Entertainment

અક્ષય ફરી ‘ખિલાડી’ ક્યારે બનશે

બે ફિલ્મો પીટાયા પછી આમીર ખાન તો નેપાળ ધ્યાન ધરવા જતો રહ્યો છે. હવે કેવી ફિલ્મ કરવી તેના વિશે સઘન વિચારો કરી રહ્યો છે. શું ફરી કોમેડી કરવી? અત્યારે આમીર ખાન જેવા કે 50-60ની વચ્ચેના છે એવા સ્ટાર કમબેકના પ્રયત્નમાં છે. સની દેઓલ, ‘ગદર-2’ કરી રહ્યો છે. આમીરને થાય છે કે મારું પણ શાહરૂખની ‘પઠાણ’ જેવું થવું જોઇએ. પણ આવી મોટી જરૂરિયાત કોઇ અનુભવી રહ્યું હોય તો તે અક્ષય છે. તે અત્યારે ઘણો ચૂપ રહે છે અને બસ કામ કરે છે. 2023માં તેની ફકત એક ‘સેલ્ફી’ જ રિલીઝ થઇ છે અને અક્ષયને થાય છે કે તે પણ ન થઇ હોત તો સારું કારણ કે વધારે એક નિષ્ફળતા તેના નામે ચડી ગઇ. તેની છેલ્લી પાંચ ફિલ્મો બુરી રીતે પિટાઇ ગઇ છે.

પણ તેણે આગળ તો કામ કરવાનું છે એટલે ટાઇગર શ્રોફ સાથેની ‘બડે મિયાં છોટે મિયાં’ની શૂટિંગ પૂરી કરી દીધી છે. તેના પછી વળી ‘સ્કાય ફોર્સ’ પર કામ શરૂ કરી દીધું છે. આ એક હવાઇ એકશન થ્રીલર છે અને 9મેથી તેનું શૂટિંગ શરૂ કર્યું છે. પહેલું શેડયુલ પણ નિપટાવી દીધું છે. આ ઉપરાંત કરણ જોહરની સી. શંકરન પરની બાયોપિકનું શૂટિંગ આગળ વધારી રહ્યો છે પણ ‘સ્કાય ફોર્સ’ મોટા સ્કેલ પર બનવાની છે અને 4 મહિનામાં દેશના જૂદા જૂદા એરબેઝ પર તેનું શૂટિંગ થશે. એ ફિલ્મમાં તે એરફોર્સ ઓફિસર બન્યો છે. 2023માં અક્ષય કદાચ નવું કશું ઉમેરવા નથી માંગતો. આમ છતાં તમિલ ફિલ્મ ‘સૂરારાઇ પોટ્ટરુ’ની રિમેક આવી જાય તો નવાઇ નહીં.

મૂળમાં સૂર્યા, અપર્ણા બાલામુરલી અને પરેશ રાવલ હતા અને રિમેકમાં અક્ષય સાથે પરેશ રાવલ ઉપરાંત રાધિકા મદાન છે. અક્ષયની ‘ઓએમજી-2’ ક્યારની તૈયાર છે પણ તેને રિલીઝ કરવાનું જોખમ લેવા માંગતો નથી. એજ રીતે ‘ધ ગ્રેટ ઇન્ડિયન રેસ્કયુ’કે જે ‘કેપ્સુલ ગિલ’ નામે રજૂ થવાની છે તે પણ 2024માં જ આવશે. ‘બડે મિયાં છોટે મિયાં’ 2024ની ઇદ પર રજૂ થશે. તેણે ‘હેરાફેરી-3’માં ય કામ કરવું છે પણ તેનો પ્લોટ લીક થવાથી થોડો અટકયો છે. હવે તે કશું જ ઉતાવળથી કરતો નથી. તે નિર્માતા તરીકે પણ અટકી ગયો છે. એટલે નીરજ પાંડે સાથેની ‘ક્રેક’ યા ‘પુષ્પા: ધ રુલ’ના બીજા ભાગમાં પોતાની ભૂમિકા વિશે અને જેમાં છત્રપતિ શિવાજી મહારાજ બન્યો છે તે મહેશ માંજરેકરની ‘વેદાત મરાઠા વીર દોદલે સાત’ અને મુદસ્સર અમીઝ દિગ્દર્શીત ‘ખેલ ખેલ મેં’ વિશેય વાત કરવા નથી માંગતો.

તે અત્યારે ખૂબ જ કામ કરે છે પણ લોકો વચ્ચે આવવાનું ટાળે છે. અક્ષય માને છે કે કોરોના સમયથી બોકસ ઓફિસ વિશે પ્રેક્ષકોનું વલણ બદલાયું છે અને બધા જ સ્ટાર્સ અત્યારે નવી સ્ટ્રગલ અનુભવી રહ્યા છે. 2022માં ‘બચ્ચન પાંડે’ (‘જિગરકંડા’ની રિમેક), ‘પૃથ્વીરાજ ચૌહાણ’, ‘રક્ષા બંધન’ અને ‘કટપૂતલી’ (રતસાસનની રિમેક) અને ‘રામસેતુ’ પણ નિષ્ફળ ગઇ તો ગઇ. સાઉથની રિમેક ચાલી જ જાય એવો ભ્રમ તૂટી ગયો છે. ‘સેલ્ફી’ પણ ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ની રિમેક જ હતી, પણ ન ચાલી. હવે જે કાંઇ બનશે તે નવી શરૂઆત તરીકે જોવા માંગે છે. તેનો દિકરો અને દિકરી બંને મોટા થઇ ચૂકયા છે. પ્રેક્ષકો અને પોતાના સંતાનો સામે પણ તે ફરી પોતાને સફળ જોવા માંગે છે. •

Most Popular

To Top