અંકલેશ્વર, ભરૂચ: ભરૂચ રોડ પર રિક્ષા (Rickshaw) રોડ સાઈડમાં (Road side) ૨૦ ફૂટ ઊંડે ખાબકી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. જ્યારે રિક્ષાને ભારે જહેમતે બહાર કાઢવામાં આવી હતી. ભરૂચ-અંકલેશ્વર રોડની બાજુમાં વાહન ખાબકવાના વધતા બનાવો ચિંતાનો વિષય બની રહ્યા છે.અંકલેશ્વર-ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર-૮ (National Highway No-8) પર વાહનો રોડની સાઈડમાં ખાબકવાના વધતા બનાવો વચ્ચે શુક્રવારે પુનઃ એકવાર માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. આ સમયે રિક્ષાચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતાં રોડ સાઈડ ખાડામાં ૨૦ ફૂટ ઊંડે ઊતરી ગઈ હતી. જો કે, આ ઘટનામાં સદનસીબે રિક્ષામાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવતાં લોકટોળા એકત્ર થઇ ગયા હતા. ત્યાં સ્થળ પર હાજર લોકોએ ભારે જહેમત બાદ રિક્ષાને બહાર કાઢી હતી. રોડ સાઈડ પર વાહન ખાબકવાના વધતા જતા બનાવો વચ્ચે તંત્ર દ્વારા સાઈડ ડિવાઈડર ઊભા કરવામાં આવે એ ખાસ જરૂર છે.
અસ્તાનથી ખરવાસા રોડને જોડતો નહેર રોડ બિસમાર, વાહનચાલકોને હાલાકી
બારડોલી: બારડોલી અસ્તાન ફાટક પર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય હાલ કડોદથી અસ્તાન થઈ બારડોલી તરફ આવવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ માટે ખરવાસા રોડ તરફ જતાં નહેર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ આ નહેર રોડ જર્જરિત થઈ ગયો હોય વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એટલું જ નહીં રોડ સાંકડો હોવાથી મોટાં વાહનો માટે પસાર થવું પણ દુષ્કર થઈ પડ્યું છે.
હાલમાં જ એક ટ્રક ખોટકાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી
બારડોલીની અસ્તાન ફાટક પર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોય હાલ આ ફાટક વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી છે. કડોદથી અસ્તાન થઈ બારડોલી તરફ આવતા રોડ પર સોના પાર્ક નજીક બેરિકેટ્સ લગાવી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનોની અવરજવર માટે અસ્તાન નહેર રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પરંતુ આ નહેર રોડની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ ન હોવાથી ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. એક રોડની એક બાજુ નહેર અને એક બાજુ ખેતર હોવાથી વાહનચાલકો માટે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બને છે. મોટા મોટા ખાડાને કારણે અકસ્માતની પણ સંભાવના સેવાઇ રહી છે. હાલમાં જ એક ટ્રક ખોટકાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ડાયવર્ઝન આપતા પહેલા રોડની મરામત કરાવવી જરૂરી હતી. પરંતુ જે-તે વિભાગ દ્વારા કોઈ ધ્યાન નહીં અપાતાં દિવાળીના ટાણે વાહનચાલકોને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.