ખેડા: ખેડા ટાઉન પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ શહેરના મુખ્ય વિસ્તારોમાં દુકાનોની બહાર ગેરકાયદેસર રીતે બહાર કાઢવામાં આવેલાં દબાણો હટાવ્યાં હતાં. જોકે, બાદમાં વેપારીઓએ દુકાનો બહાર પુન: દબાણ ખડકી દીધાં હતાં. જેથી પોલીસે આવા વેપારીઓ સામે લાલઆંખ કરી, વધુ એક વખત દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી, રસ્તા ખુલ્લાં કર્યાં છે.
ખેડા શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બહાર આડેધડ દબાણ બહાર કાઢવામાં આવ્યાં હોવાથી માર્ગ સાંકડા બન્યાં હતાં. જેને પગલે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી.
આવા સમયે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જેને ધ્યાનમાં રાખીને થોડા દિવસો અગાઉ ખેડા ટાઉન પોલીસમથકના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એન.વાઘેલા પોતાની ટીમ સાથે શહેરના સરદાર ચોક, સરદાર માર્કેટ તેમજ ચોકડી વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ કરી, દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. જે તે વખતે વેપારીઓએ પોતાના દુકાનની બહાર કાઢેલાં ગેરકાયદેસર કાચા દબાણો પોતાની જાતે હટાવી લીધાં હતાં. પરંતુ, થોડા દિવસો બાદ વેપારીઓએ દુકાન બહાર પુન: દબાણો ખડકી દીધાં હતાં. જેથી ખેડા ટાઉન પોલીસની ટીમે સોમવારના રોજ વધુ એક વખત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
જેમાં પોલીસની ટીમે સરદાર ચોર, રાજા શોપીંગ સેન્ટર, માર્કેટયાર્ડ, રાવજીકાકા શોપીંગ સેન્ટર, સરકાર માર્કેટ તેમજ ખેડા ચોકડી વિસ્તારમાં જઈને દુકાનની બહાર દબાણ કરનાર વેપારીઓને પોલીસમથકે લઈ ગયાં હતાં. દરમિયાન વેપારીઓએ પુન: દબાણ નહીં કરવાની બાંહેધરી આપતાં, પોલીસે છેલ્લી વોર્નીંગ આપી તમામ વેપારીઓને મુક્ત કર્યાં હતાં. જે બાદ વેપારીઓએ પરત દુકાને જઈને ગેરકાયદેસર બહાર કાઢેલાં દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. દબાણ હટવાથી રસ્તા ખુલ્લાં થયાં હતાં. જેને પગલે અવરજવર સરળ બની છે અને ટ્રાફિકજામની સમસ્યાથી છુટકારો મળ્યો છે. આ અભિયાન સતત ચાલુ રાખવા પણ માંગ ઉઠી છે.