નર્મદા જિલ્લો (Narmada District) આદિવાસી બહુલ વસતી ધરાવતો જિલ્લો છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસીઓ (Tribal) હાલમાં પણ મહેનત કરી, ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં હાલ ઘણાં ગામો અને ગ્રામ પંચાયતો એવી છે કે જે વિકાસની હરોળમાં ઘણી આગળ છે. નર્મદા જિલ્લો ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી પણ રહેલો છે. નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં રાજા રજવાડાં વખતની ઘણી ઈમારતો, મોટા મોટા મહેલો (Palace) વિશે અભ્યાસ કરવા હાલના સમયમાં પણ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.
રાજપીપળામાં હાલ જે વડિયા પેલેસ છે એ વર્ષો પહેલાં ત્યાં વડિયા ગામ વસેલું હતું. સમય જતાં રાજપીપળાના રાજાએ ત્યાં પોતાનો મહેલ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ એટલે રાજાએ હાલના વડિયા ગામમાં લોકોને વસવાટ માટે આજથી આશરે 100 વર્ષ પહેલાં જમીન આપી હતી. હાલ જ્યાં વડિયા ગામ વસેલું છે ત્યાં ભૂતકાળમાં ચારેતરફ ખુલ્લી જમીનો અને અમુક વિસ્તારમાં મોટાં મોટાં ખેતરો જ હતાં. રાજપીપળાના રાજાએ તમામ લોકોને એકસરખા ભાગે જ પ્લોટની ફાળવણી કરી હતી. સાથે સાથે જરૂરિયાત મુજબની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી હતી. જે-તે સમયે રાજપીપળાના રાજાએ વડિયા ગામની સ્વચ્છતા માટે એક ચોક્કસ પરિવારની નિમણૂક કરી હતી, એ પરિવારના જીવનનિર્વાહ માટે ખેતી કરવા અમુક એકર જમીનની પણ ફાળવણી રાજાએ જ કરી હતી.
એટલે રાજપીપળાના રાજા પણ સ્વચ્છતાના ઘણા આગ્રહી હતાં એમ કહીએ તો ખોટું નથી. વડિયા ગામ નર્મદા જિલ્લાના વિકાસનું સાક્ષી રહેલું છે. વડિયા ગ્રામ પંચાયત નર્મદા જિલ્લાની સૌથી સમૃદ્ધ ગ્રામ પંચાયતોમાંની એક કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાની મોટે ભાગની સરકારી બિલ્ડિંગ્સ વડિયા ગ્રામ પંચાયતમાં આવેલી છે. નર્મદા જિલ્લા સેવાસદન, નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરી, નર્મદા જિલ્લા પંચાયત, નવી બનેલી કોર્ટ બિલ્ડિંગ વડિયા ગ્રામ પંચાયતમાં આવે છે. નર્મદા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ વડિયા ગ્રામ પંચાયતમાં જ રહે છે. વડિયામાં જાતપાતના ભેદભાવ વગર તમામ લોકો હળીમળીને રહે છે, અને તહેવારો સાથે મળીને ઊજવે છે.
વડિયા ગામમાં જાહેરમાં કચરો ફેંકે એને 200 રૂપિયા દંડ
PM મોદીએ જ્યારે સત્તા સંભાળી ત્યારે એમણે સ્વચ્છ ભારતનું બીડું ઝડપી દેશવાસીઓને સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવવા આહવાન કર્યું હતું. દેશવાસીઓએ પણ PM મોદીના સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષી પોતપોતાના વિસ્તારો સ્વચ્છ રાખવાનાં શપથ લીધાં હતાં. નર્મદા જિલ્લાને તો અગાઉ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરી એવોર્ડ પણ એનાયત કરાયો છે. જાહેર સ્થળો પર કચરાના ઢગલા નજરે ચઢતા હોવાથી હાલ PM મોદીનું સ્વચ્છ ભારત અભિયાન જાણે લોકોમાંથી વિસરાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું હોવાથી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડિયા ગ્રામ પંચાયતે “જો કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતા પકડાશે તો એની પાસે 200 રૂપિયા દંડની” જોગવાઈ કરતો નિર્ણય લીધો હતો. વડિયા ગામ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લાનું પ્રથમ ગામ બન્યું હતું. નર્મદા જિલ્લામાં એકમાત્ર વડિયા ગ્રામ પંચાયત એવી છે કે જે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, અને આ જ બાબતે વડિયા ગ્રામ પંચાયતને અગાઉ નર્મદા રત્ન એવોર્ડ પણ મળી ચૂક્યો છે. સ્વચ્છતા અભિયાન પ્રત્યે લોકો ગંભીર બને અને અન્ય લોકોને પણ જાગૃત કરે એ દૃષ્ટિએ વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિ પાસે ગ્રામ પંચાયત 200 રૂપિયા સ્થળ પર દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ સાથે સાથે જે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકનારનો ફોટો પાડી ગ્રામ પંચાયતે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર ફોટો મોકલશે એ વ્યક્તિને ગ્રામ પંચાયતે 50 રૂપિયા ઈનામ પણ આપવાની જાહેરાત કરી છે. આમ કરવાથી ગામ સ્વચ્છ તો રહેશે, પણ સાથે સાથે લોકો પોતાની જવાબદારી પ્રત્યે પણ સભાન થશે એમ ગ્રામ પંચાયતના સભ્યોનું માનવું છે.
