SURAT

ઉગત ગાર્ડનમાં મંજૂરી વિના રાજહંસે રેસ્ટોરન્ટ ઉભી કરી દીધી, 5 વર્ષ સુધી મફતમાં વાપરતો રહ્યો, ભાંડો ફૂટ્યો ત્યારે..

સુરત: સુરત મનપા દ્વારા ઘણા પ્રોજેક્ટ પીપીપીથી કરવામાં આવે છે તેમાં મનપા દ્વારા જગ્યા પણ ફાળવવામાં આવે છે. આ જગ્યાનો ઘણી વખત દુરુપયોગ પણ થતો હોવાનું અથવા તો વધારાની જગ્યાનો અધિકારીઓની મિલીભગતમાં મફતમાં ભોગવટો થતો હોવાનું પણ ઘણી વખત બહાર આવે છે. ત્યારે મનપાના ઉગત ગાર્ડનમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ચાલતા એન્યુઝમેન્ટ પાર્કના ઇજારદારે પાંચથી મનપાની છ હજાર ચોરસ મીટર જમીનનો મફતમાં ભોગવટો કર્યો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા આ મુદ્દે નોટિસ ફટકારી ભાડું વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ આવું થવા પાછળ જવાબદાર અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ ઊઠી છે.

  • એમ્યુઝમેન્ટ પાર્કના ઇજારદારે પાંચ વર્ષ સુધી હજારો ચો.ફૂટ જગ્યા મફતમાં ભોગવી લીધી
  • ખોડલ કોર્પોરેશને રેસ્ટોરન્ટ સહિતના ઉપયોગ માટે જગ્યા વાપરી
  • ભાંડો ફૂટતા મનપાએ નોટીસ ફટકારી, અધિકારીઓની સંડોવણીની આશંકા

મનપા દ્વારા વર્ષ-2017માં ઉગત ગાર્ડન ખાતે 10 હજાર ચોરસ મીટર જગ્યામાં પીપીપીથી એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. તેમજ ખોડલ કોર્પોરેશન નામની એજન્સીને એમ્યુઝમેન્ટ પાર્ક માટે 10 હજાર ચો.મી. જગ્યા આપવામાં આવી હતી. જો કે, આ એજન્સી દ્વારા 16 હજાર ચો.મી. જગ્યાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા ઉગત ગાર્ડનમાં એમ્યુઝમેન્ટ પાર્ક સિવાયની જગ્યા પરના ગાર્ડનને પણ પીપીપી ધોરણે રાજહંસ નામની એજન્સીને આપવાનો ઠરાવ કરાયો છે. જગ્યાની તપાસ થઇ તેમાં આ ખોડલ કોર્પોરેશનનું ભોપાળું બહાર આવ્યું છે. અને આ એજન્સી દ્વારા 10 હજાર ચોરસ મીટરને બદલે 16 હજાર ચોરસ મીટર જગ્યા વપરાતી હોવાનું જણાયું છે. વધારાની જગ્યામાં રેસ્ટોરન્ટ સહિતનો વપરાશ ચાલી રહ્યો હોવાથી મનપા દ્વારા હવે આ જગ્યાનું ભાડું જમા કરાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.

અધિકારીઓની પણ મિલીભગત : પીપીપી મોડેલનું જોખમ સામે આવ્યું
મનપા દ્વારા કોઇ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી હાથ ધરાય ત્યારે જો સંબંધિત અધિકારીઓ કાળજી ના રાખે તો મનપાએ ફાળવેલી જમીન અને અન્ય સવલતોનો દુરુપયોગ થવાની સંભાવના રહેતી હોય છે. ઉગત એમ્યુઝમેન્ટ પાર્કના ઇજારદાર દ્વારા કરાયેલા કારસ્તાનના કારણે આ પીપીપી ધોરણે ફાળવાતા અન્ય ગાર્ડનની સિસ્ટમ સામેનાં જોખમો પણ નજર સમક્ષ આવ્યા છે. જો કે, આવું અધિકારીઓની મિલીભગત વગર શક્ય ના હોવાથી સંબંધિત અધિકારીઓ પર લગામ કસાય એ જરૂરી હોવાની માંગ ઊઠી છે.

Most Popular

To Top