Madhya Gujarat

ડાકોર પાલિકામાં ભાડાનું કૌભાંડ: 3 સામે ફરિયાદ

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દોઢ વર્ષ અગાઉ પાલિકા સંચાલિત શોપીંગ સેન્ટરની દુકાનો બારોબાર ભાડે આપી લાખો રૂપિયાનું કૌભાંડ આચરનાર પાલિકાના સસ્પેન્ડેડ કારોબારી ચેરમેન અને બે કર્મચારીઓ સામે પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઈ છે. આ મામલે ડાકોર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં પુરૂષોત્તમ ભુવન પાસે આવેલી નગરપાલિકાની જગ્યામાં પાંચ વર્ષ અગાઉ એક શોપીંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તારીખ ૪ મે ૨૦૧૭ ના રોજ આ બે માળના શોપીંગ સેન્ટરનું લોકાર્પણ કર્યાં બાદ દુકાનોને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. જે બાદ પાલિકાતંત્ર દ્વારા આ દુકાનોને ભાડે આપવા માટે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હતું.

દરમિયાન તકનો લાભ લઈ તત્કાલિન કારોબારી ચેરમેન હાર્દિક કનુભાઈ શાહ તેમજ પાલિકામાં ફરજ બજાવતાં ક્લાર્ક રાજેશ સેલાણી અને ટેક્ષ શાખાના કર્મચારી હાર્દિક ભટ્ટે નગરમાં જ રહેતાં બે ભાઈઓને આ શોપીંગ સેન્ટરની ૧૩ દુકાનો ભાડે આપવાનો તખ્તો ઘડી નાંખ્યો હતો. જે બાદ આ ત્રિપુટીએ પાલિકાની સન ૨૦૧૨ ની સાલની જુની વેરા પાવતીબુક થકી ભાડુઆત પાસેથી દુકાનના ભાડા પેટે રૂ.૭,૨૪,૦૦૦ વસુલ્યાં હતાં. જોકે, આ રકમ તેઓએ પાલિકામાં જમા ન કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલની ફરીયાદને આધારે ડાકોર પોલીસે હાર્દિક શાહ, હાર્દિક ભટ્ટ અને રાજેશ સેલાણી સામે આઈ.પી.સી કલમ ૪૦૬, ૪૦૮, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કોની સામે ફરીયાદ નોંધાઈ ?
સસ્પેન્ડેડ ક્લાર્ક રાજેશભાઈ રમણલાલ સેલાણી (રહે.લક્ષ્મીજી મંદિર પાસે, ડાકોર), ટેક્ષ શાખાના સસ્પેન્ડેડ કર્મચારી હાર્દિક અશોકભાઈ ભટ્ટ (રહે.લક્ષ્મીજી રોડ, ડાકોર), સસ્પેન્ડેડ કારોબારી ચેરમેન હાર્દિક કનુભાઈ શાહ (રહે.લક્ષ્મીજી મંદિર પાસે, ડાકોર)

કારોબારી ચેરમેનને સાડા ચાર મહિના અગાઉ સસ્પેન્ડ કરાયો હતો
ડાકોર નગરપાલિકામાં સત્તાનો દુરઉપયોગ કરી, ખોટા ઠરાવના આધારે પાલિકાની માલિકીની આઠ જેટલી મિલ્કતો ભાડે આપવા બદલ પાલિકાના મહિલા પ્રમુખ અને કારોબારી ચેરમેન હાર્દિક શાહ સહિત કુલ ચાર કાઉન્સિલરોને સાડા ચાર મહિના અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

પાલિકાના ચીફઓફિસરને મળેલી એક ટપાલથી સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટ્યો
ગત તારીખ ૧૮ મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ડાકોર નગપાલિકાના ચીફ ઓફિસરના નામની એક ટપાલ પાલિકા કચેરીએ આવી હતી. આ ટપાલમાં ડાકોર નગરપાલિકાના કરોની જુની પાંચ પાવતીઓની ઝેરોક્ષ, અરજદાર બલરામભાઈ પસરીજાએ તા.૧-૯-૨૦ ના રોજ કરેલી અરજીની નકલ, અરજદાર બીપીનભાઈ પસરીજાએ તા.૨૬-૧૧-૨૦ ના રોજ કરેલી અરજીની નકલ તથા તા.૨૬-૩-૨૧ ના રોજ મળેલ ડાકોર નગરપાલિકાની કારોબારી સમિતીના ઠરાવ નં ૯૭૭ ની નકલ સામેલ હતી. જેથી પાલિકાના ચીફઓફિસરે મામલાને ગંભીરતાથી લઈ આ તમામ નકલોની તપાસ કરતાં સમગ્ર કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો.

