Vadodara

રીક્ષા ચાલકને પ્રસાદમાં ઘેનયુક્ત પદાર્થ આપી રૂ.1.12 લાખની લૂંટ

વડોદરા: શહેરના આજવા રોડ પર આવેલ કિસ્મત ચોકમાં રહેતા અને રીક્ષા ચલાવતા 50 વર્ષીય આધેડને બે અજાણ્યા શખ્સો વાસદ મહીસાગર માતાના મંદિર લઇ જઇ પ્રસાદમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી આધેડને પ્રસાદ ખવડાવી બેભાન કરી રૂ, 1.10 લાખના સોનાના ઘરેણાં અને મોબાઈલ મળી કુલ રૂ. 1.12 લાખની લૂંટ ચલાવી ત્યાંથી નાસી ગયા હોવાનો બનાવ સયાજીગંજ પોલીસ મથકે પહોંચ્યો છે. આજવા રોડ પર આવેલ કિસ્મત ચોકમાં રહેતા રાજુભાઈ શાંતિલાલ માછી ઓટોરીક્ષા ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે.

તેમના પત્ની ઘરકામ કરે છે. ગત તા. 6 ઓક્ટોબરે તેઓ નિત્યક્રમ પ્રમાણે ઓટોરીક્ષા લઈને સ્ટેશન પાસે ગયા હતા. સાંજે 4 વાગ્યે બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને વાસદ મહીસાગર માતાના મંદિર જવું છે તેમ જણાવ્યું હતું. ત્યારે તેમણે આવવા જવાના રૂ. 500 ભાડું થશે તેમ જણાવ્યું હતું. જેથી આવેલ બંને શખ્સોએ હા પાડી હતી. આવવા જવાનું ભાડું નક્કી થયા બાદ તેઓ રિક્ષામાં બંને શખ્સને લઇ વાસદ જવા નિક્ળ્યા હતા. દરમિયાન છાણી ગામ પાસે પહોંચતા શખ્સોએ રીક્ષા રોકાવી પ્રસાદ લેવા જણાવ્યું હતું. લાડુનો પ્રસાદ લીધા બાદ તેઓ વાસદ માતાના મંદિરે પહોંચ્યા હતા.

જ્યાં તમામે દર્શન કર્યા હતા. દરમિયાન બંને  શખ્સોએ રાજુભાઈને પ્રસાદ ખવડાવી વાસદ બસ સ્ટોપ રીક્ષા લઇ જવા જણાવ્યું હતું. જેથી તેઓ રીક્ષા લઇ વાસદ બસ સ્ટોપ પર પહોંચ્યા હતા. દરમિયાન તેઓને ચક્કર આવવાની સાથે ઘેન આવતા રિક્ષામાં સુઈ ગયા હતા. ત્યારેરાત્રે તેઓ જાગ્યા હતા. ત્યારે રીક્ષા રણોલી બ્રિજ પાસે હોય રિક્ષામાં એકલા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે તેમણે વધુ તપાસ કરતા તેમણે પહેરેલા સોનાના ઘરેણાં અને મોબાઈલ મળી આવ્યો ન હતો. અને ચોરી થઈ હોવાનું ભાન આવ્યું હતું.  રૂા, 1.10 લાખના સોનાના ઘરેણાં અને મોબાઈલ મળી કુલ રૂ. 1.12 લાખની લૂંટ ચલાવી ત્યાંથી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top