આણંદ : રાજ્યના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીના તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ફરી ઉઠી છે અને આ અંગે આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા સતત રજુઆતો કરવા છતાં 3 વર્ષ થવા છતાં સરકારે બાંહેધરી આપી હતી. તે પૈકીના એક પણ પ્રશ્નનું નિરાકરણ થયું હતું. ખાસ કરીને 2004-05ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા માગણી કરી હતી. આ લાભ ન મળતાં 2007માં નિમણૂંક પામેલા તલાટી સિનિયર ગણાય છે.
જે મોટી વિસંગતતા ઉભી થઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે, મહેસુલી કામગીરી માટે રેવન્યુ તલાટીની અલગ ભરતી કરી અને તેમની કામગીરીના અલગ જોબચાર્ટ નક્કી કરી ગ્રામ્ય વિસ્તારના સેજાપણ ફાળવવામાં આવ્યાં હતાં. જેને 10 વર્ષ થવા છતાં તેઓ સેજાની કામગીરી કરતાં નથી. હાલ પણ તમામ પ્રકારની મહેસુલી કામગીરી પંચાયત હસ્તકના તલાટી મંત્રીઓ પાસે જ કરાવવામાં આવે છે. જ્યારે રેવન્યુ તલાટીઓને મામલતદાર કચેરીમાં બેસી ફક્ત 135 ડીની નોટીસ બજવણીની કામગીરી જ સોંપવામાં આવેલી છે.
એક સમાન કેડર હોવા છતાં મહેસુલી તલાટીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4400 ગ્રેડ પે અને બીજું ઉચ્ચતર પગાર ધોરણ 5400 ગ્રેડ પે આપવામાં આવે છે. જ્યારે પંચાયત તલાટી મંત્રીઓને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે અને બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે આપવામાં આવ્યું છે. જે વિસંગતતાઓ અન્યાય કર્તા છે. આ ઉપરાંત બઢતીના પ્રશ્નો, સળંગ નોકરી ગણવા, હાજરી પુરવા, આંતર જિલ્લાફેર બદલી, પંચાયત વિભાગ સિવાયની કામગીરી સોંપવા, ફરજ મોકુફી સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરી હતી.
આ રજુઆતનો ઝડપી ઉકેલ નહીં આવે તો 20મીને સોમવારે તમામ તલાટીમંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. 27મીને સોમવારે તલાટી મંત્રી ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ યોજાશે. 1લી ઓક્ટોબર,21એ તમામ તલાટી મંત્રીઓ માસ સીએલ મુકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવ કરશે અને ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. 7મી ઓક્ટોબરના રોજ જિલ્લા તલાટી મંત્રી મંડળની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે એક દિવસના ધરણાં કરશે.