આ મામલે વડિયા ગામના પૂર્વ તલાટી દેવેન્દ્ર જોશીએ જણાવ્યું હતું કે, વડિયા ગ્રામ પંચાયત દ્વારા ડોર ટુ ડોર ટેમ્પો ફેરવી કચરો ઉઘરાવાય છે. તે છતાં ગામમાં લોકો જાહેરમાં કચરો ફેંકે છે. ગંદકી ફેલાવાથી પ્રદૂષણ પણ વધે જ છે, એ જ કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાનો ખર્ચ થતો જ હતો, પણ એ ઉપરાંત જાહેરમાંથી કચરો ઉઠાવવા માટે પંચાયતને વધારાનો ખર્ચ ભોગવવો પડતો હતો. જેથી અમે નર્મદા કલેક્ટર અને DDOને આ મામલે રજૂઆત કરી, એમની સીધી સૂચનાથી અમે બેઠક બોલાવી અને દંડ લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એક ફાયદો એ થશે કે ગામ તો સ્વચ્છ રહેશે જ, પણ સાથે સાથે લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવશે. આ નિર્ણયનો તાત્કાલિક ધોરણે આમલ કરવાનું વડિયા ગ્રામ પંચાયતે ચાલુ કરી દીધું છે અને ઠેર ઠેર બોર્ડ લગાવી ગ્રામ જનોને સ્વચ્છતા રાખવા સૂચન પણ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વડિયા ગામમાં જ્યાં જ્યાં કચરો દેખાય ત્યાંથી કચરો સાફ કરવાનું તથા ઊગી નીકળેલા ઘાસને સાફ કરવા જે.સી.બી. મશીનો અને મજૂરોને કામે લગાડી દેવામાં આવ્યા છે.
વિઠ્ઠલભાઈ પાંચિયાભાઈ વસાવા વડિયા ગામના પ્રથમ પોલીસ પટેલ હતા
જ્યારે રાજપીપળાના રાજાએ વડિયા ગામ વસાવ્યું ત્યાર પછીના દિવસોમાં ગામનો વહીવટ રાજા દ્વારા જ કરવામાં આવતો હતો. પણ જ્યારે વડિયા ગામમાં સરપંચની ચૂંટણી થતી ન હતી એવા સમયમાં ગામમાં પોલીસ પટેલની નિમણૂક કરવામાં આવતી હતી. આમ, વિઠ્ઠલભાઈ પાંચિયાભાઈ વસાવા વડિયા ગામના પહેલા પોલીસ પટેલ હતા. એ બાદ તેઓ સરપંચ થયા, વિઠ્ઠલભાઈ વસાવા હાલમાં પણ એકદમ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એમ કહેવાય છે કે, વડિયા ગ્રામ પંચાયતમાં એમના જ પરિવારના સભ્યો સરપંચ તરીકે ચુંટાયા છે. એમના જ પરિવારના ગણપતભાઈ વસાવા પણ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. જ્યારે વિઠ્ઠલભાઈના પુત્ર અને વ્યવસાયે શિક્ષક એવા ભૂપતસિંહ 18 વર્ષની નાની ઉંમરે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા હતા. તેઓ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના સભ્ય તરીકે પણ કાર્યરત છે. જ્યારે ભૂપતસિંહ વિઠ્ઠલભાઈ વસાવા વડિયાના સરપંચ હતા ત્યારે જે-તે સમયના ગુજરાત સરકારના મંત્રી મનસુખભાઈ વસાવાએ વડિયામાં 1 લાખ લીટરની ક્ષમતા ધરાવતી મોટી ટાંકી મંજૂર કરાવી હતી, તે વખતે નર્મદા જિલ્લામાં માત્ર વડિયા ગ્રામ પંચાયતમાં મોટી ટાંકી મૂકવામાં આવી હતી. વડિયા ગ્રામ પંચાયતના વિકાસ માટે પૂર્વ સરપંચ મહેશભાઈ રજવાડી, પૂર્વ સરપંચ અમિતભાઈ વસાવા, પૂર્વ ડે.સરપંચ ઘનશ્યામભાઈ પટેલ, ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય અને કોંગ્રેસી આગેવાન ચંદ્રેશભાઈ પરમાર, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ, નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઈ વસાવા, નાંદોદ તાલુકા કારોબારી સભ્ય અશ્વિનીબેન દિવ્યેશભાઈ વસાવા, ભગવાનદાસ પટેલનો સિંહફાળો રહેલો છે.
