‘મેરે પીયા ગયે રંગૂન, વહાં સે આયા ટેલિફુન..તુમ્હારી યાદ સતાતી હે’ જૂની ફિલ્મના આ ગીતમાનું રંગૂન અને રાંદેરમાં ભરાતા રમઝાનના બજાર વચ્ચે વર્ષોથી નાતો જોડાયેલો છે. રાંદેરના આ રમઝાન બજારમાં જે લઝીઝ વાનગીઓ મળે છે તે એક સમયે રંગૂનના ઘરોમાં બનતી. આજે આ વાનગીઓ પર સુરતીઓ ફિદા થઈ ગયા છ.
રમઝાન આવે એટલે ઘણા સુરતીઓને રાંદેરના આ રમઝાન બજારની યાદ આવી જાય છે આ વાનગીઓનો રસાળ સ્વાદ લેવા માટે. રાંદેરથી રંગુન ગયેલા લોકો બીજા વિશ્વ યુદ્ધમાં વેપાર-ધંધા બેસી જતા ફરી રાંદેર આવીને વસ્યા. આ લોકો પોતાની સાથે રંગૂની કુલ્ફી, ખાઉસે, રંગૂની પરાઠા, લફફે, આલુપુરી જેવા લઝીઝ વ્યંજનો લેતા આવ્યા. આમાંથી રાંદેરના આ બજારને મોઢામાં પાણી લાવી દેતી વાનગીઓથી જાણીતું કરવામાં ઇબુ પેઢીવાલા, લાડવા મોટા અને હાસિયા મોટા તથા ઇબુ હાસિયાનો મોટો ફાળો રહ્યો.
શરૂઆત તેમનાથી થઈ પછી બીજા આવતા ગયા. આ લોકોએ કઈ વાનગીઓ થી રાંદેરના આ બજારને જાણીતું કર્યું અને અત્યારે આમના માંથી કોના વંશજ રાંદેરના આ બજારની શાન છે? તે આપણે અહીં જાણીએ.
ઇબુ હાસિયાની કુલ્ફી અને લાડવા મોટાના ખાઉસેનો ટેસ્ટ હવે નથી મળતો: ઉર્દૂ શાયર ઈકબાલ વસીમ મલિક
ઇતિહાસના જાણકાર અને જાણીતા ઉર્દૂ શાયર તેમજ માજી કોર્પોરેટર ઇકબાલ વસીમ મલિકે જણાવ્યું કે, ઇબુભાઈ પેઢીવાલાએ રંગૂની પરાઠા બનાવવાનું શરૂ કર્યું હતું. લાડવા મોટા અને હાસિયા મોટાએ ખાઉસે બનાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે ઇબુભાઈ હાસિયાએ માટલાની કુલ્ફી આઈસ્ક્રીમ શરૂ કરી હતી. આ ચાર જણને કારણે રમઝાનનું આ બજાર મશહૂર થયું. પણ હવે ઇબુભાઈ પેઢીવાલાના દીકરા કાસુભાઈના રંગૂની પરાઠાનો સ્વાદ જ અહીં મળી શકે છે. આ બજાર આમ તો 1939 થી ભરાય છે. રાંદેરના હિન્દૂ અને મુસ્લિમ ખલાસી સ્ટીમરમાં સર્વિસ કરતા એ સમયે લોકો સ્ટીમરમાં સફર કરતા ત્યારે તેમને ઝાડા-ઉલટી નહીં થાય તે માટે આ પરાઠા ખવડાવતા. આ પરાઠા વેજ અને નોન વેજ બંને બને છે. બર્મામાં સુરતની માર્કેટ હતી. બર્મામાં રાંદેરના લોકો રહેતા જે પાછા રાંદેર આવીને વસી ગયા હતા. તેઓ સાથે બરમીઝ ટેસ્ટ લઈને આવ્યા હતા.
રંગુની પરાઠા, ખાવસા, આલુપુરી હવે આખા સુરતમાં મળે છે
રંગૂનથી લાવવામાં આવેલા રંગૂની પરાઠા, ખાવસા (બર્મીઝ ખાઉસ્વે નુડલ્સનો સુપ) અને આલુપુરી જે બર્મીઝ વ્યંજન જ છે તે સુરતીઓમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. આ ત્રણ વ્યંજન સુરતમાં દરેક વિસ્તારમાં મળતી થઈ ગઈ છે. નાના બાળકો અને યંગસ્ટર્સથી લઈને તમામ વયના લોકો દિવસના ગમે તે સમયે તેનો ટેસ્ટ લેવા નીકળી પડે છે.
1936થી રંગૂની પરાઠાના ટેસ્ટમાં કોઈ ફેર નથી પડ્યો: કાસુભાઈ પેઢીવાલા
કાસુભાઈ પેઢીવાલાએ જણાવ્યું કે તેમના પિતા ઇબુભાઈ પેઢીવાલા રંગૂનથી રાંદેર આવ્યા. તેઓ પરાઠા બનાવી દોસ્તોને તેનો સ્વાદ ચખાડતા. પછી આ બજારમાં રંગૂની પરાઠાની શરૂઆત કરી હતી. વેજ રંગુની પરાઠામાં કાંદા હોય છે તેને તેલમાં તળવામાં આવે છે. જોકે, વેજ પરાઠા માટે એક દિવસ પહેલા કહેવું પડે છે. પરાઠાનો ટેસ્ટ લેવા લોકો અમદાવાદ, મુંબઈથી આવે છે. વર્ષોથી તેમના પરાઠાનો ટેસ્ટ બદલાયો નથી ચીઝ વગેરે નથી નાખતા.
મહિલાઓને પસંદ છે રંગૂની ખાટું-ખારું
લીંબુ, કેરી અને બોરમાંથી ખાટી, મીઠી,ખારી કેરીની બનતી ચમચમ જેવી વસ્તુઓ બને છે. જે ખાસ તો મહિલાઓ ને વધુ ભાવે છે. નાઝ બુરમીશના બાબુભાઇ જણાવે છે કે દરવર્ષે તેમના ભાઈ રંગૂન જઈને આ જીભનો ટેસ્ટ બદલતી ખટ-મીઠી વસ્તુઓ લઈ આવે છે. તે ખાસ તો લોકો જમ્યા પછી ખોરાક હજમ થાય તે માટે ખાય છે.
સેવન વનડર્સ અને રેડ વેલ્વેટ કુલ્ફીનો ઉમેરો
રાંદેરનું રમઝાનનું આ બજાર તો ખાસ કરીને કુલ્ફી અને આઈસ્ક્રીમને કારણે મશહૂર બન્યું છે. અહીં ઝુબેર મોદન દ્વારા લોકોને નવું ઇનોવેટિવ આપવા રેડ વેલ્વેટ અને સેવન વનડર્સ આઈસ્ક્રીમનું લઝીઝ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. સોયેબ ભાઈ કાલૂ લોર્ડ્સ આઈસ્ક્રીમ વાળા અહીં લીચી, કિવીથી માંડી વિવિધ ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર આઈસ્ક્રીમ લોકોને દાઢને કાયમ વળગી રહે તેવો ટેસ્ટ આપે છે. સેવન વનડર્સ આઈસ્ક્રીમની કિંમત એક હજાર રૂપિયા છે.