આણંદ : ચરોતરમાં સોમવારના રોજ તાપમાનમાં વધારો નોંધાતા ઠંડીમાં રાહત થઈ હતી. ઉતરાયણ પહેલાથી પડી રહેલી જોરદાર ઠંડીથી ત્રાહીમામ પોકારી ગયેલ જનજીવન ફરીથી સક્રીય બન્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં સરેરાસ 4 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાયો છે. જોકે, સુસવાટા મારતાં હીમ પવનના કારણે હજુ પણ હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ખેડા-આણંદમાં છેલ્લા એક અઠવાડિયાથી કાતીલ ઠંડીથી લોકો થરથરી ઉઠ્યાં હતાં. જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. જેમાં સોમવારના રોજ તાપમાનમાં વધારો નોધાંતા લોકોએ રાહત અનુભવી હતી.
સોમવારના 13 ડિગ્રી સાથે છેલ્લા ત્રણ દિવસમાં સરેરાસ 4 ડિગ્રી તાપમાન વધ્યું હતું. ઉતરાયણ દરમિયાન કાતિલ ઠંડી અને ફુંકાતા પવન વચ્ચે પણ લોકોએ મજા માણી હતી. સળંગ ત્રણ દિવસના તહેવારના મુળ બાદ ઠંડીમાં ઘટાડો નોંધાતાં જનજીવન ફરીથી સક્રીય બન્યું હતું. ભારતના હવામાન વિભાગના જણાવ્યાનુસાર, સોમવારના મહત્તમ તાપમાન 26.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોધાયું હતુ અને ભેજનું પ્રમાણ 83 ડિગ્રી હતું. 4.7 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડમાં પવન નોધાયો છે. જોકે, આ ઠંડીના માહોલ વચ્ચે વાયરલ ફિવરના કેસ પણ વધ્યાં છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો શરદી, ખાંસી, તાવનો શિકાર બની રહ્યાં છે.