રાજપીપળા: (Rajpipla) સાગબારા તાલુકાના દેવમોગરા મંદિરે (Temple) દર્શન માટે આવેલી યુવતીની એક યુવકે છેડતી કરતાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરતાં ગુનો દાખલ થયો હતો. મંદિરે દર્શને જતી યુવતીને ‘સાઇડ પર ચાલો, મારે તમારું કામ છે’ કહી યુવકે હાથ પકડી લીધો હતો.
- મંદિરે દર્શને જતી યુવતીને ‘સાઇડ પર ચાલો, મારે તમારું કામ છે’ કહી યુવકે હાથ પકડી લીધો
- દેવમોગરા મંદિરે દર્શનાર્થે આવેલી કોલેજિયન યુવતીને તમાચા મારીને ધમકી પણ આપી
- યુવકની સાથે આવેલા મિત્રએ કહ્યું: ‘તું રોજ કોલેજ અમારા ગામના રસ્તેથી જાય છે, હવેથી કોલેજ કેવી રીતે જઈશ?’
- યુવતીની જાતીય સતામણી કરતાં સાગબારા પોલીસે બંને યુવક સામે ગુનો દાખલ
ભરૂચના ઝઘડિયાના એક ગામની કોલેજિયન યુવતી પરિવાર સાથે દેવમોગરા ગામ ખાતે માતાજીનાં દર્શન કરવા આવી હતી. એ સમયે કૌશિકભાઇ ગજેન્દ્રભાઇ વસાવા (રહે.,કાડવા, તા.નાંદોદ, જિ.નર્મદા)એ યુવતીને એકીટસે જોઇ તેની પાસે જઇ તમે સાઇડ પર ચાલો. મારે તમારું કામ છે તેમ કહી તેનો હાથ પકડી લીધો હતો. યુવતીએ પોતાનો હાથ છોડાવી લેતાં કૌશિકે ઉશ્કેરાઇ જઇ ગમેતેમ ગાળો બોલી માથાના વાળ પકડી પેટના ભાગે લાત મારી હતી. ત્યારબાદ યુવતી સાથે આવેલી અન્ય યુવતીએ તેને છોડાવતાં કૌશિકે યુવતીને બે તમચા મારી તેમજ કૌશિક સાથેના યુવાન મિતેશ સર્જન વસાવા (રહે., કાકડવા, તા.નાંદોદ)એ ગમેતેમ ગાળો બોલી “તું રોજ કોલેજ અમારા ગામના રસ્તેથી જાય છે, તો તું હવેથી કોલેજ કેવી રીતે જઈશ? તું જોઇ લેજે એવી ધમકી આપી યુવતીની જાતીય સતામણી કરતાં સાગબારા પોલીસે બંને યુવક સામે ગુનો દાખલ કર્યો હતો.
જંબુસરમાં વેરો બાકી પડતાં સાત દુકાન સીલ
ભરૂચ: જંબુસર નગરપાલિકા દ્વારા બાકી વેરા અંગે સાત દુકાનો સીલ કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મિલકતધારકોનો મિલકત ભૈરવ પાલિકામાં ભરવાનો બાકી પડતો હોવાથી પાલિકા સી.ઓ. મનન ચતુર્વેદી દ્વારા મિલકત વેરો બાકી પડતો હોય એ મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવતાં વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. સોમવારે જંબુસર-આમોદ રોડ પર આવેલા હાઇવે શોપિંગ સેન્ટરની સાત દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતો પૈકીના આશરે 8 કરોડ 47 લાખ અંદાજિત મિલકત વેરા બાકી પડતા હોવાથી પાલિકા તંત્ર દ્વારા વેરા વસૂલીની કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.