Business

ઘઉં, ખાંડ બાદ હવે સરકારે ચોખાની નિકાસ પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: (New Delhi) બિન-બાસમતી ચોખાની (Rice) નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી (Customs duty) લાદ્યા પછી સરકારે (Government) સ્થાનિક પ્રાપ્યતા વધારવાના હેતુથી ટુકડા ચોખાની નિકાસ (Export) પર પ્રતિબંધ મૂક્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 8 સપ્ટેમ્બર 2022 ના રોજ એક સૂચનામાં જણાવ્યું હતું કે ટુકડા ચોખાની નિકાસની શ્રેણીને ‘મુક્ત’માંથી ‘પ્રતિબંધિત’ કરવામાં આવી છે. આ સૂચના 9મી સપ્ટેમ્બર 2022થી લાગુ થઈ છે.

  • બિન-બાસમતી ચોખાની નિકાસ પર 20 ટકા કસ્ટમ ડ્યુટી લાદ્યા પછી સરકારે સ્થાનિક પ્રાપ્યતા વધારવાના હેતુથી ટુકડા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો
  • ફક્ત તે માલસામાનને જ નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે જેનું શિપમેન્ટ આ સૂચના પહેલા જહાજો પર શરૂ થઈ ગયું છે
  • દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે જેના કારણે આ નિર્ણય લેવાયો
  • લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આવું પગલું ભર્યું
  • જોકે ચોખાની નિકાસ કાયમ માટે પ્રતિબંધિત નથી

જહાજ પર પહેલાથી જ ભરેલા ચોખાને પરવાનગી મળશે
ટ્રાન્સફર પોલિસીના સંબંધમાં ફોરેન ટ્રેડ પોલિસી 2015-2020 હેઠળની જોગવાઈઓ આ સૂચનાને લાગુ પડશે નહીં. ઉપરાંત 9 થી 15 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ચોખાના ચોક્કસ કન્સાઇનમેન્ટને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે. સૂચના મુજબ આ સમયગાળા દરમિયાન ફક્ત તે માલસામાનને જ નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે જેનું શિપમેન્ટ આ સૂચના પહેલા જહાજો પર શરૂ થઈ ગયું છે. અગાઉ સરકારે ઉસ્ના ચોખા સિવાય નોન-બાસમતી ચોખા પર 20 ટકા નિકાસ જકાત લાદી હતી.

ડાંગરના પાકના વિસ્તારમાં ઘટાડો
વર્તમાન ખરીફ સિઝનમાં ડાંગરના પાક હેઠળના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં ઘરેલુ પુરવઠો વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ ડાંગરના રૂપમાં ચોખા અને બ્રાઉન રાઈસ પર 20 ટકા નિકાસ ડ્યૂટી લાદવામાં આવી છે. આ નિકાસ ડ્યુટી 9 સપ્ટેમ્બરથી લાગુ થઈ છે. નોંધનીય છે કે દેશના કેટલાક રાજ્યોમાં ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં ઘટાડો થયો છે. જેના કારણે આ નિર્ણય લેવાયો છે. જોકે ચોખાની નિકાસ કાયમ માટે પ્રતિબંધિત નથી.

ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે
ચીન પછી ભારત ચોખાનું સૌથી મોટું ઉત્પાદક છે. ચોખાના વૈશ્વિક વેપારમાં ભારતનો હિસ્સો 40 ટકા છે. ભારતે 2021-22 ના નાણાકીય વર્ષમાં 21.2 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી. તેમાં 39.4 લાખ ટન બાસમતી ચોખા હતા. સત્તાવાર માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન નોન-બાસમતી ચોખાની નિકાસ $6.11 બિલિયન રહી હતી. ભારતે 2021-22 દરમિયાન વિશ્વના 150 થી વધુ દેશોમાં બિન-બાસમતી ચોખાની નિકાસ કરી હતી. ભારત સરકાર પાસે જે ચોખાનો સ્ટોક હતો તે હવે નીચે આવી ગયો છે. આવનારા સમયમાં ભારતમાં ચોખાની અછત ન સર્જાય અને અહીંના લોકોને મોંઘવારીનો સામનો ન કરવો પડે તે માટે સરકારે આવું પગલું ભર્યું છે.

Most Popular

To Top