National

નૂહમાં જે હોટલની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેનાં પર વહીવટીતંત્રે બુલડોઝર ચલાવ્યું

નૂહઃ હરિયાણાના (Hariyana) નૂહમાં રમખાણો (Riots) બાદ ખટ્ટર સરકાર યોગી મોડલ પર કામ કરી રહી છે. વહીવટી તંત્ર વતી નૂહમાં આજે ચોથા દિવસે પણ બુલડોઝરની (Bulldozer) કાર્યવાહી ચાલુ રહી હતી. આ દરમિયાન તે હોટલને પણ તોડી પાડવામાં આવી હતી જેની છત પર બદમાશોએ પથ્થરમારો કર્યો હતો. નૂહ હિંસા પછી એક્શનમાં આવેલી સરકાર એ તમામ ગેરકાયદેસર મિલકતોને (Illegal properties) શોધી રહી છે. આ સાથે તોફાનીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક તોફાનીની ઓળખ કરવામાં આવી રહી છે. અને તેઓ સામે કડક પગલા ભરવામાં આવી રહ્યાં છે.

નલ્હારની હોટલ પર બુલડોઝર ચાલ્યું
નૂહમાં જે છત પરથી તોફાનીઓએ પથ્થરમારો કર્યો હતો તે હોટલની ઓળખ કરીને તેનાં પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. નલ્હારમાં આજે સવારે બુલડોઝર વડે ગેરકાયદેસર હોટલ અને એક બિલ્ડીંગ જમીનદોસ્ત કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા 200થી વધુ મિલકતો પર કાર્યવાહી કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ કાર્યવાહી હજું થોડા દિવસ ચાલુ રહી શકે છે.

8 ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ
હરિયાણા સરકારે શનિવારે નૂહમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓના સસ્પેન્શનને 8 ઓગસ્ટ સુધી લંબાવી દીધું છે. પલવલ જિલ્લામાં આ બંને સેવાઓનું સસ્પેન્શન 7 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના સરઘસને રોકવાના પ્રયાસોને લઈને 31 જુલાઈના રોજ નૂહમાં અથડામણને પગલે મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં અથડામણ ગુરુગ્રામ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ફેલાઈ ગઈ. અથડામણમાં છ લોકોના મોત થયા છે.

ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા
આ અથડામણમાં અત્યાર સુધી કુલ 216 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 80 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ કેસમાં 104 એફઆઈઆર નોંધવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં નલ્હાર મંદિર વિસ્તાર ઉપરાંત પિંગવાન, ગામ બિસરૂ, ગામ બિવા, નાંગલ મુબારિકપુર, પાલદા શાહપુરી, અગોન, સહારા હોટલ પાસેનો વિસ્તાર, અદબાર ચોક, નલ્હાર રોડ, તિરંગા ચોક અને અન્ય ઘણી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો છે જેને તોડી પાડવામાં આવ્યા છે.

Most Popular

To Top