Entertainment

સની માટે રેડ કાર્પેટ

સની લિઓન અત્યારે એ વાતે ખુશ છે કે તેના વડે અભિનીત ફિલ્મ 76માં કાન્સ ફિલ્મોત્સવમાં રજૂ થઇ છે. સનીની ફિલ્મ આવા ફેસ્ટિવલમાં દર્શાવાય એવું ભાગ્યે જ બને. હા, એ ફિલ્મ અનુરાગ કશ્યપે બનાવી છે એટલે અનુષ્કા શર્મા, માનુષી છિલ્લર, સારા અલી ખાન સાથે તે પણ કાન્સની રેડ કાર્પેટ પર ચાલશે. 16 ેથી 27 મે દરમ્યાન આ ફેસ્ટિવલ છે. આ ફિલ્મમાં એક એવા ભૂતપૂર્વ પોલીસ અધિકારીની વાત છે જે ઘણો વખત પહેલાં મૃત્યુ પામ્યાનું માની લેવામાં આવ્યું છે પણ તે ચૂપચાપ રીતે ભ્રષ્ટ વ્યવસ્થાને ખુલ્લી પાડે છે.

અનુરાગ કશ્યપે સની લિઓનને ચાર્લીની મુખ્ય ભૂમિકા આપી છે. જયારે કેનેડીની ભૂમિકા રાહુલ ભટ્ટ કરે છે. 24 મેના રોજ આ ‘કેનેડી’ રજૂ થાય એવી યોજના છે. જો એમ થયું હોય તો રજૂ થઇ ચુકી હશે. સનીને જોવા પ્રેક્ષકો આતુર હોય છે પણ હવે તે અભિનય બાબતે ગંભીર બની છે એટલે સારી ફિલ્મો મળે છે. તે સેકસી તો દેખાય જ છે અથવા તેને એવી માની પણ લેવામાં આવી છે. સનીને તેનો પ્રોબ્લેમ નથી કારણ કે તેનાથી જ તેની બોકસ ઓફિસ વેલ્યુ છે. કાન્સમાં પણ તેની ફિલ્મ મધ્યરાત્રિની સ્ક્રિનિંગ સેશનમાં જ દર્શાવવાની છે.

સનીએ હમણાં કહ્યું હતું કે મેં હિન્દી ફિલ્મોમાં કયાંથી શરૂઆત કરેલી અને આજે કયાં પહોંચી ગઇ! મને એ લોકો ગમે છે જે જૂદા પ્રકારની ફિલ્મો બનાવે છે. ગયા વર્ષે મેં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું તેમાં અનુરાગે મને જૂદી રીતે જોઇ. તેમણે મને સામે ચાલીને આ ફિલ્મ માટે પસંદ કરી હતી. સની અત્યારે જૂદા પ્રકારની ફિલ્મો સાથે તૈયાર છે. તેમાન બે ફિલ્મો મલયાલમ છે ને હિન્દીમાં છે તે અભિષેક કપૂર દિગ્દર્શીત ‘ઓહ માય ઘોસ્ટ’ અને વિક્રમ ભટ્ટ દિગ્દર્શીત ‘અનામિકા’ છે. આ ઉપરાંત ‘પટ્ટા’ નામની ફિલ્મ છે જેમાં તેની સાથે ગુજરાતી અભિનેતા બિમલ ત્રિવેદીની ય મહત્વની ભૂમિકા છે. સનીની ‘શેરો’ નામની ફિલ્મ તો હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમમાં રજૂ થવાની છે.

સની હવે પોતાની ઓળખથી જૂદી બનવા તત્પર છે અને તેના માટે સારી વાત એ છે કે તેને મુખ્ય ભૂમિકા જ મળે છે. તે આ સિવાયની ભૂમિકા માટે તૈયાર પણ નથી. પતિ ડેનિયલ વેબર સાથેના કુટુંંબ જીવનથી ખુશ સની લિઓન ત્રણ સંતાનોની માતા છે. અંગત જીવનમાં સની એકદમ મેચ્યોર છે અને પોતાના કાર્યને સમજે છે. મૂળ કરનજીત કૌર વોરા નામ ધરાવતી સની એક સમયે પોર્નોગ્રાફિક એકટ્રેસ તરીકે ઓળખાતી હતી. અત્યારે 42 વર્ષની સની ‘રાગિની એમએમએસ-2’ ‘વનનાઇટ સ્ટેન્ડ’, ‘જિસ્મ-2’માં કામ કરતી હતી ત્યારે આ ઓળખ મુજબ જ કામ કરતી પણ હવે તે એ ઓળખથી દૂર રહી જરા જૂદા માટે તૈયાર છે. ગયા વર્ષે તેની ‘ઓહ માય ઘોસ્ટ’ રજૂ થયેલી પણ સફળ રહી નહોતી. તે આ જાણે છે પણ મેઇન સ્ટ્રીમ સિનેમામાં તે ઊભી છે. ‘હેલન’ નામની ફિલ્મમાં તે સાગર મહંત સાથે તો ‘લકી’ એક એડલ્ટ કોમેડી છે તેની પાસે ‘રંગીલા’ અને ‘કવોટેશન ગેંગ’ જેવી ફિલ્મો છે. ઘણી ફિલ્મો એનાઉન્સ થાય છે, ઘણી શરૂ થાય તે અટકે છે પણ સની લિઓન બોક્સ ઓફિસ માટે આજે પણ જરૂરી છે. કેન્સ ફિલ્મોત્સવની રેડ કાર્પેટ પછી તે થોભે તેવી નથી. •

Most Popular

To Top