SURAT

‘સ્માર્ટ મીટર હટાવો, મફત વીજળી આપો’: આમ આદમી પાર્ટીએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

  • સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના પર પૂર્ણ વિરામ નહીં મુકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી – મહોલ્લાઓમાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાટી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે

સુરત: સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતાં હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દૌર શરૂ થઈ ચુકયો છે. આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે – સાથે પ્રત્યેક પરિવારને માસિક 300 યુનિટ વિજળી મફત આપવા માટે રજુઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પહેલાં જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાંખી ચુકી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાઈ પર ચઢાવી દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના પર પૂર્ણ વિરામ નહીં મુકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી – મહોલ્લાઓમાં જઈને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાટી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે. આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને 300 યુનિટ વિજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરી હતી.

3.95 રૂપિયાની વીજળીના 8.58 રૂપિયા વસૂલી ઊઘાડી લૂંટ ચલાવાઈ રહી છે
આપ દ્વારા આક્ષેપ કરાયો છે કે, વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે જે ખરેખ અસહ્ય છે. આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રિ-પેઈડ કાર્ડ નાગરિકો માટે પડતા પર પાટુ સમાન સાબિત થઈ રહ્યા છે.

Most Popular

To Top