કહેવાય છે કે જેના કોઈ મિત્ર નથી હોતા તે માણસ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. દોસ્તી દુનિયાનો સૌથી સુંદર સંબંધ છે. બાળક જ્યારથી સ્કૂલમાં પગ મૂકે ત્યારથી તેની મિત્રો બનાવવાની સફર શરૂ થાય છે પણ એક જમાનો એવો હતો જ્યારે સ્કૂલમાં કેળવેલી મિત્રતા કોલેજમાં પગ મૂકતા જ પાછળ છૂટી જતી અને કોલેજમાં નવા દોસ્તો બનતા સ્કૂલકાળના મિત્ર ભુલાતા જતા અને કોલેજ છૂટતા ઘર-પરિવારની જવાબદારી કોલેજના મિત્રોને પણ ભુલાવી દેતી. ખાસ કરીને ગર્લ્સના. કોલેજ બાદ મેરેજ થતાં તેનું સાસરું બીજા શહેરમાં હોય તો તેણે પોતાનું શહેર છોડવું પડતું હોય છે એ સાથે ફ્રેન્ડ્સ સાથેનો એનો કોન્ટેક્ટ ઓછો થાય છે અને ધીરે-ધીરે ફ્રેન્ડશીપ તદ્દન વિસારે પડી જતી હોય છે પણ આજે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના આ આધુનિક યુગમાં સ્કૂલ અને કોલેજના મિત્રો ભૂલેબીસરે ગીતોની જેમ ફરી ભેગા થવા લાગ્યા છે.
સ્કૂલ-કોલેજના મિત્રોના રિયુનિયન બનતાં જાય છે. રિયુનિયન બનાવવાનો નવો ટ્રેન્ડ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી જોવા મળી રહ્યો છે. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને કારણે વર્ષોથી સંપર્કવિહોણા થયેલા મિત્રો ઇઝીલી મળતા થયા છે અને વાર-તહેવારે કે પાર્ટી ગોઠવીને મળવા લાગ્યા છે અને ‘તને સાંભરે રે, મને કેમ વિસરે રે?’ કાવ્યની પંક્તિની જેમ સ્કૂલ-કોલેજ સમયની ખટમધુરી યાદોને તાજી કરી લાઈફને એન્જોય કરે છે. ચાલો આપણે સુરતના જ આવા મિત્રોના ગ્રુપ્સ મીટિંગ ગોઠવી લાઈફને કઈ રીતે એન્જોય કરી રહ્યા છે અને ફ્રેન્ડશીપ નિભાવી રહ્યા છે તે જાણીએ..
1980માં કોલેજમાંથી છૂટા પડ્યા 2 વર્ષ પહેલાં સુપર 80 ગ્રુપ બનાવ્યું: ભાવનાબેન તન્ના
પાર્લેપોઇન્ટ પર રહેતાં 63 વર્ષીય ભાવનાબેન તન્ના બેંક ઓફ બરોડામાં 38 વર્ષની નોકરી બાદ 2019માં સેવા નિવૃત્ત થયાં હતાં. ભાવનાબેને જણાવ્યું કે તેમના કોલેજના 99 ફ્રેન્ડ્સનું રિયુનિયન બન્યું છે અને પછી જ્યારે આ ફ્રેન્ડ્સ એક છત નીચે ફરી ભેગા થયા ત્યારથી અત્યાર સુધીની તેમની ફ્રેન્ડશીપની વાતોને વાગોળતા જણાવ્યું કે, ‘‘1976થી 1980 સુધીનો અમારો કોલેજકાળ રહ્યો હતો.’’ આ કોલેજકાળની વાતો કરતી વખતે ભાવનાબેનની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ હતી. કોઈ પણ હોય તેની આંખોમાં સ્કૂલ-કોલેજની તોફાની વાતો કરતી વખતે ચમક તો આવી જ જાય તે સ્વાભાવિક છે. ભાવનાબેને જણાવ્યું કે, ‘‘કોલેજ પૂરી થયા બાદ અમે 8-10 મિત્રો એક-બીજાના ટચમાં તો રહેતાં જ પણ એક સાથે 99 ફ્રેન્ડ્સનું વોટ્સએપ ગ્રુપ બન્યું અને જ્યારે ગ્રુપ બન્યા બાદ બધા સાથે મળ્યા ત્યારે બધાના ચહેરા પર ભલે કરચલી પડેલી દેખાતી હતી પણ તે ચહેરા જૂના મિત્રો મળવાની ખુશીમાં ખીલેલા-ખીલેલા લાગતા હતા કેમ કે 42 વર્ષ બાદ મિત્રો મળ્યા હતા. કોલેજના મિત્રોમાંના સી.