- વડિયા ગ્રામ પંચાયતની ટૂંકી વિગત
વર્ષ-2011 મુજબ કુલ વસતી : 5431 - પુરુષ : 3300
- સ્ત્રી : 2131
- કુલ ઘર : 1900 નાનાં-મોટાં મકાનો
- 32 સોસાયટીઓ
- ગ્રામ પંચાયતના વેરાની વાર્ષિક આવક: 5 લાખ રૂપિયા
- જમીન મહેસૂલી આવક : 3 લાખ રૂપિયા
- 25 ટકા ખેડૂતો બોર અને આકાશી ખેતી પર નભે છે
- 25 ટકા પશુપાલકો જાતે દૂધ કાઢી ઘરે ઘરે વેચવા જાય છે
વડિયા ગામમાં કઈ કઈ સવલતો છે?
(1) 2 ખાનગી શાળા, 1 પ્રાથમિક શાળા, 2 આંગણવાડી, 1 પાણીની ટાંકી, 4 હેન્ડપંપ, 1 કૂવો, 2 બોર, 1 તલાવડી, 1 તળાવ, નોકરી-ધંધા માટે 2 GIDC
ભૌગોલિક સ્થિતિ
30 હેક્ટરમાં ગ્રામજનો રહે છે
11 હેક્ટરમાં સરકારી ઈમારતો
આસ્થાનાં પ્રતીકરૂપ મંદિરો
(1) ચંદ્ર મૌલેશ્વર મહાદેવનું મંદિર
(2) હનુમાનજીનું મંદિર
(3) ભાથુજી મહારાજનું મંદિર
(4) કાલ ભૈરવનું મંદિર
પતિ સરપંચ ન બની શક્યા, પત્નીએ ચૂંટણીમાં જીત મેળવી
નર્મદા જિલ્લાની 184 ગ્રામ પંચાયતની મતગણતરી 21મી તારીખે મોડી રાત્રે પૂર્ણ થઈ હતી. ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ પોતપોતાના સમર્થનવાળા ઉમેદવારોની જીતની ડીજેના તાલે ઉજવણી કરી હતી. નાંદોદની વડિયા ગ્રામ પંચાયતમાં અનોખો કિસ્સો બન્યો હતો, પતિ બીપીનભાઈ વસાવાએ અગાઉ સરપંચ પદે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વખતે એમણે પોતાની પત્ની બિંદીયાબેનને સરપંચ તરીકે ઉમેદવારી કરાવી હતી. જેમાં એમનો વિજય થતાં પતિની સરપંચ બનવાની ઈચ્છા પત્નીએ પૂરી કરી હતી.
1975થી કાર્યરત પ્રશાંત ફાર્મસીની આયુર્વેદિક દવાઓનું દેશ-વિદેશમાં સપ્લાય થાય છે
વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં નર્મદા જિલ્લાની એકમાત્ર ફેઝ-1 અને ફેઝ-2 એમ બે ભાગમાં GIDC આવેલી છે. એના થકી રાજપીપળા અને આસપાસના ઘણા લોકોને રોજગારી મળી રહી છે. પરંતુ GIDC ફેઝ-1માં આવેલી પ્રશાંત ફાર્માસ્યુટિકલ્સ છેલ્લાં ઘણાં વર્ષોથી આયુર્વેદિક હર્બલ અને જેનરિકનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એમની આયુર્વેદિક દવાઓનું ભારત દેશનાં અલગ અલગ રાજ્યોમાં અને દેશ-વિદેશમાં સપ્લાય થાય છે. જેની શરૂઆત વર્ષ-1975માં પ્રહલાદભાઈ હનુમાનદાસ અગ્રવાલ અને મહેન્દ્રભાઈ હનુમાનદાસ અગ્રવાલે કરી હતી. વડિયા ગામની GIDC ફેઝ-1માં જ એમણે પોતાની બીજી શાખા નીરવ હેલ્થકેર આઈ.એન.સી. તથા નીરવ હેલ્થકેરની વર્ષ-2011માં શરૂઆત કરી હતી. આ ત્રણેય આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓએ જિલ્લાના વિકાસમાં ઘણો સહયોગ રહ્યો છે.
