Charchapatra

મોક્ષ અને નિર્વાણનો તફાવત

ઉપનિષદોમાં ઋષિઓએ વાસ્તવિકતાના સ્વરૂપ પર ચિંતન કર્યું હતું. ગૌતમ બુધ્ધે પણ આ અંગે ચિંતન કર્યું હતું. જો કે હિન્દુ ધર્મનો ‘મોક્ષ’ અને બૌધ્ધ ધર્મના ‘નિર્વાણ’માં ઘણો તફાવત છે. બન્ને ધર્મ જીવન-મૃત્યુના ચક્રમાંથી મુકિત મેળવવાની જ વાત કરે છે. પરંતુ નિર્વાણ સ્વની (પોતાની) વિસ્મૃતિની વાત કરે છે – સ્વનો લોપ થઇ જવો, જયારે મોક્ષ જીવાત્મા અને પરમાત્માના મિલનની વાત કરે છે. આ જીવાત્મા અને પરમાત્માનું મિલન ભકિત, જ્ઞાન અને કર્મની મદદથી થાય છે. ગીતામાં કૃષ્ણ કહે છે કે સમબુદ્ધિથી યુકત જ્ઞાતિજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનમાંથી મુકત થઇ નિર્વિકાર પરમ પદને પામે છે (અ. ૨/૫૧). આ જ મોક્ષ છે. એ જ રીતે ફરીથી કૃષ્ણ અર્જુનને કહે છે કે ‘તારી બુદ્ધિ પરમાત્મામાં સ્થિરભાવે સ્થાયી થઇ જશે ત્યારે તારો પરમાત્મા સાથે નિત્યસંયોગ થઇ જશે (અ. ૨/૫૩) બસ, આ અવસ્થા મોક્ષની છે. મોરારિબાપુ કહે છે કે મોક્ષ શું એ મને ખબર નથી. પરંતુ એક એવી અવસ્થા (stage) આવ્યા બાદ ધર્મ છૂટી જાય, અર્થ (Money) છૂટી જાય, કામ (વાસના) છૂટી જાય – પછી જે બચે છે એનું નામ મોક્ષ છે. પછી જે શેષ રહી જાય એ મુકિત છે. બહુ જ સરળ ભાષામાં સમજવું હોય તો જીવન – મરણમાંથી મુકિત એટલે મોક્ષ! કેટલાક વિદ્વાનો કહે છે કે મોહનો ક્ષય એટલે મોક્ષ!
સુરત     – ડો.કિરીટ ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

આંગળી ઉપર વાદળી તિલકનો તહેવાર? આજે જ મતદાન
ભારત એક વિશાળ લોકશાહી દેશ છે. પ્રત્યેક અઢાર વર્ષથી ઉપરની પુખ્ત વ્યકિતએ મતદાન દ્વારા પોતાનો અભિપ્રાય વ્યકત કરવાનો નૈતિક અધિકાર છે. નાગરિકોએ સોસાયટીઓના જાગૃત પ્રમુખ મંત્રીઓએ એક નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજી મતદાન કરવા જવું જ જોઇએ. ચૂંટણી પહેલાં વાયદાઓનો વેપાર કરીને પ્રજા અને પ્રજાલક્ષી કામોને ભૂલીને ચૂંટણી જીતી જનારા મહાનુભાવો પાંચ વર્ષ પછી બહુધા ફરકતા નથી. એ દુ:ખદ વાસ્તવિકતા છે ને પ્રજાને છેતરાયાનો અનુભવ થાય છે.

પોતપોતાના વિસ્તાર માટે આપણે સાચા સારા જન પ્રતિનિધિ ચૂંટણીને મોકલવા જોઇએ કે જેઓ સરકારી અનેકવિધ યોજનાઓ સુવિધાઓ પોતાના વિભાગની પ્રજાને પડતી હાડમારીઓ પાયાની સુવિધા પૂરી પાડી વિકાસ માટે  તત્પર રહી લોકશાહી ચૂંટણી પર્વની ગરિમા જાળવી પ્રજાની વેદનાને યોગ્ય સ્તરે રજૂઆતો કરી શકે એવા જ પ્રતિનિધિ ચૂંટી મોકલી આપણો નાગરિક ધર્મ બજાવીએ. મારા એક મતથી શું ફરક પડે? એવું નકારાત્મક વિચાર છોડી મતદાન મથકે દોડી જઇ પડોશી ધર્મ પણ બજાવવો રહ્યો. હવે તો મજદુર મિત્રોને પણ પગાર સહ રજા આપવાની ચૂંટણી પંચનો પરિપત્ર છે. હમણાં જ દૃઢ સંકલ્પ કરી અવશ્ય મતદાન કરી પવિત્ર નાગરિક ધર્મ બજાવીએ.
સુરત     – ભગુભાઇ પ્રે. સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top