એન.જરીવાળા, પ્રદીપ ગાંધી, એચ.એમ. દેસાઈ, શિરીષ ઝવેરીને ગ્રુપ બનાવવાનો વિચાર 2020માં આવેલો અને એપ્રિલ-2020માં કે.પી. સુપર 80 નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. અમે બધા મિત્રો મારા ફાર્મ હાઉસમાંં મળ્યા હતા. 15 દિવસમાં જ અમારું 80 ફ્રેન્ડનું વોટ્સએપ ગ્રુપ બન્યું હતું પછીથી બીજા ફ્રેન્ડ્સ એડ થયા હતા. જ્યારે અમારું ગ્રુપ બન્યું અને બધા સાથે મળ્યા ત્યારે બધાંના ચહેરા અલગ લાગતા હતા. કોઈના માથાના વાળ ઓછા થઈ ગયા હતા. વાળ સફેદ થઈ ગયા હતા. લતા વાંકાવાળા કોલેજમાં બ્યૂટીફુલ લાગતી તેની બ્યૂટી હજી પણ જળવાયેલી જ છે તો હું પણ જેવી કોલેજમાં દેખાતી એવી જ હજુ પણ લાગતી હોવાનું ફ્રેન્ડ્સનું કહેવું હતું. જ્યારે અમે મારા ફાર્મ હાઉસ પર મળ્યા હતા ત્યારે હાઉઝી, વન મિનિટ ગેમ રમેલાં, મ્યુઝિક સાથે સાંભળેલું. શિરીષ ઝવેરીની મેમરી કાબિલેદાદ છે. અમારા ફ્રેન્ડ્સમાં જેનો બર્થડે હોય કે મેરેજ એનિવર્સરી તે સવારે સહુથી પહેલા ગ્રુપમાં વિશ કરે છે.’’
સ્કૂલ છૂટયાના 16 વર્ષ બાદ ફરી મળતા જ એ જ મસ્તીનો દૌર શરૂ થયો: નેન્સીબેન દલાલ
જહાંગીરપુરા વિસ્તારમાં રહેતાં 32 વર્ષીય નેન્સીબેન દલાલ વનિતા વિશ્રામ સ્કૂલમાં ટીચર છે. તેમણે જણાવ્યું કે, ‘‘અમારી સ્કૂલકાળની 105 ફ્રેન્ડ્સનું રિયુનિયન ગ્રુપ ત્રણ વર્ષ પહેલાં બન્યું. આ ગ્રુપનું નામ રિયુનિયન ગ્રુપ જ રાખવામાં આવ્યું છે. અમે એકથી બારમા ધોરણ સુધી વનિતા વિશ્રામ સ્કૂલમાં જ ભણ્યાં. બાદમાં ફર્ધર સ્ટડી માટે બધા અલગ-અલગ કોલેજમાં ગયા. બહુ ક્લોઝ 5 ફ્રેન્ડ્સ કોલેજ બાદ એક-બીજાના મેરેજમાં ગયા હતા પણ મોટાભાગની ફ્રેન્ડ્સ સ્કૂલના ભણતર બાદ છૂટી પડી પછી વર્ષો બાદ એક-બીજાના કોન્ટેક્ટમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવ્યા. એક ફ્રેન્ડ કોમલ કેનેડામાં છે અને બીજી ફ્રેન્ડ ખુશ્બૂ લંડનમાં છે. અમે બધા આ બંને ફ્રેન્ડ સાથે વીડિયો કોલિંગથી 15 થી 20 મિનિટ વાત કરીએ છીએ. મોસ્ટલી સન્ડે, સેટરડે વીડિયો ચેટ કરીએ છીએ. અમારી એક ફ્રેન્ડ સિમોની સ્કૂલમાં ખૂબ જ સિમ્પલ રહેતી જ્યારે અમે બધા મળ્યા ત્યારે સિમોનીને એકદમ ફેશનેબલ જોઈ ત્યારે આ આટલી બદલાઈ ગઈ? એવું આશ્ચર્ય થયું હતું. ગ્રુપ બન્યા બાદ કોરોના કાળને કારણે ફ્રેન્ડ્સ મળી નહીં શક્યા પણ 15 જેટલી ફ્રેન્ડ્સ ત્રણ મહિના પહેલાં વેસુના એક