સુરત: જહાંગીરપુરાનાં એક એપાર્ટમેન્ટ ના 9 મા માળે ગેલેરીમાં ફસાઈ ગયેલી મહિલાનું દિલધડક રેસ્ક્યુ (Rescue) કરી બહાર કાઢવામાં આવી હતી. રંગરાજ રેસીડેન્સીના સ્તુતિ બિલ્ડીંગમાં બનેલી આ અજીબો ગરીબ ઘટનાને જોવા વહેલી સવારમાં જ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. ફાયર ઓફિસર (Fire officer) વસંત સૂર્યવંશી એ જણાવ્યું હતું કે 9 માળે બાજુના ફ્લેટની ગેલેરીમાંથી (Gallery) પીડિત મહિલાના ઘરની ગેલેરીમાં પ્રવેશ કરી મહામુસીબતે લોક થઈ ગયેલા દરવાજાને કાપી મહિલાને બહાર કાઢવામાં આવી હતી.
વસંત સૂર્યવંશી (મોરાભાગળ ફાયર સ્ટેશન) એ જણાવ્યું હતું કે, ઘટના આજે સવારની હતી કોલ લગભગ 7:34 નો હતો એક મહિલા 9 માળે પોતાના ઘરની ગેલેરીમાં દરવાજો બંધ થઈ જતા ફસાઈ ગઈ હોવાનો કોલ મળ્યો હતો. મહિલાનું નામ દક્ષાબેન (ઉંમર વર્ષ 54) હતું. કોલ મળતા જ તાત્કાલિક ફાયરની ટીમ સાથે દોડી ગયા હતા. દરવાજો ખોલવાન પ્રયાસ કર્યા બાદ પણ ન ખુલતા આખરે રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ફાયરના જવાનો બાજુના ઘરની ગેલેરી માંથી રોપ રેસ્ક્યુ કરીને પીડિત મહિલાના ઘરની ગેલેરીમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. વહેલી સવારે ફાયરના રેસ્ક્યુ ને લઇ એપાર્ટમેન્ટ ના લોકો ભેગા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ ફાયરની જોખમી કામગીરી ને બિરદાવી હતી. પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાની સુરક્ષા કરવી એજ ફાયરના જવાનોનો પહેલો ધર્મ છે. કેમકે આ કામગીરીમાં કોઈ ધર્મ અને જાતિવાદ ને જોવામાં નથી આવતું.
રાહુલ પટેલ (પાડોશી) એ જણાવ્યું હતું કે કોમ્પ્લેક્ષ 8-9 વર્ષ જૂનું છે. દક્ષાબેન અમારા ઘર ની નીચે જ રહે છે. અચાનક એમની બુમાબુમ સાંભળી ગેલેરીમાં ગયા ત્યારે ખબર પડી કે તેઓ ગેલેરીમાં ફસાઈ ગયા છે. દોડીને દરવાજો ખોલવાની કોશિશ કરી પણ ન ખુલતા આખરે ફાયર ને જાણ કરવી પડી હતી. દક્ષાબેન SMC માં જ નોકરી કરે છે અને એકલા જ રહે છે. હવાના કારણે દરવાજો બંધ થયા બાદ અંદર નું લોક લાગી જતા ઘટના બની હતી.