Madhya Gujarat

યાત્રાધામ પૈકી વડતાલની સૌ પ્રથમ ટપાલ ટિકીટનું વિમોચન

આણંદ: સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ચાલતા કાર્તકી સમૈયાની દેવદિવાળીના શુભદિને બપોરે પૂર્ણાહુતિ સત્ર ઐતિહાસિક બન્યું હતું. કથાની સમાપ્તિબાદ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી મેતપુરના ભક્તો દ્વારા મુંબઈ મંદિર માટે તૈયાર થયેલા 4 કીલોના સુવર્ણના મૂગટની અર્પણવિધિ કરાઇ હતી. બાદમાં ઉપસ્થિત મહાનુભાવોને આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતાં.

વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, રાજ્યના એકમાત્ર સુવર્ણ મંદિર વડતાલધામમાં આવેલા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજના મંદિરની, કેન્દ્ર સરકારે પ્રકાશિત કરેલા ‘સ્પેશ્યલ પોસ્ટલ સ્ટેમ્પ’ તથા ‘સ્પેશ્યલ કવર’નું વિમોચન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, મોટા લાલજી સૌરભપ્રસાદજી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી (સત્સંગ મહાસભાના પ્રમુખ), ડો. સંતવલ્લભ સ્વામી (મુખ્ય કોઠારી), પ્રભુચરણ સ્વામી (સુરત) સંચારમંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડીયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જયેન્દ્રસિંહ જાદવ – ગુજરાત સાહિત્ય અકાદમી અને પોસ્ટ ખાતાનાં અધિકારીઓ સહિત વડીલ સંતોના વરદ્‌ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, વડતાલ મંદિરની ટિકીટ તથા સ્પેશ્યલ કવર અનાવરણ કરવાની તક મળી તે મારા અહોભાગ્ય છે. 2024માં ઉજવાનારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવની ટિકીટ તથા સ્પેશ્યલ કવર આવનારી પેઢીઓ સુધી રહેવાની છે. વડતાલધામ મંદિરના ખાતમૂર્હતથી લઈ મંદિરમાં દેવોની પ્રતિષ્ઠા ભગવાન શ્રીહરિએ કરી તેના અદ્‌ભુત ઈતિહાસ વર્તમાનનાં સાક્ષી આપણે સૌ બન્યા છીએ.

આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંતો અને હરિભક્તોને આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં બાંધેલા કાર્તિકી અને ચૈત્રી સમૈયામાં પોતાના આશ્રિતોને વણતેડે વડતાલ આવવાની આજ્ઞા કરી છે. 21મી નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી ચાલેલા કાર્તકી સમૈયામાં આવેલા સૌ સત્સંગી હરિભક્તોનું આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ એવં લક્ષ્મીનારાયણ દેવ , આપ સર્વેનું મંગલ વિસ્તારે, આપના જીવનમાં શ્રીહરિ સુખ-શાંતિ અર્પે, તેમજ આપનું સ્વાસ્થ્ય નિરોગી રાખે તેવી શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

પોસ્ટ વિભાગનાં અધિકારી સુચિતા જોષીએ ગાદીવાળાનાં હસ્તે તથા ડુંગરાણી પરિવારનાં હસ્તે ટપાલ
ટિકીટ અને સ્પેશ્યલ કવરનું અનાવરણ કરાવ્યું હતું. ટપાલ વિભાગનાં અધિકારીઓએ આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, કથાના વક્તા નીલકંઠચરણ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખને મોમેન્ટો અર્પણ કરી હતી. જ્યારે કાર્તિકી સમૈયાની આભાર વિધિ શુકદેવ સ્વામી (ગોકુલધામ નાર ગુરૂકુલ)એ કરી હતી. અંતમાં પ્રભુચરણ સ્વામીએ સમૈયાનાં યજમાન ગણેશભાઈ ડુંગરાણી પરિવારને આર્શીવચન પાઠવ્યાં હતાં.

Most Popular

To Top