કોફી કાફેમાં મળ્યા હતા. ત્યારે અમે ખૂબ એન્જોય કરેલું. સ્કૂલના દિવસો કેટલા સારા હતા તેની વાતો કરેલી અને ફોટોગ્રાફી કરી, ટીચર્સની મિમિક્રી કરી. મને પ્રમોશન મળ્યું હતું ત્યારે ગયા જુલાઈ મહિનામાં મારી ફ્રેન્ડ્સ મારા ઘરે કેક લઈને આવેલી અને મને સરપ્રાઈઝ ગિફ્ટ આપેલી. અમે પરિવારમાં સેકન્ડ ચાઈલ્ડ હોવું જોઈએ કે નહીં તેના પર હેલ્ધી ચર્ચા કરી હતી. હું સ્કૂલમાં ગરબા ક્વિન હતી. અત્યારે જ્યારે હું સ્ટેટ્સમાં મારા ગરબાના ફોટો મૂકું છું ત્યારે મને ફ્રેન્ડ્સ કહેતી હોય છે કે તું હજી પણ ગરબા ક્વિન જ છે. તું હજુ પણ લાઈફને પહેલાંની જેમ જ એન્જોય કરે છે. અમે 8 ફ્રેન્ડ્સ હજી પણ સાથે ગરબા રમીએ છીએ. નવસારીમાં પરણેલી જિજ્ઞા ભામોરે હાલમાં તેની મમ્મી પાસે સુરત આવી છે તે પણ મારી સાથે ગરબા રમે છે. અમે કોમલને તે ડિસેમ્બરમાં ઇન્ડિયા આવવાની છે ત્યારે મળવાના છીએ.’’
કોરોનામાં જનતા કરફ્યુને કારણે સેલવાસનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો: મિહિરભાઈ કાપડિયા
અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મિહિરભાઈ કાપડિયા કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે હું આઈ.એન. ટેકરાવાલા સ્કૂલમાં 12માં ધોરણ સુધી ભણ્યો છું. અમારા સ્કૂલના 35 ફ્રેન્ડ્સનું ગ્રુપ બનેલું છે. અમે સ્કૂલના મિત્રો 1998માં સ્કૂલિંગ પૂરું કર્યા બાદ છુટા પડ્યા હતા. ત્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે પાછા મળીશું. પણ અચાનક બે-ત્રણ મિત્રો સાથે ભેટો થયો અને એમના થકી બીજા મિત્રો સાથે મુલાકાત થઈ પછી ફેસબુક, ઇન્સ્ટા.પર વાતો થવા લાગી. અમે 2006માં બધા મિત્રો મૌલિકના ઘરના ટેરેસ પર ભેગા થયા ત્યારે બધાને ઓળખવા મુશ્કેલ હતા પણ સ્કૂલ ટાઈમની બધાની અલગ-અલગ સ્ટાઈલ હતી તે બદલાયેલી ન હતી તેના પરથી કેટલાંક ફ્રેન્ડને ઓળખ્યા હતા. જ્યારે મળ્યા ત્યારે સ્કૂલ ટાઇમની વાતોને વાગોળી. 4 કલાક સાથે ગાળ્યા એ દરમિયાન અંતાક્ષરી રમ્યા, ઢોસા અને મ્ંચુરિયનનો સાથે સ્વાદ માણ્યો અને ખૂબ એન્જોય કર્યું. અમે 15 જેટલાં ફ્રેન્ડ્સ તો નિયમિત 6 મહિને એક વખત કે વર્ષે એક વખત મળીએ જ છીએ. અડાજણ આઈસ્ક્રીમ ખાવા ભેગા થઈએ છીએ. અમારી એક ફ્રેન્ડ U.S. માં છે તો એક સાઉથ આફ્રિકામાં છે તેમની સાથે પણ નિયમિત કોન્ટેક્ટમાં રહીએ છીએ. અમે બધા જ ફ્રેન્ડ્સે સેલવાસ આઉટિંગ માટે જવાનો પ્રોગ્રામ બનાવેલો પણ એ જ દિવસે કોરોનાને કારણે જનતા કરફ્યુ લાગતાં અમારો પ્રોગ્રામ કેન્સલ થયો હતો. એક વાત તો છે કે સ્કૂલ ફ્રેન્ડ્સ એ જીંદગીની મિત્ર બનાવવાની પહેલી સફર અને યાદગાર સફર હોય છે.
