વડોદરા : કોરોના મહામારીને કારણે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ સતત બીજા વર્ષે પણ રદ કરવામાં આવ્યો હતો અને ફક્ત કલાકારો દ્વારા સંગીતમય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના ગાઈડ લાઈન મુજબ મર્યાદિત દર્શકોની ઉપસ્થિતિ રાખવામાં આવી હતી. ઉતર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા વર્ષોથી પોલોમેદાન ખાતે દશેરાના દિવસે રામલીલાનું આયોજન થતું આવ્યું છે. તેમજ ત્યારબાદ પરંપરા અનુસાર રાવણ ,કુંભકર્ણ અને મેઘનાદના મહાકાય પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જ્યાં દર વર્ષે એક અંદાજ મુજબ એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમને નિહાળવા આવે છે ત્યાં આ વર્ષે મર્યાદિત આમંત્રીતોની હાજરીમાં રામલીલા અને વાતાવરણને શુદ્ધ બનાવવા વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘના અધ્યક્ષ પ્રવીણ ગુપ્તા અને મહામંત્રી એ.કે.મિશ્રા સહિતના પદાધિકારીઓ સહિત આમંત્રીતો રામલીલાના આંશિક દ્રશ્યો નિહાળવા માત્ર ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 40 વર્ષથી રામલીલા કાર્યક્રમનું આયોજન થાય છે પણ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ આ વર્ષે રામલીલાનો કાર્યક્રમ દોઢ કલાકનો જ રાખ્યો હતો અને 69 કલાકારોએ રામના જીવન કવન પર આધારિત રામલીલાનું સંગીતમય નાટકનું મંચન કર્યું હતું. જેમાં રામજન્મ, રામનો વનવાસ, કેવટ,શબરી, સૂરપણખા, સીતાહરણ, લંકાદાહન સહિત રાવણ વધ સહિતના મહત્વના દ્રશ્યો ભજવવામાં આવ્યા હતા.