દેશમાં આરોગ્ય કર્મચારીઓ અને કોરોના યોદ્ધાઓને રસી મૂકાઇ ગયા પછી રસીકરણનો આગામી તબક્કો હવે પ૦ વર્ષથી વધુ વયના લોકો માટેનો હશે. તેમાં પણ ૬૦થી વધુ વયજૂથના લોકોને આ તબક્કામાં રસી મૂકવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.
દેશમાં રસીકરણ ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયું હતું જેમાં આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી મૂકવામાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને મફતમાં રસી મૂકવામાં આવી હતી. કોવિડ-૧૯ માટેની રસીનો આગામી તબક્કો હવે પ૦ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટેનો હશે. આવતા મહિનાની શરૂઆતના દિવસોમાં આ તબક્કાનો આરંભ થઇ શકે છે.
આમાં પણ ૬૦ વર્ષથી વધુ વયના લોકોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે. જો કે એમ જાણવા મળે છે કે આ તબક્કામાં તમામ લોકોને મફત રસી મૂકી આપવામાં નહીં આવે. આ તબક્કાના રસીકરણના લાભાર્થીઓને બે જૂથમાં વહેંચવામાં આવશે – એક તો તેઓ કે જેમને મફત રસી મૂકવાની છે અને બીજા તેઓ કે જેમણે રસી માટે નાણા ચુકવવા પડશે એમ એક અખબારી જૂથનો અહેવાલ જણાવે છે.
સરકારે એવું પણ નક્કી કર્યું છે કે રસીકરણના આ બીજા તબક્કામાં લાભાર્થીઓને મતદારયાદી પ્રમાણે તેઓ જે રાજ્યના વતની હોય તે સિવાયના રાજ્યમાં રસી મૂકાવવાની પસંદગી કરવાનો પણ અધિકાર આપવામાં આવશે. આ તબક્કામાં બે જૂથ હશે. સરકાર એ નક્કી કરશે કે કયા જૂથને મફતમાં રસી મળશે. લાભાર્થીઓ નોંધણી વખતે એ જાણી શકશે કે તેઓ મફત રસી મેળવવા માટે લાયક છે કે નહીં એમ એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું. કોને રસી મફત મળશે અને કોણે તે માટે કિંમત ચુકવવી પડશે તેની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે એમ સૂત્રએ જણાવ્યું હતું.