SURAT

સુરતના ક્ષેત્રપાલ હનુમાનજી મંદિરના મુખ્ય પુજારી રાકેશ મહારાજનું નિધન થયું

સુરત: સુરતના કૈલાસનગર નજીક આવેલા શ્રેત્રપાળ હનુમાનજી મંદિરના મુખ્ય પુજારી રાકેશગિરી મહારાજનું તા. 3 જૂનની રાત્રિએ દુ:ખદ નિધન થયું છે. તેઓનું મૃત્યુ હાર્ટ એટેકના લીધે થયું છે. રાકેશગિરી મહારાજના પાર્થિવ દેહને તા. 5 જૂન સોમવારના રોજ તેમના નિવાસસ્થાને દર્શનાર્થે મુકવામાં આવશે ત્યાર બાદ તેઓની અંતિમ યાત્રા નીકળશે.

શ્રેત્રપાળ મંદિરના શ્રદ્ધાળુઓમાં રાકેશ મહારાજ તરીકે ઓળખાતા મુખ્ય પુજારીનું પુરું નામ રાકેશકુમાર ઈશ્વરલાલ અધ્વર્યું હતું. તેઓ ભટારની સંત તુકારામ સોસાયટીમાં રહેતા હતા. શ્રેત્રપાળ મંદિરના મહંતનું તા. 3 જૂનને શનિવારની રાત્રિએ નિધન થયું છે. સોમવારે સવારે 9થી 11 કલાક દરમિયાન દિવંગત મહંત રાકેશગિરી મહારાજના પાર્થિવ દેહના દર્શન તેમના નિવાસસ્થાને સંત તુકારામ સોસાયટી ખાતે કરી શકાશે. ત્યાર બાદ શ્રેત્રપાળ મંદિર થઈને ઉમરા સ્મશાન ભૂમિ ખાતે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવાશે. પુત્ર અમેરિકાથી પરત ફરે ત્યાર બાદ અંતિમ સંસ્કારનો નિર્ણય લેવાયો છે.

પુત્ર અમેરિકાથી આવે ત્યાર બાદ સોમવારે અંતિમ સંસ્કાર કરાશે
રાકેશગિરી મહારાજના પિતા પણ પહેલાં ક્ષેત્રપાલ હનુમાન મંદિરના મહંત હતા. તેમના નિધન બાદ રાકેશગિરી મહારાજ મુખ્ય પુજારી બન્યા હતા. રાકેશગિરી મહારાજને બે પુત્રો છે. પ્રતિક મહારાજ હાલ ક્ષેત્રપાલ મંદિરના મહંત છે જ્યારે નાનો પુત્ર અમેરિકામાં રહે છે. 52 વર્ષીય રાકેશ મહારાજના નિધન બાદ તેમનો પાર્થિવ દેહ કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવ્યો છે. નાનો પુત્ર અમેરિકાથી આવે ત્યાર બાદ સોમવારે અંતિમ સંસ્કાર કરાશે.

મહારાજના અચાનક મોતથી ભક્તોને ઘેરો આઘાત લાગ્યો
સગરામપુરામાં કૈલાસનગર નજીક આવેલા શ્રેત્રપાલ હનુમાન મંદિરના રાકેશગિરી મહારાજની ઉંમર માત્ર 52 વર્ષ હતી. ગઈ મોડી રાત્રે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે મહારાજને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મહારાજના અચાનક મૃત્યુના ખબરથી ક્ષેત્રપાળ હનુમાન મંદિરમાં નિયમિત આવતા ભક્તો ચોંકી ગયા હતા. જોગાનુજોગ આજે શનિવાર જ હોય સવારથી જ મોટી સંખ્યામાં હનુમાન ભક્તો શ્રેત્રપાળ મંદિરે પહોંચ્યા હતા. મહારાજના મૃત્યુના સમાચાર સાંભળી ભક્તોને ઘેરો આઘાત લાગ્યો હતો.

350 વર્ષ જૂના ક્ષેત્રપાલ દાદાના મંદિરનું અનેરું મહત્ત્વ
સુરતના સગરામપુરા વિસ્તારમાં કૈલાસ નગર નજીક હનુમાનજીનું ક્ષેત્રપાળ દાદાનું મંદિર આવેલું છે. આ મંદિર 350 વર્ષ જૂનું છે. કહેવાય છે કે સંકટમોચન હનુમાન ક્ષેત્રપાલ સ્વરૂપે સ્વયંભૂ અહીં બિરાજમાન થયા હતા. ક્ષેત્રપાલ એટલે ક્ષેત્રના રક્ષક. સુરત શહેરના રક્ષણ માટે હનુમાનજી અહીં બિરાજમાન થયા હોવાની લોકવાયકા છે. હનુમાનજી સાથે અહીં કાલ ભૈરવદાદા, શ્રી બટુક ભૈરવનું સ્વયંભુ પ્રાગટ્ય થયું હોવાની માન્યતા છે. આ સાથે અહીં ક્ષેત્રપાલ ભૈરવની સ્થાપના કરાઈ છે. મહંત રાકેશ મહારાજ છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી મંદિરમાં મુખ્ય પુજારી તરીકે સેવા આપતા હતા. ક્ષેત્રપાલ મંદિરમાં આસ્થા ધરાવતા ભક્તોમાં તેઓ અલગ લોકપ્રિયતા ધરાવતા હતા. શનિવારની મધરાત્રે તેમનું નિધન થતા ભક્તો સ્તબ્ધ થઈ ગયા છે.

Most Popular

To Top