રિયુનિયન ગેટ ટુગેધર જીવનની સેકન્ડ ઇનિંગનું ટોનિક છે: મુંજાલભાઈ એન્જિનિયર
વેસુ વિસ્તારમાં રહેતાં 60 વર્ષીય મુંજાલભાઈ એન્જિનિયર એર પોલ્યુશન કન્ટ્રોલ ઇક્વિપમેન્ટ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું કે, ‘‘અમારી સ્કૂલનું 150 ફ્રેન્ડ્સનું રિયુનિયન ગ્રુપ છે. અમે બધા ટી.એન્ડ ટી. વી. સ્કૂલમાં ભણતાં હતાં. 12મા ધોરણ પછી બધા ફ્રેન્ડ્સ છૂટા પડ્યા હતા. સ્કૂલની એક કલાસમેટ કરુણાબેન પાસે અમારા ફ્રેન્ડ્સનો એક ગ્રુપ ફોટો હતો અમે તેના પરથી નામોના આધારે વોટ્સએપના માધ્યમથી એક-બીજાના ટચમાં આવ્યાં. 2016માં અમારું રિયુનિયન ગ્રુપ બન્યું હતું. ગ્રુપ બનાવતાં પહેલાં અને મળવાનું ગોઠવતાં પહેલાં બધાના રિસન્ટ ફોટા માંગ્યા હતા જેથી બધાને ઓળખી શકાય કેમ કે ઉંમર વધવાની સાથે વ્યક્તિનો ચહેરો બદલાય છે. ગ્રુપ બન્યાના બે-ત્રણ મહિના બાદ ડુમસ રોડ પરની એક હોટેલમાં ફર્સ્ટ મીટિંગ ગોઠવી જેમાં 125 જેટલા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા. ફર્સ્ટ મીટિંગમાં ખરેખર બધાને ઓળખવું મુશ્કેલ લાગેલું કેમ કે કેટલાક ફ્રેન્ડના માથાના વાળ ઓછા થઈ ગયા હતા તો કેટલાકની ફાંદ નીકળી આવેલી પણ જૂના મિત્રોને મળીને શબ્દોમાં વર્ણન નહીં કરી શકાય એટલી ખુશી થઈ હતી. ખરેખરો આનંદ તો ત્યારે થયો હતો જ્યારે કેટલાક ફ્રેન્ડ્સ દેશ- વિદેશમાં સારી પોસ્ટ પર સારું કામ કરતા હોવાનું સાંભળ્યું. દેવેશ ગોહિલ, સી.વાય.ભટ્ટ, કુમારેશ ત્રિવેદી, ઉમેશ સ્વામી, ડી.સી. ગાંધી સારી પોસ્ટ પર હોવાનું જાણી ખુશી થઇ. અત્યાર સુધીમાં અમારી ચાર મીટિંગ તો થઈ ચૂકી છે. શોર્ટ મીટિંગ તો ઘણી બધી થઈ છે. જેના કારણે અમે અમારું ગ્રુપ બનાવી શક્યા તે કરુણાબેનનું કોરોનામાં મૃત્યુ થયું તેનું બહુ જ દુઃખ અમને ફ્રેન્ડ્સને થયું હતું. તેમની શ્રધ્ધાંજલિ સભામાં કહ્યું હતું કે ગ્રુપની ફ્રેન્ડશિપ જળવાયેલી રહે એ જ એમને સાચી શ્રધ્ધાંજલિ પણ હશે. અમે એક વખત પેરેન્ટ્સ મીટિંગ ગોઠવી હતી જેમાં બધાં ફ્રેન્ડના પેરેન્ટ્સને બોલાવી અંતાક્ષરી રમ્યા હતા. સાચું કહું તો રિયુનિયન પછીની મિત્રતા જિંદગીની બીજી ઇનિંગનું ટોનિક છે.’’
