નવી દિલ્હી: ન્યુઝીલેન્ડ (NewZealand) પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન ઋષભ પંતના (Rishabh Pant) ખરાબ ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. ઋષભ પંતને પ્લેઇંગ-11માં તક મળી રહી છે અને સંજુ સેમસનને (Sanju Samson) બહાર બેસવું પડ્યું છે. સતત ટાર્ગેટ થવા વચ્ચે ઋષભ પંતે પોતે જ પોતાના ફોર્મ વિશે વાત કરી છે અને સીધું કહ્યું છે કે મારા આંકડા એટલા ખરાબ નથી. જોકે, આ નિવેદન આપ્યાના થોડા સમય બાદ જ ઋષભ પંત ત્રીજી વનડેમાં માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
મેચ પહેલા કોમેન્ટેટર હર્ષ ભોગલેએ (Harsha Bhogle) ઋષભ પંત સાથે વાત કરી હતી. ઋષભે અહીં કહ્યું કે હું ટી-20 ક્રિકેટમાં ઓપનિંગ કરવા ઈચ્છું છું, જ્યારે વન-ડેમાં નંબર 4 કે 5 બરાબર છે અને ટેસ્ટમાં હું નંબર-5 પર બેટિંગ કરું છું. પરંતુ કોચ અને કેપ્ટન ટીમ માટે શું વિચારે છે અને નક્કી કરે છે તેના પર બધુ નિર્ભર કરે છે. મને જ્યારે પણ તક મળે છે ત્યારે હું સારો દેખાવ કરવાનો પ્રયાસ કરું છું.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
વાતચીત દરમિયાન જ્યારે હર્ષ ભોગલેએ કહ્યું કે ટેસ્ટમાં તમારા આંકડા સારા છે, પરંતુ વન-ડે અને ટી-20માં એટલા સારા નથી. જેના પર ઋષભ પંતે કહ્યું કે સફેદ બોલ ક્રિકેટમાં મારા આંકડા એટલા ખરાબ નથી, હું માત્ર 24-25 વર્ષનો છું અને આવી સ્થિતિમાં સરખામણી કરવી યોગ્ય નથી. જ્યારે હું 30-32 વર્ષનો હોઈશ ત્યારે આવી સરખામણી કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, ઋષભ પંતને T20 વર્લ્ડ કપમાં પણ બે તક મળી હતી, પરંતુ તે તેમાં નિષ્ફળ ગયો હતો. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ પ્રવાસ પણ તેના માટે સારો રહ્યો નહીં, જેના કારણે સફેદ બોલ ક્રિકેટમાં તેના પ્રદર્શન પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આગામી એક વર્ષમાં વર્લ્ડ કપ છે, આવી સ્થિતિમાં વિચારણા શરૂ થઈ ગઈ છે. જો કે દરેક વખતે ટીમ મેનેજમેન્ટે ઋષભ પંતને મેચ વિનર ગણાવ્યો છે અને તેને સપોર્ટ કરવાની વાત કરી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્માએ ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કર્યો છે, ટીમ ઈન્ડિયાના કોચ વીવીએસ લક્ષ્મણે પણ ઋષભ પંતને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર મેચ વિનર ગણાવ્યા છે.