વડોદરા : છેલ્લા છ માસથી કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં ભડકો થતાં નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે તેમાં પણ માંડ માંડ આજીવિકા રળતા રિક્ષાચાલકો સીએનજીના ભાવ વધારાથી છેલ્લાં ઘણા સમયથી ભાડા વધારવા કરેલી માંગ સરકારે સ્વીકારી લીધી હતી અને કિલોમિટર દિથ બે રૂપિયાનો વધારો કરતા રિક્ષા ચાલકોમાં આનંદ વ્યાપી ગયો હતો. રાજ્યમાં ઘણા સમયથી રીક્ષા એસોસિયેશનો એ ભાડામાં ભાવ વધારાની માગણી કરી હતી રાજ્ય સરકાર પાસે એસોસિએશને ઓછામાં ઓછું 30 રૂપિયા અને પ્રતિ કિલોમીટર પંદર રૂપિયા ભાડું વધારવાની માંગ કરી હતી છેલ્લા ઘણા સમયથી સરકાર સાથે એસોસીએશનની ચાલી રહેલી વાટાઘાટો બાદ શરતી નિર્ણય લેવાયો હતો.
તેમાં મિનિંમમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરીને 20 રૂપિયા કરવામા આવ્યો હતો ત્યાર બાદ પ્રતિ કિલોમીટર 13 રૂપિયા હતા તેમાં પણ બે રૂપિયાનો વધારો કરીને 15 કરાયો હતો. સરકારે એવું પણ જણાવ્યું હતું કે 2023ની 31મી માર્ચ સુધી સીએનજીના ભાવમાં વધારો ઘટાડો થશે તો પણ ભાડા વધારવાની માગણી રીક્ષા ચાલકો નહીં કરે. તે બાબત નો સ્વીકાર કરતાં એસોસિએશનના પ્રમુખોએ ખાતરી પણ આપી હતી. આ ભાડા વધારો 10 જૂન થી અમલમાં આવશે. કાર બસ અને ટુ વ્હીલરના મુસાફરોને હવે રીક્ષા ની મુસાફરી પણ મોંઘી પડવાના દિવસો આવી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રીક્ષા એસોસિયેશનોએ છેલ્લા ઘણા સમયથી સરકાર સામે ભાડાં વધારાની માંગ કરી હતી જે લાંબા અરસા સુધી ધ્યાને ન લેવાતા રીક્ષા ચાલકોએ ગાંધીજીના માર્ગે હડતાળો અને આંદોલનો પણ કર્યા હતા.