કોરોના જનતા કરફ્યુના બીજા જ દિવસે થિયેટર લવર્સ ગ્રુપ બનાવ્યું: પ્રણવ વૈદ્ય
રાંદેર રોડ વિસ્તારમાં રહેતા 26 વર્ષીય પ્રણવ વૈદ્ય પ્રોફેશનલી એકટર એન્ડ કોરિયોગ્રાફર છે. ટેલિવિઝન ડોક્યુમેન્ટરી કરી છે અને વેબસીરિઝમાં અને 40થી 50 શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. પ્રણવે જણાવ્યું કે, ‘‘કોલેજમાંથી છૂટા પડયા બાદ 25 ફ્રેન્ડ્સનું ગ્રુપ બન્યું. આ ગ્રુપ જનતા કરફ્યુના બીજા જ દિવસે બનાવ્યું હતું. જેનું નામ થિયેટર્સ લવર્સ ગ્રુપ છે. અમે સાર્વજનિક કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ (સ્કોપા) માં ભણતા હતા ત્યારે મુંબઈ જઇને કરિયર બનવાનું સપનું સેવેલું પણ કોરોના કાળમાં અમારા ફ્રેન્ડ્સના રસ્તા ફંટાઈ ગયા. આદિત્ય ઠાકુર, ડીંકેશ, તુષાર, શ્યામ, પ્રિયાંક આ બધા ફ્રેન્ડ્સમાંથી કોઈએ બેંકની નોકરી સ્વીકારી, કોઈએ બિઝનેસ લાઇન અપનાવી અમારા ગ્રુપની 2 ગર્લ્સ કેનેડા અને ઓસ્ટ્રેલિયા ગઈ. અમે રિયુનિયન ગ્રુપ બનાવ્યા બાદ કોલેજમાં રંગમંચ પર મળ્યાં. હવે અમે ફ્રેન્ડ્સ 27 માર્ચે વિશ્વ નાટય દિવસ હોય છે તે દિવસે મળીએે છીએ અને ફ્યુચર પ્લાનિંગની ચર્ચા કરીએ છીએ. કોઈને બિગ એચિવમેન્ટ મળ્યું હોય તો બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએે છીએ. અમારા ફ્રેન્ડ્સ માટે કોલેજમાંથી નીકળ્યા બાદ ફરી બધાંને સાથે લાવવું અઘરું હતું પણ હવે અમે સાથે મળીને લાઈફને એન્જોય કરીએ છીએ. પરિવાર તો નજદીક હોય છે પણ મિત્રતાનો સંબંધ એટલે મજાક-મસ્તી સાથે સપોર્ટિવ અને લાઈફને એન્જોય કરવાનો સંબંધ.’’
લુડિયંસ ગ્રુપ બનાવી દર ત્રણ મહિને મળીએ છીએ: રોનકબેન ધ્રુવ
અડાજણ વિસ્તારમાં રહેતાં 41 વર્ષીય રોનકબેન કેયૂરભાઈ ધ્રુવ ઓટોમોબાઇલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. રોનકબેને જણાવ્યું કે તેમની સ્કૂલની 30 ફ્રેન્ડ્સનું રિયુનિયન ગ્રુપ બનાવેલું છે. તેઓ બધા 1998માં લુડ્સ કોન્વેન્ટ સ્કૂલમાંથી છૂટા પડયા હતા. સ્કૂલમાંથી છૂટા પડયા બાદ ફરી ક્યારે લાઈફમાં મળવાનું થશે કે નહીં તેનો વસવસો હતો. અચાનક અમે બધી ફ્રેન્ડ્સે એક -બીજાને ફેસબુક પર શોધી કાઢયા. ફાઇનલી 20 વર્ષ બાદ કોરોના પહેલાં અમે ફ્રેન્ડ્સ મળ્યા. અમે પીપળોદ કારગીલ ચોક પાસેની એક હોટેલમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું ત્યારે આફ્ટર સ્ફૂલિંગ ફર્સ્ટ ટાઈમ મળવાનું થયું. ત્યારે કેટલાંકને આસાનીથી ઓળખી શક્યા તો કેટલાંકને ઓળખવું મુશ્કેલ લાગ્યું અમારી ફ્રેન્ડ દીપાને ઓળખવી સૌથી અઘરું લાગેલું. કેટલાકે જ્યારે તેમના નામ જણાવ્યાં ત્યારે તેમને ઓળખી શકેલા. મળ્યા ત્યારે ઓહો ‘તું’ એવા આશ્ચર્યવાચક ઉદગાર મોઢામાંથી સરી પડેલા. ફર્સ્ટ મીટિંગમાં અમે અમારું વોટ્સએપ ગ્રુપ અમારી સ્કૂલ લુડ્સ કોન્વેન્ટના નામ પરથી લુડિયંસના નામે બનાવેલું. પહેલી મીટિંગમાં જ અમે અંતાક્ષરી, ફૂ.