશીભાઇ રણછોડભાઇ રાઠોડ હીરા લે-વેચનું કામ કરે છે. ગઈકાલે સાંજે બરોડાથી બસમાં બેસીને સુરત આવ્યા હતા. બસ સ્ટેન્ડ પાસે ઉતર્યા ત્યારે ગોડાદરાથી રિક્ષામાં બેસીને જઇ રહ્યા હતા ત્યારે રિક્ષામાં ધક્કામુક્કી કરીને રિક્ષાચાલકે નરશીભાઇને ઓર્ચિડ ટાવર પાસે ઉતારી દીધા હતા. નરશીભાઇ અને તેની પત્ની નીચે ઉતર્યા ત્યારે રિક્ષામાં સવાર એક યુવકે નરશીભાઇની પત્નીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓએ ચેઇન પકડી રાખતા અજાણ્યાના હાથમાં પેન્ડલ આવી ગયું હતુ. આ ઘટનામાં નરશીભાઇની પત્નીને ગળાના ભાગે ઇજા થઇ હતી. અને તેઓ જમીન ઉપર પટકાયા હતા. પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.