Vadodara

ભણીયારાના પેટ્રોલપંપ પર લૂંટ કરનાર 2 ઝબ્બે

વડોદરા: ભણીયારા નજીક પેટ્રોલપંપ પર દોઢ માસ પૂર્વે ફાયરિંગ કરીને લૂંટ ચલાવનાર લૂંટારૂં ટોળકીના બે કુખ્યાત સાગરીતોને એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડયા હતા. તેમજ ઈન્ડિકા કાર, બે મોબાઈલ અને રોકડ કબજે કરીને ગેંગના વોન્ટેડ વધુ બે લૂુંટારૂંઓની ઘનિષ્ઠ શોધખોળ હાથ ધરી હતી.

ભણીયારા નજીક હાઈવે પર આવેલા દિપમંગલ પેટ્રોલપંપ ઉપર તા. 10-4-2021 ના રોજ બાઈક સવાર લૂંટારૂં ત્રિપુટી ત્રાટકી હતી. રીઢા લૂંટારૂંઓએ ધડાધડ ફાયરિંગ કરીને કેશિયર પાસેથી 27 હજારની લૂંટ ચલાવીને પલાયન થઈ જતાં જિલ્લા પોલીસે દોડધામ મચાવી મૂકી હતી.

જિલ્લા એસઓજી અને એલસીબીએ સંયુકત ઓપરેશન હાથ ધરતા દોઢ માસની બાદ ગેંગના બે કુખ્યાત લૂંટારૂંને યુપીથી વેશપલટો કરીને સ્થાનિક રહેવાસીઓની મદદથી જ દબોચી લીધા હતા. સેંકડો ગુનામાં સંડોવાયેલ ચંદ્રપ્રકાશ ઉર્ફે પુતઈ સરજુપ્રસાદ શર્મા (ઉચગાવ સાની બિધાપુર જિલ્લા ઉનાવ, યુ.પી.)  અને અતુલ ઘનશ્યામ વર્મા (રહેવાસી ગોરૈયા બિહાર બિધાપુર, જિલ્લા ઉનાવ, યુ.પી.) ધરપકડ કરી હતી.

એલસીબી અને એસઓજીની ટીમે તપાસનું પગેરૂ દબાવતા જ પેટ્રોલપંપથી બે કીલોમીટર દુર સુધી પાસીંગની બાઈક બિનવારસી મળી આવી હતી. તેથી તપાસ ટીમને શંકા જાગી કે, લૂંટારૂંએ ગુનાને અંજામ આપ્યા બાદ બાઈક છોડીને અન્ય વાહનમાં ફરાર થઈ ગયા હશે. હાઈવેના સીીટીવી ફૂટેજ ચેક કરતા યુ.પી.પાસિંગની ઈન્ડિકા કાર જણાઈ આવી હતી. જે કાર દાહોદ-એમ.પી.થી લઈને યુ.પી.માં ઉન્નાવ જિલ્લામાં પ્રવેશી હોવાથી શક મજબુત બન્યો હતો.

આરોપીઓના ગામમાં પોલીસે તપાસ કરતા અત્યંત રીઢા અને નામચીન હોવા ઉપરાંત ગમે ત્યારે દેશી કટ્ટાથી ફાયરિંગ તેવા ઝનૂની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ટીમે ચોકસાઈ રાખીને સ્થાનિક રહેવાસીઓ જેવો પહેરવેશ ધારણ કરીને બંને આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપી ચંદ્રપ્રકાશ અને અતુલે લૂંટના ગુનાનો અંજામ કઈ રીતે આપ્યો તેની ચોંકાવનારી કબુલાત કરતા જણાવ્યું હતું. બંને આરોપીઓ સાથે અજય પટેલ અને ધનરાજ લોધી યુ.પી.થી ઈન્ડિકા લઈને સુરત આવ્યા હતા. ત્યાંથી બાઈકની ઉઠાંતરી કરીને બે વાહન પર જ સાગરીતો પેટ્રોલપંપ પર આવ્યા હતા અને ફાયરિંગ કરીને કેશિયર કર્મચારીઓને મારઝુડ કરીને સવારમાં લૂંટ ચલાવી હતી.

Most Popular

To Top