કૌભાંડીઓ સામે કડક પગલાં ભરવા માંગ
ડાકોર નગરપાલિકામાં કૌભાંડ અને ભ્રષ્ટાચાર હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. નાના-મોટા દરેક કામમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવી રહ્યાં હોવાની ફરીયાદો અવારનવાર ઉઠતી હોય છે. કૌભાંડો તેમજ ભ્રષ્ટાચાર બાબતે જાગૃત નાગરીકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો પણ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય પગલાં ભરવામાં આવતાં ન હોવાથી કૌભાંડીઓ અને ભ્રષ્ટાચારીઓની હિંમત વધી છે. ત્યારે આ કિસ્સામાં કૌભાંડીઓ સામે યોગ્ય તપાસ કરી, કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી જાગૃતજનોની માંગ ઉઠવા પામી છે.

દુકાન ન મળતાં ભાડુઆતે નાણા પરત માંગ્યાં
પસરીજા બંધુઓએ ભાડે લીધેલી દુકાન પેટે રૂ.૭,૨૪,૦૦૦ જેટલી મસમોટી રકમ પાલિકાના તત્કાલિન કારોબારી ચેરમેન અને બે કર્મચારીઓને જમા કરાવી હતી. જે બાદ પણ દુકાનોનો કબ્જો ન મળતાં પસરીજા બંધુઓએ રૂપિયા પરત માંગ્યાં હતાં. તે વખતે પાલિકાના બંને કર્મચારીઓ પસરીજા બંધુઓના ઘરે જઈ કારોબારી ચેરમેન હાર્દિક શાહની સહી સાથેના બનાવટી ઠરાવ નં ૯૭૭ ની નકલ આપી દુકાનનો કબ્જો અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

કારોબારી ચેરમેને એક દુકાનનું ભાડું ૯૦ હજાર નક્કી કર્યું હતું
ડાકોરમાં પુરૂષોત્તમ ભુવન પાસે આવેલ નગરપાલિકા સંચાલિત શોપીંગ સેન્ટરની ૧૩ દુકાનો ભાડે લેવા માટે બિપીનભાઈ જીવનદાસ પસરીજા અને બલરામભાઈ જીવનદાસ પસરીજા સન ૨૦૨૦ માં ડાકોર નગરપાલિકાના તત્કાલિન કારોબારી ચેરમેન હાર્દિક શાહને મળ્યાં હતાં. તે વખતે હાર્દિક શાહે એક દુકાનનાં ૯૦ હજાર રૂપિયા લેખે ૧૩ દુકાનનું ભાડું ૧૧,૭૦,૦૦૦ નક્કી કર્યાં બાદ પસરીજા બંધુઓ પાસે અરજી કરાવી હતી.

વર્ષ ૨૦૧૨ ની જુની પાવતી બુકનો ઉપયોગ કરી ભાડુઆત પાસેથી રૂપિયા ૭.૨૪ લાખ વસુલ્યાં
ડાકોર નગરપાલિકાના તત્કાલિન કારોબારી ચેરમેન હાર્દિક શાહે જે તે વખતે પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારી હાર્દિક ભટ્ટ અને રાજેશ સેલાણીની મદદગારીથી પાલિકાની વર્ષ ૨૦૧૨ ની જુની પાવતી બુકનો ઉપયોગ કરી પાલિકા સંચાલિત કોમ્પ્લેક્ષની ૧૩ દુકાનો ભાડે લેનાર બલરામભાઈ પસરીજા અને બિપીનભાઈ પસરીજા પાસેથી રૂપિયા ૭,૨૪,૦૦૦ વસુલ્યાં હતાં.

પાલિકાના રબ્બર સ્ટેમ્પનો ઉપયોગ કરી ખોટો ઠરાવ બનાવ્યો
ડાકોર નગરપાલિકા સંચાલિત શોપીંગ સેન્ટરની ૧૩ દુકાનો ભાડે આપવા માટે પાલિકાના તત્કાલિન કારોબારી ચેરમેન હાર્દિક શાહે નગરપાલિકાના રબ્બર સ્ટેમ્પના સિક્કાનો ઉપયોગ કરી ૯૭૭ નંબરનો ખોટો અને બનાવટી ઠરાવ બનાવ્યો હતો. જોકે, તપાસ દરમિયાન ઠરાવ નં ૯૭૭ માં રણછોડપુરા વિસ્તારમાં આવેલ રેવન્યું સર્વે નં ૧૩૩૨ તેમજ ૧૩૩૪ વાળી ખુલ્લી જગ્યામાં નવા નંબરો પાડવાનો ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.  

Most Popular

To Top