વડિયા ગ્રામ પંચાયતની ટીમ
સરપંચ – બિંદીયાબેન બીપીનભાઈ વસાવા
ડે.સરપંચ – વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સુણવા
સભ્યો – (1) મુકેશભાઈ વનરાજભાઈ વસાવા (2) દિશા અજયભાઈ સિકલીગર (3) કલ્પનાબેન નરેન્દ્રકુમાર રાજ (4) શેતલ અશોકભાઈ વસાવા (5) વિજયભાઈ બચુભાઈ વસાવા (6) વંદનાબેન સોમાભાઈ વસાવા (7) વંદનાબેન ઈશ્વરભાઈ પઢિયાર (8) જિજ્ઞે શકુમાર બાબુભાઈ પરમાર (9) મોહિની જયદીપકુમાર વસાવા
તમામ ચુંટાયેલા સભ્યો ગામના વિકાસ માટે તત્પર
વડિયા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ બિંદીયાબેન બીપીનભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સુણવા સહિત તમામ ચુંટાયેલા સભ્યો હાલ ગ્રામ પંચાયતના વિકાસ માટે દિવસ-રાત એક કરી રહ્યા છે. વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આશરે 32 જેટલી નાની-મોટી સોસાયટી આવેલી છે, એ સોસાયટીઓમાં ચોરીના અવારનવાર બનાવો બન્યા કરે છે. એટલે એવા વિસ્તારમાં CCTV, સ્ટ્રીટ લાઈટો, રમતગમતનું મેદાન, ડોર ટુ ડોર કચરો ઉઘરાવી શકે એવું મોટું વાહન, પાણીની સુવિધા અને ગટરલાઇન માટેની દરખાસ્ત કરી છે.
કોરોના કાળમાં પંચાયતે સતત 45 દિવસ જરૂરિયાતમંદને 2 ટાઇમ વિનામૂલ્યે ભોજન પૂરું પાડ્યું હતું
કોરોના કાળમાં આખો દેશ ખૂબ કપરા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો હતો. એવા સમયે તમામ નાના-મોટા ઉદ્યોગ-ધંધા બંધ હતા. ગરીબ લોકોને તો ખાવાનાં પણ ફાંફાં પડી રહ્યાં હતાં. એવા સમયે વડિયા ગ્રામ પંચાયતના સહયોગથી તે વખતના તલાટી દેવેન્દ્ર જોશી, સરપંચ મહેશ રજવાડી, નાણામંત્રી વિરેન્દ્રસિંહ સુણવા, ચંદ્રેશ પરમાર સહિત અન્ય ગ્રામજનોએ સતત 45 દિવસ સુધી ગરીબ અને જરૂરિયતમંદોને 2 ટાઈમનું જમવાનું એમની સુધી પહોંચતું કર્યું હતું. સાથે સાથે આખા ગામમાં સેનિટાઈઝેશન કરવાની કામગીરી પણ જિલ્લામાં વડિયા ગ્રામ પંચાયત દ્વારા જ પ્રથમ શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક શાળાનાં નિવૃત્ત શિક્ષિકા આનંદબા ચૌહાણને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો
વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં 1થી 8 ધોરણ સુધીની એક પ્રાથમિક શાળા, 2 ખાનગી શાળા, 1 આદર્શ નિવાસી શાળા અને 2 આંગણવાડી આવેલી છે. વડિયા ગામની પ્રાથમિક શાળાને 2019માં સ્વચ્છતા બાબતે એવોર્ડ મળ્યો હતો. વડિયા પ્રાથમિક શાળાનાં નિવૃત્ત શિક્ષિકા આનંદબા બળવંતસિંહ ચૌહાણને 2006માં શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો ગુજરાતના રાજ્યપાલ હસ્તે એવોર્ડ અને વર્ષ-2007માં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો. આનંદબા બળવંતસિંહ ચૌહાણે વડિયા પ્રાથમિક શાળામાં 2014થી 2021 સુધી ફરજ બજાવી છે. વડિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જ આવેલી જિલ્લાની પ્રથમ CBSC એફિલેશન ધરાવતી માય સનેન ખાનગી શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં KGથી 12 ધોરણ સુધીમાં 600 વિદ્યાર્થી અભ્યાસ કરે છે, માય સનેન ખાનગી શાળામાં ગુજરાત સ્ટેટ ઓપન ચેસ ટુર્નામેન્ટ, ગુજરાત સ્ટેટ જિમ્નાસ્ટિક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડિયાની સોસાયટીના લોકો વારાફરતી રાત્રિ પહેરો ભરી ચોરીના બનાવો અટકાવવા પોલીસને મદદ કરે છે