ફ.શા. અને હાઉઝી ગેમ રમ્યા એન્ડ અફકોર્સ ફર્સ્ટ મીટિંગમાં જ એકબીજા પાસેથી સાસરામાં બધા ખુશ છે? અત્યારે બધા શું કરે છે? કોણ શું બિઝનેસ કરે છે તે જાણ્યું. એકબીજાને બિઝનેસમાં હેલ્પફુલ થવાના કોલ આપ્યા. વિઝિટીંગ કાર્ડ શેર કર્યા. અમારા 30ના ગ્રુપમાં 5 સહેલીઓ વિદેશમાં કોઈ લંડન તો કોઈ અમેરિકા તો કોઈ કેનેડામાં સેટલ થયાં છે. તેઓ જ્યારે ઈન્ડિયા આવ્યાં ત્યારે ફર્સ્ટ મીટિંગ ગોઠવેલી. હવે જે સુરતમાં છે તે બધા ફ્રેન્ડ્સ બે-ત્રણ મહિને એક વખત ભેગા થઈએ છીએ. ક્યારેક કોઈના ઘરે ફંકશનમાં તો ક્યારેક હોટેલમાં ભેગા થઈ ફ્રેન્ડશીપને એન્જોય કરીએ છીએ. પલ્લવીની સ્કૂલનું ઇનોગ્યુરેશન હતું ત્યારે પણ અમે બધા ભેગા થયા હતા. જો કે હજી નવરાત્રીમાં સાથે ગરબા રમવા ભેગા નથી થઈ શક્યા પણ અમે દિવાળી વેકેશનમાં ભેગા થવાના છીએ અને ત્યારે દિવાળીના પર્વને એન્જોય કરીશું એવું નક્કી કર્યું છે. ફાઇનલી હું એટલું જ કહીશ કે thanks to facebook જે અમારી સ્કૂલ ટાઇમની સહેલીઓને ફરી નજીક લાવ્યું છે.
શાળા અને કોલેજના એ અમૂલ્ય વર્ષો દરેક વ્યક્તિની મોંઘેરી જણસ હોય છે અને નાનપણના મિત્રો વર્ષો પછી મળે છે ત્યારે અનેક સંભારણાંનો પટારો ખૂલી જાય છે. જમાના પ્રમાણે ફ્રેન્ડશીપનાં મૂલ્ય બદલાતાં જાય છે. પહેલાં નવી-નવી ટેકનોલોજીનો યુગ તો હતો નહીં એટલે સ્કૂલ-કોલેજ બાદ ફ્રેન્ડશીપ નિભાવવી મુશ્કેલ હતી. એક જ શહેરમાં ફ્રેન્ડ્સ રહેતા હોય તો જ નિયમિત મળી શકાતું. પણ હવેના યુગમાં ટેકનોલોજીને કારણે દુનિયા નાની થતી જાય છે. વોટ્સએપ અને ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ અને અન્ય માધ્યમોને કારણે સ્કૂલ-કોલેજના ફ્રેન્ડ્સને મળવું આસાન થયું છે. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી સ્કૂલ-કોલેજના મિત્રોના રિયુનિયન બનતા જાય છે. રિયુનિયન મીટિંગનો ઉદ્દેશ્ય જૂનાં સ્મરણો અને જૂના સંબંધોના જશ્ન મનાવવાની સાથે-સાથે નવા સંબંધોનો અધ્યાય શરૂ કરવાનો છે. આ એ અવસર છે જ્યારે બધા જૂના મિત્રો ભેગા થઈને જૂની યાદોને તાજા કરે છે અને આશાની નવી કિરણો સાથે નવી દોસ્તીના નવા યુગનો પાયો નાખે છે.