વડોદરા : એમ.એસ. યુનિવર્સિટીમાં સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલી કરતા હંગામી કર્મચારીઓએ તેનો સખત વિરોધ નોંધાવતા હેડ ઓફિસ ખાતે રામ ધુન બોલાવી વિરોધ પ્રફર્શન કરી કોન્ટ્રાક્ટ સિસ્ટમ રદ કરવાની માંગણી કરી છે.
એમએસ યુનિવર્સિટીમાં અંદાજે 800 જેટલા હંગામી કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી કાયમી કરવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે. અગાઉ તેઓએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરતા તેઓએ કાયમી નહીં પરંતુ વેતન વધારાની ખાતરી આપી હતી. ત્યારબાદ અવારનવાર કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગણી અથવા વેતન વધારવાની માંગણી સાથે ગાંધી જગ્યા માર્ગે કાર્યક્રમ દર્શાવવામાં આવી રહ્યા છે. અગાઉ સિન્ડિકેટ સભ્યોને ગુલાબ આપી તેમજ કાળી પટ્ટી ધારણ કરી પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
દરમિયાન આજરોજ એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓએ એકત્ર થઈ હાર્મોનિયમના તાલે રામધુન યોજી હતી. તેઓની મુખ્યત્વે માંગણી છે કે મોંઘવારીના સમયમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ પોસાય તેમ નથી જેથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ થવી જોઈએ અને કર્મચારીઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે તેમને કાયમી કરવા જોઈએ અથવા વેતન વધારવું જોઈએ. કારણ કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા આર્થિક પરિસ્થિતિ દયનિય બની છે.