વડિયા ગામમાં 32 જેટલી નાની-મોટી સોસાયટી આવેલી છે. શિયાળાની રાત્રિએ આ સોસાયટીઓમાં ચોરીના રોજેરોજ બનાવો બન્યા જ કરે છે. સ્થાનિક પોલીસ તો ચોરીના બનાવો અટકાવવા રાત્રિ પેટ્રોલિંગ કરે જ છે, પણ ત્યાંના રહેવાસીઓએ એક ડગલું આગળ વધી પોલીસને ચોરીના બનાવો અટકાવવા મદદ કરવાની પહેલ કરી છે. 32 જેટલી સોસાયટી પૈકીની દરેક સોસાયટીનો એક એક રહીશ વડિયા ગામમાં રાત્રિ પહેરો ભરે છે. ગ્રામજનોના સહયોગથી હાલ તો ચોરીના બનાવો અટક્યા છે.
ચકમક પથ્થરથી રૂ અને છાણાં સળગાવી હોળી પ્રગટાવવાની પરંપરા
નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રિમોટ કંટ્રોલના યુગમાં પણ વડિયામાં ચકમક પથ્થરથી રૂ અને છાણાં સળગાવી હોળી પ્રગટાવવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે, આવી રીતે હોળી પ્રગટાવવાથી ગામમાં સુખશાંતિ બની રહે છે. આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચીસ કે કેમિકલની શોધ થઈ ન હતી. વર્ષો પહેલાં હોળીને જે રીતે બે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી હતી એવી જ રીતે આજે આજના આધુનિક યુગમાં વડિયા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે. અને હોળીની પ્રદક્ષિણા સૂકા ઘાસના પૂડિયા લઇ ફરવામાં આવે છે અને એ ઘાસ ઢોરને ખવડાવાથી આખું વર્ષ ઢોર નીરોગી રહે છે. આમ, પૂરી શ્રદ્ધાથી ગામ લોકો દર વર્ષે હોળી પર્વની ઉજવણી કરે છે.
રાજપીપળામાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત વડિયા ગ્રામ પંચાયતની કરજણ કોલોનીમાંથી થઈ હતી
રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં ઉત્તરાયણને દિવસે નહીં પણ ચોમાસા દરમિયાન પતંગ ઉડાડવાની પ્રથા હતી. આજથી 30-35 વર્ષ પહેલાં રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પતંગ ઉડાડવાની પ્રથા હતી. ચોમાસા દરમિયાન આકાશમાં છૂટીછવાયી પ્લાસ્ટિકની પતંગ લોકો અવારનવાર ઉડાવ્યા જ કરતા હતા. રાજપીપળા નજીક વડિયા ગ્રામ પંચાયત વિસ્તારના કરજણ કોલોનીમાં રહેતા કરજણ યોજનાના કર્મીઓએ ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી. 1980ના વર્ષમાં કરજણ ડેમનું નિર્માણ પૂર જોશમાં શરૂ થતાં એ ડેમના બાંધકામ અને અન્ય કામગીરી માટે વડોદરા, સુરત, અમદાવાદ, મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી લોકો રાજપીપળામાં આવીને વસ્યા હતા, તેઓ જ્યાં રહેતા એ વિસ્તારને કરજણ કોલોની તરીકે લોકો ઓળખતા થયા. મોટાં શહેરોમાં ઉત્તરાયણને દિવસે જ પતંગ ઉડાડવાની પ્રથા હતી, એટલે કરજણ કોલોનીના લોકો ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડતા હતા. જેથી રાજપીપળાવાસીઓએ એમનું અનુકરણ કર્યું અને ઉત્તરાયણને દિવસે પતંગ ઉડાડવાની શરૂઆત કરી હતી.