આણંદ શહેરમાં ગુરૂવારના રોજ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે ત્રણ સ્થળેથી ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યાં હતાં. યુવાનોના હાથમાં કેસરિયા ધ્વજથી સમગ્ર માહોલ કેસરિયો બની ગયો હતો. વિદ્યાનગરથી સવારે શ્રીરામ જન્મોત્સવ શોભાયાત્રા સમિતિ દ્વારા શોભાયાત્રા નિકળી હતી. જે વિદ્યાનગર અને આણંદના રાજમાર્ગો પર ફરી હતી. બાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બપોરે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદમાં ગૌરક્ષા દળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો કેસરિયા ધ્વજ સાથે જોડાયાં હતાં. આ શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડાકોરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી
યાત્રાધામ ડાકોરમાં હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ડાકોર ચોકડી પરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે નગરના રાજમાર્ગો પર ફરીને નાની ભાગોળમાં આવેલા ચિત્રકુટધામ પ્રાચીન શ્રીરામ મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં ભગવાન શ્રીરામ ના જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં દંડીસ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજ, હિતેશદાસજી મહારાજ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સહિતના રાજનેતાઓ અને નગરના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં અને જય જય શ્રીરામના નાદથી ડાકોરની ગલીઓ ગુંજી ઉઠી હતી.
ખાનપુર સહિત તાલુકામાં રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
ખાનપુર સહિત તાલુકામાં રામનવમી પર્વની ધામધૂમથી ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. રામનવમીના પાવન પર્વે ભગવાન શ્રી રામના જયઘોષ વચ્ચે શૌર્ય અને શોભાયાત્રા આકર્ષણનો ભાગ બની હતી. તાલુકામાં ભગવાન શ્રી રામના જન્મની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ખાનપુર તાલુકા સહિત આજુબાજુના ગામોના લોકો મંદિર ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભગવાન શ્રી રામની પૂજા અર્ચના બાદ સવારે ભગવાનની વાજતે ગાજતે સુશોભિત વાહનમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. રામ ભક્તોએ પુષ્પવર્ષાથી સ્વાગત કરી ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્ય બન્યા હતા.
વિરપુર તેમજ ડેભારી ખાતે જય શ્રીરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી
વિરપુર સહિત ડેભારી ગામ ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. રામલલ્લાને આવકારવા માટે વિરપુર તેમજ ડેભારીના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ શોભાયાત્રા અંબીકા સોસાયટીથી પ્રસ્થાન કરી સમગ્ર વિરપુર વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી. શોભાયાત્રાની પુર્ણાહુતી વિરાજી સર્કલ ખાતે કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેભારી ખાતે નિકળેલી શોભાયાત્રામાં ડીજેના તાલે યુવાનો ઝુમી ઉઠ્યાં હતાં. આ સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી લોકોએ શ્રીરામની પ્રતીમાને ચરણ સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી. વિરપુર સહિત ડેભારી ખાતે નિકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામ ભક્તો તેમજ માનવ મેહેરામણ ઉમટી પડ્યું હતું.
ખેડા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રથ ખેંચી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું
ખેડા શહેરના વહાણવટી ચોક ખાતેથી રામજીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ખેડાના ડી.વાય.એસ.પી ડી.વી.બસીયા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.ખાંટ તેમજ પી.એસ.આઈ એ ભગવાન શ્રીરામની આરતી ઉતાર્યાં બાદ, રથ ખેંચી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતામાતા તેમજ હનુમાજીનો વેશ ધારણ કરી, બગીમાં બેઠેલાં નાના બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ઠેર-ઠેર પુષ્પવર્ષા કરી શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. –