Columns

કર્ણાટકની ચૂંટણીમાં યેદિયુરપ્પાનું ફેક્ટર મહત્ત્વનું બની રહેશે

વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી ફાઈનલ હોય તો ૨૦૨૩ના મેમાં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે સેમી-ફાઈનલ જેવી પુરવાર થશે. કર્ણાટકની ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહી છે. કર્ણાટકમાં ભાજપ, કોંગ્રેસ અને જેડી (એસ) ત્રણ મોટી પાર્ટીઓ છે. ૨૦૧૩-૨૦૧૮ દરમિયાન કોંગ્રેસે અને જેડી (એસ) એ સાથે મળીને સરકાર ચલાવી હતી, જેમાં કોંગ્રેસે મોટા ભાઈની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૮માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનાં મોજાં પર સવાર થઈને ભાજપે ૨૨૪ પૈકી ૧૦૪ બેઠકો મેળવી હતી.

અપક્ષો અને નાના પક્ષોનો સાથ લઈને ભાજપે સરકાર બનાવી હતી, જેના મુખ્ય પ્રધાન બી.એસ. યેદુયુરપ્પા બન્યા હતા. તેઓ ગૃહમાં પોતાની બહુમતી પુરવાર ન કરી શક્યા માટે તેમણે બે દિવસમાં જ રાજીનામું ધરી દેવું પડ્યું હતું. તેમના પછી જેડી (એસ) ના નેતા એચ. ડી. કુમારસ્વામી કોંગ્રેસના ટેકાથી મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ તેમનું શાસન પણ લાંબું ચાલ્યું નહોતું. ૨૦૧૯ના જુલાઈમાં જેડી (એસ) ના ૧૭ વિધાનસભ્યો સાગમટે રાજીનામાં આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. યેદિયુરપ્પા ફરીથી કર્ણાટકના મુખ્ય પ્રધાન બની ગયા હતા.

યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ભ્રષ્ટાચારના આક્ષેપો તેમનો પીછો છોડતા નહોતા. ભાજપના મોવડીમંડળે યેદિયુરપ્પાને ખુરશી છોડવાનો આદેશ કર્યો હતો અને ૨૦૨૧માં તેમના સ્થાને બસવરાજ બોમ્માઇને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. હવે કર્ણાટકમાં ચૂંટણી નજીક છે ત્યારે ૮૦ વર્ષના યેદિયુરપ્પાની મહત્તા પાછી વધી ગઈ છે. યેદિયુરપ્પા લિંગાયત કોમના ટોચના નેતા છે, જે કોમ પાસે કર્ણાટકના ૧૭ ટકા મતો છે. ૨૦૧૨માં યેદિયુરપ્પા ભ્રષ્ટાચારના આક્ષેપોને પગલે ભાજપ છોડી ગયા તે પછી ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં ભાજપની બેઠકોની સંખ્યા ૨૦૦૮માં ૧૧૦ પરથી ૨૦૧૩માં માત્ર ૪૦ ઉપર આવી ગઈ હતી.

યેદિયુરપ્પાએ અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાનીના કાળમાં કોઈ પણ જાતની બાહ્ય મદદ વગર ભાજપને કર્ણાટકમાં સત્તાનું સિંહાસન મેળવવામાં સિંહફાળો આપ્યો હતો. વાજપેયી અને અડવાની યુગના અંત પછી પણ કર્ણાટકમાં સત્તા મેળવવા કે ટકાવવા માટે તેમણે ક્યારેય મોદી કે શાહ પાસે મદદનો હાથ લાંબો કર્યો નહોતો. ૨૦૦૮માં અને ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી પછી સરકાર રચવા માટે થોડી બેઠકો ઓછી પડતી હતી ત્યારે તેમણે પક્ષના મોવડીમંડળની મદદ વગર ભાંગફોડ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી લીધી હતી.

યેદિયુરપ્પાએ કર્ણાટકમાં સત્તા હાંસલ કરવા માટે આર.એસ.એસ.ની ઓળખ જેવા હિન્દુત્વની બિલકુલ મદદ લીધી નહોતી. તેને બદલે તેમણે જ્ઞાતિ અને જાતિના રાજકારણની રમત કરીને બહુમતી મેળવી હતી. યેદિયુરપ્પા કર્ણાટકની સૌથી શક્તિશાળી લિંગાયત કોમના નેતા છે, પણ તેમને બરાબર ખબર હતી કે માત્ર લિંગાયત કોમના ટેકાને આધારે કર્ણાટકમાં સરકાર રચવાનું સંભવિત નથી. આ કારણે તેમણે કર્ણાટકની અનેક પછાત જાતિઓનું ગઠબંધન બનાવ્યું. તેમાં દલિતો અને વનવાસીઓ પણ સામેલ હતા. આ ગઠબંધનને હિન્દુત્વના વાઘા પહેરાવીને તેઓ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યા હતા.

કેન્દ્રના મોવડીમંડળે જ્યારે યેદિયુરપ્પાને હટાવવાનો નિર્ણય કર્યો ત્યારે તેનો અમલ કરવા માટે પણ વ્યૂહરચના કરવી પડી હતી, કારણ કે યેદિયુરપ્પા સહેલાઈથી હાર માનવા તૈયાર નહોતા. ભાજપના મોવડીમંડળ દ્વારા લિંગાયત કોમના કેટલાક વિધાનસભ્યોને તૈયાર કરવામાં આવ્યા હતા, જેમણે યેદિયુરપ્પા પર સતત હુમલાઓ કર્યા હતા. તેમની સામે શિસ્તભંગનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. યેદિયુરપ્પાને નબળા પાડીને વિદાયનો દરવાજો દેખાડવામાં આવ્યો હતો.

કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈ સરકારની ખ્યાતિ ૪૦ ટકાની સરકાર તરીકે વ્યાપી ગઈ છે. વિપક્ષો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે રાજ્યના દરેક ટેન્ડરમાં પ્રધાનો ૪૦ ટકાનું કમિશન ખાતા હોય છે. આ વાત પ્રજા પણ સાચી માની રહી છે. બસવરાજ બોમ્માઈના રાજમાં બિટકોઈનનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું, જેમાં કેટલાક રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. બસવરાજની સરકાર તેના ગેરવહીવટ માટે પણ કુખ્યાત છે. તેમના રાજમાં બેંગલોરમાં વારંવાર પૂરો આવે છે અને જળબંબાકાર થઈ જાય છે. તેના માટે રાજકારણીઓ અને બિલ્ડરો વચ્ચેની સાંઠગાંઠ જવાબદાર હોવાનું મનાય છે. કોવિડ-૧૯નો મુકાબલો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું કરોડો રૂપિયાનું ભંડોળ પણ ચવાઈ ગયું હોવાનું માનવામાં આવે છે.

કર્ણાટકમાં બિટકોઈન કૌભાંડ પકડાયું તેને કારણે ભાજપ સરકાર સંકટમાં મૂકાઈ ગઈ છે, કારણ કે તેમાં કેટલાક ટોચના અધિકારીઓ અને રાજકારણીઓ પણ સંડોવાયેલા હોવાનું મનાય છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઇ તાજેતરમાં દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેમણે કહ્યું કે, હું તમારી સાથે બિટકોઈન કૌભાંડ બાબતમાં ચર્ચા કરવા માગું છું. વડા પ્રધાને તેમને કહ્યું હતું કે તેની ચિંતા કરવાની જરૂર નથી. કર્ણાટકના વિપક્ષોએ બિટકોઈન કૌભાંડ બાબતમાં હોબાળો મચાવવાનું શરૂ કર્યું છે. તેમનો આક્ષેપ છે કે ભાજપની સરકાર બિટકોઈન કૌભાંડમાં ભીનું સંકેલી લેવાના પ્રયાસો કરી રહી છે. વિપક્ષના કહેવા મુજબ જો સીટ દ્વારા આ કૌભાંડની તપાસ કરવામાં આવશે તો ભાજપ સરકારને રાજીનામું આપવાની ફરજ પડશે.

ભાજપના રાજમાં જ્વલંત હિન્દુત્વની રાજનીતિ અપનાવવામાં આવી રહી છે. કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પણ તે નીતિનો ભાગ હતો. મુસ્લિમ સંસ્થાઓ છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી હતી, પણ ફાવી નહોતી. બસવરાજ બોમ્માઈનું બીજું વિવાદાસ્પદ પગલું મુસ્લિમ કોમને પછાત કોમની યાદીમાંથી બહાર કાઢીને તેમને મળતી ૪ ટકા અનામત રદ કરવાનું હતું. આ ૪ ટકા અનામત લિંગાયત અને વોક્કાલિગા કોમો વચ્ચે વહેંચી દેવામાં આવી છે, જેને કારણે મુસ્લિમો વિરુદ્ધ લિંગાયતો અને વોક્કાલિગાનો માહોલ ઊભો થયો છે. જો કે કર્ણાટકના અમુક મતદાર વિસ્તારોમાં મુસ્લિમો પણ ભાજપને મત આપતા હોય છે. મુસ્લિમોની વિરુદ્ધનાં પગલાંઓને કારણે ભાજપે કેટલાક મુસ્લિમ મતો પણ ગુમાવવા પડશે.

કર્ણાટકમાં ભાજપના યેદિયુરપ્પા, કોંગ્રેસના સિદ્ધારામૈયા અને જેડી (એસ) ના કુમારસ્વામી ટોચના નેતાઓ છે. કર્ણાટકનું રાજકારણ તેમની આજુબાજુ ઘૂમે છે. જેડી (એસ) એક એવો પક્ષ છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને રાષ્ટ્રીય પક્ષો સાથે યુતિ કરી ચૂક્યો છે. ૨૦૨૩ની ચૂંટણીમાં પણ જો ભાજપને સરકાર રચી શકાય તેટલી બેઠકો મળશે તો તેઓ કુમારસ્વામીનો સાથ લઈ શકે છે. ભાજપે ૨૦૧૯માં કર્યું હતું તેમ પક્ષપલટાની મદદથી પણ સરકાર બનાવી શકે છે. જો ભાજપે બહુમતી મેળવવી હશે તો તેનો સંપૂર્ણ મદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઉપર હશે. ભારતનાં બીજાં રાજ્યોની જેમ કર્ણાટકમાં પણ વડા પ્રધાનની સંખ્યાબંધ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ છતાં જો મતદારોને લોભાવી નહીં શકાય તો ભાજપે યેદિયુરપ્પાને શરણે જવું પડશે. યેદિયુરપ્પા પીઢ રાજકારણી હોવાથી જોડતોડની રાજનીતિમાં તેમનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.

Most Popular

To Top