Entertainment

રકુલની ‘પ્રીત’ છતી થઇ

વાત એકદમ તાજી છે. ફિલ્મ જગતમાં પ્રેમમાં પડનારા તો બહુ હોય છે પણ તેઓ જાહેરમાં કબૂલ નથી કરતા. સૌ પ્રથમ તો તેમને પોતાનામાં ને પછી એકબીજામાં વિશ્વાસ નથી હોતો. રિલેશન તો થઇ જાય પણ ટકી જાય ત્યારે રિલેશન. ગયા અઠવાડિયે 10મી ઓકટોબરે રકુલપ્રીત સીંઘ 31માં વર્ષમાં પ્રવેશી. તે દિવસે તે એકદમ ખુશ હતી અને તેનું કારણ જેકી ભગનાની સાથેનો પ્રેમસંબંધ છે. બંને એકબીજાને ડેટ કરતા હતા પણ પોતાના જન્મ દિવસે તેણે જાહેર કર્યું કે અમે પ્રેમમાં છીએ.

તેણે જેકીને ખુલ્લામાં એટલે કે ઇન્સ્ટાગ્રામ પર પ્રેમથી ભરપૂર સંદેશ પાઠવ્યો કે ‘થેન્ક યુ માય લવ! યુ હેવ બીન માય બીગેસ્ટ ગીફટ ધીસ યર! થેન્ક યુ ફોર એડીંગ કલર ટુ માય લાઇફ. થેન્ક યુ ફોર મેકિંગ મી લાફ નોનસ્ટોપ. થેન્કયુ ફોર બીઇંગ યુ! (જો તમે યુવાન હો ને કોઇના પ્રેમમાં હો તો આ નોંધી રાખો, તેને લખવામાં કામ લાગશે) જેકી સાથેના પ્રેમની આ કબૂલાતપછી હવે એ પણ નક્કી કે તે હવે મુંબઇ નિવાસી થઇ જવાની. એ પણ નક્કી કે તમિલ, તેલુગુથી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરશે. જો કે અત્યરે પણ તેની પાસે છ ફિલ્મો હિન્દી અને બે ફિલ્મો તમિલ, એક તેલુગુ છે. મતલબ કે તે ઘણું ખરું શિફિટંગ તો કરી ચુકી છે. જેકી ભગનાની મુંબઇ હોય એટલે તે કરે પણ શું?

રકુલ છે પંજાબી પણ દિલ્હીમાં જન્મીને મોટી થઇ છે એટલે હિન્દી ફિલ્મ તેના માટે હમજૂબાં કહી શકાય આમ છતાં તેણે તેલુગુ, તમિલમાં તડાકો બોલાવ્યો એ માટે દાદ દેવી જોઇએ. આર્મી ઓફીસરની દિકરી છે એટલે તે દરેક મોરચાને જીતવામાં માને છે. તેલુગુ, તમિલ ફિલ્મોના કારણે તેનું હૈદ્રાબાદમાં ઘર છે પણ મુંબઇમાં જામી ગયા પછી મુંબઇમાં ય ઘર લીધું છે. જેકી ભગનાની ઘરવાળી થશે તો ઓર એક ઘર થઇ જશે. જેકી જાણીતા નિર્માતા વાસુ ભગનાનીનો દિકરો છે. અભિનેતા તરીકે અગીયારેક ફિલ્મોની સાથે આઠ ફિલ્મોનો નિર્માતા છે. હમણાં જ તેની ‘બેલબોટમ’ ફિલ્મ રજૂ થઇ છે. અને ‘ગણપથ: પાર્ટ ૧’ અને ‘મહાવીર કર્ણ’ બનાવી રહ્યો છે. તમે હવે કહી શકો કે હિન્દી ફિલ્મોમાં ફરી સિંધીઓ જાણીતા થઇ રહ્યા છે. રણવીર સીંઘ તો છે જ જેકી પણ છે. 18 વર્ષની ઉંમરથી મોડલીંગ શરૂ કરનાર રકુલે કન્નડ ફિલ્મથી આરંભ કર્યો હતો અને ત્યારે તો તેની ઇચ્છા પોકેટમની પૂરતું કામ કરવાની જ હતી.

એને એમ કે સાઉથની ફિલ્મો વળી શું આપશે? પણ જોતજોતામાં તે સફળ ગઇ અને અઢળક કમાણી કરતી થઇ ગઇ. સામાન્યપણે ‘મિસ ઇન્ડિયા’ બન્યા પછી ફિલ્મોમાં આવનાર ઘણી છે પણ રકુલ ફિલ્મોમાં આવ્યા પછી મિસ ઇન્ડિયા પેજન્ટ બની હતી. આમ થવાના કારણે ફિલ્મો મળવાની સંખ્યા વધી ગઇ. તેણે હિન્દીમાં કામ કરવું હતું પણ ઠેઠ 2014માં ‘યારીયાં’એ તેને તક આપી. પણ અજય દેવગણ સાથેની ‘દે દે પ્યાર દે’થી તે વધારે સ્વીકૃત બની અને પછી ‘મરજાવાં’ આવી. હવે તે અર્જૂન કપૂર સાથે ‘સરદાર કા ગ્રાન્ડસન’, જોહ્‌ન અેબ્રાહમ સાથે ‘એટેકે’ (જેમાં જેકલીન ફર્નાન્ડિસ પણ છે) ઇન્દ્રકુમારની ‘થેન્ક ગોડ’, ‘અજય દેવગણ નિર્મીત અભિનીત ‘મે-ડે’ જેમાં અમિતાભ પણ છે.

આયુષ્યમાન ખુરાના સાથેની ‘ડોકટર જી’ ઉપરાંમ ‘મિશન સિન્ડ્રેલા’ છે તેની આ પાછલી બંને ફિલ્મો બનીને તૈયાર છે. રકુલે જાહેરમાં પ્રેમની કબૂલાત કરી લીધી તેથી તેની પર વિશ્વાસ વધી ગયો છે. તેણે કોઇ પરિણીત હીરો યા નિર્માતા સાથે પ્રેમ નથી કર્યો એટલે વિવાદો ય નથી ઊભા કર્યા. તેની પાસેની જે ફિલ્મો છે તે તેની અભિનેત્રી તરીકે સાખ વધારે એવી છે એટલે એકાદ વર્ષમાં તેની ફિલ્મો વડે વધારે ગાજશે. તમે હવે કહી શકો કે વધુ એક દિલ્હી-પંજાબી એકટ્રેસ મુંબઇની થઇ જશે.

Most Popular

To Top