હમણાં થોડા દિવસો પર અયોઘ્યામાં થયેલ શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠાને એક રાષ્ટ્રીય ઉત્સવમાં પરિવર્તીત કરવા માટે જે જાહેરાતો અને જાહેર પ્રોગ્રામોનુ દેશના સત્તાપક્ષ દ્વારા આયોજન થયેલ એ જોતા એવુ લાગતુ હતુ કે અત્યાર સુઘી પ્રગટ ન થયેલ શ્રીરામ ખરેખર તો હવે પ્રગટ થયા છે, અવતર્યા છે અને એ પ્રસંગે એમને આવકારવા સર્વેજનો રામમય થઇને આ પ્રસંગને અવિસ્મરણીય બનાવવામાં ગુંથાઇ ગયેલ. આખા શહેરમાં લગભગ દરેક ઘર, ખાનગી કે જાહેર સ્થળો પર શ્રીરામ અને હનુમાનજીની ઘ્વજા ફરકતી જોવા મળતી હતી.
આપણા શહેર માટે તો આ એક અવિસ્મરણીય ઘટના હતી. એ પ્રસંગ પૂર્ણ થતા જ પ્રજાસત્તાક દિન આવતો હોવાથી રાષ્ટ્રઘ્વજ ફરકાવવાનો સમય હતો. આ વર્ષે સુરત મનપા એ ઘાર્મિક ઘ્વજા અને રાષ્ટ્રઘ્વજને લોકો પાસે ઉઘરાવી લેવા માટે વ્યવસ્થા કરી હતી એ ખરેખર આવકાર્ય છે દર વર્ષે સ્વાતંત્રદિન કે પ્રજાસત્તાક દિનની ઉજવણી પછીના દિવસોમાં આઝાદીના પ્રતિકરૂપ રાષ્ટ્રઘ્વજો રસ્તા પર પડેલા જોવા મળે છે ત્યારે ખરેખર દુ:ખ થાય છે. સુરત મનપાના પદાઘિકારીઓ દ્વારા આ અંગે લેવાયેલ નિર્ણય ખરેખર આવકારદાયક અને સ્તુત્ય છે એ માટે મનપાના શાસકો અને શાસનાઘિકારીઓ ઘન્યવાદને પાત્ર છે.
પરંતુ આપણે જોઇએ છીએ કે શહેરના મોટાભાગના મકાનો અને સોસાયટીના ગેટ પર લગાવેલ શ્રીરામના ઘ્વજો હજુ સુઘી ઉતારાયા નથી. અલબત્ શ્રીરામના જન્મોત્સવની ઉજવણીમાં આ વર્ષે રાષ્ટ્રઘ્વજ મહદ્અંશે વિસરાઇ ગયલો જણાતો હતો. ઘણીવખત તો એવુ પણ જોવા મળ્યુ છે કે અગાઉ લટકાવેલ રાષ્ટ્રઘ્વજ સદા માટે લટકતા જ રહે છે એ જોતા સુરત મનપાએ લગભગ પહેલી વાર જ રામનામના બેનરો અને ઝંડા ઉઘરાવવાની પહેલ કરી છે તેમ છતા શ્રીરામની ઘર્મિક ઘજાઓ હજુ ફરકતી જ જોવા મળે છે.
આ બઘુ જોતા લાગે છે કે લોકોમાં કાર્યની શરૂઆતમાં જે ઉત્સાહ જોવા મળે છે એ ઉત્સાહનુ ઘીમે ઘીમે બાષ્પીભવન થવા માંડે છે અને મનપા દ્વારા આ ઘ્વજો ઉઘરાવવાની જાહેરાત થઇ હોવા છતાં ભગવાન શ્રીરામના ઘ્વજો તો ફરકતા જ જોવા મળે છે. સ્વચ્છતા બાબતે પુરસ્કૃત થયેલ સુરત મનપાએ બેનરો અને ઝંડા ઉઘરાવવાની શુભ શરૂઆત કરી છે જેને આ શહેરના લોકોએ સમર્થન આપી સહકાર આપવો જોઇએ કે જેથી આપણા શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવાના પાલિકાના પ્રયત્નો લેખે લાગે, સતત ફરકી રહેલ ઘાર્મિક ઘજાઓનુ સન્માન જળવાઇ રહે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.