રક્ષાબંધનનો (Rakshabandhan) તહેવારએ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો (Festiwal) એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ (Mumbai) અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન માછીમાર બહેનો પોતાનાં માછીમાર ભાઈઓના હાથે રાખડી બાંધે છે. તેમજ સર્વ પ્રકારની રક્ષા કરવાનું વચન માંગે છે. રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે. આ દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ ઉતારી તેની જગ્યાએ નવી જનોઈ ધારણ કરે છે. શાસ્ત્રો અનુસાર જે માણસ જનોઈ ધારણ કરે છે તેનો સ્વભાવ નમ્ર બને છે. જનોઈ અંગેનાં નિયમો જે બ્રાહ્મણો પાળે છે તેની રક્ષા જનોઈ કરે જ છે. જનોઈ એ ત્રણ ત્રણનાં જૂથમાં ગુંથેલા નવ તાંતણા હોવાથી ‘ત્રિસૂત્રી’ પણ કહેવાય છે, જે ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદનું પ્રતિક છે. આજરોજ ભાઈ-બહેનના રક્ષાબંધનના આ પવિત્ર તહેવારમાં રાખડી બાંધવા માટેનું શુભ મુહૂર્ત સવારે ૧૧-૦૭થી બપોરે ૨.૨૨ તેમજ રાત્રે ૮-૫૨ બાદ રાત્રે ૧૦-૦૦ છે.
રક્ષાબંઘનમાં વપરાતી સામગ્રીનો મર્મ
રક્ષાબંધનમાં ભાઈને રાખડી બાંધતી બહેને થાળી લઈને છે જેમાં અનેક સામગ્રી હોય છે. જેનો પોતાનો એક અનોખો મર્મ છે. થાળીમાં રહેલા ચોખા એટલે અક્ષત. અક્ષત એટલે અધૂરું નહીં હોય એવું, એટલે કે પૂર્ણ. આથી જ રક્ષાબંધનની વિધી અધૂરી ન રહી જાય તે માટે કંકુનું તિલક કર્યા પછી તેનાં પર ચોખા ચોંટાડવામાં આવે છે. શ્રીફળની વાત કરીએ તો શ્રી એટલે માલક્ષ્મી. આથી જ ભાઈ બહેનનાં જીવનમાં લક્ષ્મી અને સમૃદ્ધિ આવે તે માટે થાળીમાં શ્રીફળ રાખવું જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ હોય છે રાખડી જે ભાઈને જમણા હાથે બાંધવામાં આવે છે. મળતી માહિતી મુજબ જમણા હાથનાં કાંડા પર આવેલી નસ ઉપર દબાણ થવાથી સ્વાસ્થ્યને લગતી તકલીફો દૂર થાય છે. આથી જ રાખડી ત્યાં બાંધવામાં આવે છે. સંબંધોમાં કડવાટ ન આવે અને સદાય મીઠાશ રહે તે માટે મીઠાઈ ખવડાવી એકબીજાનું મોં મીઠું કરાવાય છે. હવે વાત કરીએ દીવાની તો દીવો પ્રગટાવતાં જ તેની આસપાસ રહેલી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે. આથી જ રાખડી બાંધતી વખતે પહેલાં દીવો પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ છેલ્લે બહેન ભાઈની આરતી ઉતારે છે, એવા મનોભાવ સાથે કે ભાઈના જીવનમાં ક્યારેય નકારાત્મકતા નહીં પ્રવેશે.
ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ : રાવણે ભદ્રામાં રાખડી બંધાવી હતી
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રકાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. વાસ્તવમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ભદ્રા શનિ મહારાજની બહેન છે. જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે, જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે તેને અશુભ ફળ મળશે. તેથી જ રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતાં નથી. એક પૌરાણિક માન્યતા અનુસાર લંકાપતિ રાવણે ભદ્રામાં રાખડી બંધાવી હતી અને તેનો એક વર્ષમાં જ વિનાશ થઇ ગયો હતો. તેથી ભદ્રા સમય સિવાય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે, આ સિવાય રાહુકાલમાં પણ રાખડી બંધાતી નથી. જેનો સમયગાળો રાહુકાળ બપોરે ૨-૨૨થી ૩-૫૯ છે.
તો શું રાશિ મુજબ રાખડી બાંધવી?
આ સવાલ પણ ઘણા લોકોના મનમાં થતો હશે. ઘણીવાર સમાજમાં એવી પણ ગેરમાન્યતા હોય છે કે, અમુક આ રાશિના લોકોને અમુક કલરની રાખડી બાંધવી. ઘણીવાર બહેનો આ પ્રશ્નને કારણે ચિંતા અનુભવતી હોય છે. પરંતુ આવી શાસ્ત્રીય બાબતોની ચિંતા કરવી નહીં. પરંતુ શુદ્ધ મન અને આત્માથી શુભ મુહૂર્તમાં ભાઇની રક્ષા થાય, સુખી થાય અને ભાઈ આપણી રક્ષા કરે તેવી મનોકામનાથી રક્ષાબંધન ઉજવવી જોઇએ. ભાઈએ પણ બહેનને ખુશ કરવા ભેટસોગાદ અને હંમેશાં સાથ આપવાનું અને રક્ષણ કરવાનું વચન આપવું એ જ શ્રેષ્ઠ રક્ષાબંધન ગણાય.