સુરત: સુરત (Surat) શહેરમાંથી આશરે 33 કિ.મી. લંબાઈમાં તાપી નદી (Tapi River) પસાર થાય છે. ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે કોઝવે સુધી પાણી તાપી નદીમાં જમા થાય છે પરંતુ ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોમાં તાપી કોરીકટ જ રહે છે. જેથી રૂંઢ અને ભાઠા વચ્ચે કન્વેન્શનલ બરાજ બનાવવાનું પણ આયોજન છે. બરાજ બનવાથી તેની ઉપરવાસમાં અંદાજે 10 કિ.મી. લંબાઈમાં હયાત સિંગણપોર વિયર સુધી (પાર્ટ-1) તથા સિંગણપોર વિયરથી કઠોર બ્રીજ સુધી 23 કિ.મી. લંબાઈમાં (પાર્ટ–2) એમ બે પાર્ટમાં વિશાળ જળ સરોવર સર્જાશે. જેથી તાપી નદીના બંને કાંઠા માટે રિવર ફ્રન્ટ (River Front) ડેવલપમેન્ટનું આયોજન પણ કરાયું છે.
પાર્ટ-1 ના પ્રકલ્પ અંતર્ગત રૂ.1236 કરોડ તથા ફેઝ-2 ના રૂા. 2668 કરોડ મળી કુલ પ્રકલ્પમાં અંદાજે રૂા. 3904 કરોડનો ખર્ચ થશે. આ ખર્ચ માટે વર્લ્ડ બેંક પાસેથી સોફ્ટ લોન મેળવવા રાજય સરકારને મનપા દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને રાજય સરકાર દ્વારા બહાલી આપવામાં આવી છે. જેથી રિવર ફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી માટે રૂા. 1991 કરોડની લોન મનપાને વર્લ્ડ બેંક (World Bank) તરફથી મળશે.
બંને ફેઝ પૈકી ફેઝ-1, બરાજથી સિંગણપોર વિયર સુધીની નદીના બંને કાંઠાના બેંક પ્રોટેકશન વર્ક, વોક-વે, સાઈકલ ટ્રેક, ગ્રીન સ્પેસીસ, હયાત ઓવારાનું નવસાધ્યકરણ, ગાર્ડન, પબ્લિક પ્લેસ, અન્ય યુટિલિટી સર્વિસીસ સહિતના કુલ રૂા.1236 કરોડ તથા ફેઝ-2 સિંગણપોર વિયરથી કઠોર બ્રિજ સુધીના નદીના બંને કાંઠે ઉપરોકત મુજબના તમામ આયોજનો પૈકી પુર સંરક્ષણ પાળા બનાવવાના કામ પેટે અંદાજે રૂા. 755 કરોડના ખર્ચે કામગીરી કરાશે.
રિવરફ્રન્ટ બનાવી શહેરમાં વિદેશોની જેમ આધુનિક આયોજન કરાશે
તાપી નદીમાં બનતાં સરોવરના બંને કાંઠે નાગરિકોના આનંદ પ્રમોદ, પર્યટન, પરિવહન સહિતની અનેકવિધ સુવિધાઓ તબકકાવાર વિકસાવાશે. દેશ-વિદેશમાં હોય તે પ્રકારના પ્રકલ્પો ધ્યાને લઈ તે મુજબનું આધુનિક આયોજન અહીં કરાવવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ પ્રકલ્પના અમલીકરણથી શહેરના સૌંદય અને આભામાં અનેક ગણી વૃધ્ધિ થશે, નાગરિકોના આનંદ પ્રમોદની અલાયદી વ્યવસ્થા થશે.
નદીના કાંઠે હરિયાળા અને મનોરંજનના સ્થળોનો વિકાસ થશે, પાણી તથા જમીનના વ્યવસ્થાપન, સંભવિત ફલ્ડને નિયંત્રિત કરી શકાશે, નદી સ્વચ્છ તથા પ્રદુષણ મુકત થશે, ગંદા પાણી/આઉટલેટને નિયંત્રિત કરી શકાશે, નદી પર બંને કાંઠે એક વધારાનો માર્ગ ઉપલબ્ધ થશે, નૌકાવિહાર તથા વોટર સ્પોર્ટસ સહિતના આનંદપ્રમોદના સ્થાનો વિકાસ પામશે.