Sports

ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતિત પાકિસ્તાન ટીમ સાથે મનોચિકિત્સક પણ ભારત લાવશે!

નવી દિલ્હી: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં લગભગ બે મહિના બાકી છે. વર્લ્ડકપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આ વખતે વર્લ્ડકપ ભારતની (India) ધરતી પર 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. આ વર્લ્ડ કપમાં (World Cup) ભાગ લઈ રહેલી તમામ 10 ટીમો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત ODI વર્લ્ડ કપ મેચ રમાવાની છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આ વર્લ્ડ કપ માટે બાબર આઝમની ટીમ સાથે એક મનોચિકિત્સકને (Psychiatrist) ભારત મોકલવાનું વિચારી રહ્યું છે, જેથી તેના ખેલાડીઓ દબાણનો સામનો કરી શકે.

PCBના કાર્યવાહક અધ્યક્ષ ઝકા અશરફ અને કેપ્ટન બાબર આઝમની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવાશે
પીસીબીના કાર્યવાહક અધ્યક્ષ ઝકા અશરફ અને કેપ્ટન બાબર આઝમની બેઠક બાદ જ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. બાબર હાલમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં કોલંબો સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો છે. પીસીબીના એક અધિકારીએ કહ્યું, ‘ઝાકા અશરફ માને છે કે ખેલાડીઓ સાથે મનોચિકિત્સક હોવું મદદરૂપ થશે. ખાસ કરીને જ્યારે તેઓ સારૂ પ્રદર્શન ન કરી રહ્યા હોય અથવા ભારતના પ્રવાસમાં બાહ્ય દબાણ અનુભવી રહ્યા હોય. તેણે કહ્યું કે મનોચિકિત્સકની હાજરી પાકિસ્તાન માટે ફાયદાકારક રહેશે કારણ કે ટીમ 2016 પછી પ્રથમ વખત ભારતના પ્રવાસે જઈ રહી છે.

અધિકારીએ કહ્યું, “જ્યારે ઝાકા અશરફ છેલ્લી વખત PCBના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે ખેલાડીઓ સાથે કામ કરવા માટે જાણીતા મનોવિજ્ઞાની મકબૂલ બાબરીને બોલાવ્યા હતા. બાબરી 2012-13ના પ્રવાસમાં ટીમ સાથે ભારત ગયા હતા. પીસીબીના અધિકારીએ કહ્યું કે 2011ના વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ખેલાડીઓના ભારત પ્રવાસ પહેલા જ સ્પોર્ટ્સ સાયકિયાટ્રિસ્ટ સાથે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાહબાઝ શરીફે એક કમિટીની રચના કરી
વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવા શાહબાઝ શરીફે એક કમિટીની રચના કરી હતી.પીએમ શાહબાઝ શરીફે વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ અને ખેલાડીઓ, અધિકારીઓ, ચાહકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ અંગે ચર્ચા કરી રહી છે. આ સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અહેસાન મઝારી, મરિયમ ઔરંગઝેબ, અસદ મહમૂદ, અમીન ઉલ હક, કમર ઝમાન કૈરા અને ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો સમાવેશ થાય છે.

14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાનની મેચ રમાશે
ભારત-પાકિસ્તાનની મેચ કે જે 15 ઓક્ટોબરે રમાનાર હતી તે હવે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. મેચની તારીખ બદલવા પાછળનું કારણ નવરાત્રીનો તહેવાર છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન મેચ સહિત કુલ 6 મેચોના શિડ્યુલમાં ફેરફાર થશે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામેની અત્યાર સુધીની તમામ 7 મેચ જીતી છે. જ્યારે ટી-20 વર્લ્ડ કપમાં ભારતને માત્ર એક જ વાર પાકિસ્તાને હરાવ્યું હતું.

Most Popular

To Top