રાજપીપળા: (Rajpipla) રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની (Oxygen) જરૂરિયાતવાળા દર્દીઓને નો એન્ટ્રીનાં બોર્ડ વાગી ચૂક્યાં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલની (Hospital) બહાર એક બોર્ડ પર એવું લખાણ લખ્યું કે કે હાલ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ ફૂલ હોવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા પેશન્ટને એડમિટ કરવામાં આવશે નહીં. જો પેશેન્ટને એડમિટ થવું જ હોય તો ઓક્સિજન વગરના બેડ પર પેશન્ટની જવાબદારી પર એડમિટ કરાશે. જો પેશન્ટને કઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી પેશન્ટ અને એના સગાની રહેશે. હોસ્પિટલની કોઈ જ જવાબદારી રહેશે નહીં. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક જ દિવસમાં 13 દર્દીઓનાં મૃત્યુ થયાં છે ત્યારે નો એન્ટ્રીનું બોર્ડ લગાવવું કેટલું યોગ્ય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર પોતાની નૌટંકી બંધ કરે અને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધાવાળા બેડ વહેલી તકે ઉપલબ્ધ કરાવે. સરકારની નાકામીને લીધે જ કોરોના કહેર વધ્યો છે. નર્મદા જિલ્લાની ગરીબ પ્રજા કોરોનાનો ઈલાજ કરાવવા જાય તો ક્યાં જાય. શું ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ત્યાં જાય? મોટા મોટા નેતાઓ અને અધિકારીઓને જો જરૂરિયાત ઊભી થાય તો એમની માટે તાબડતોબ બધી વ્યવસ્થાઓ ઊભી કરાય છે, જ્યારે ગરીબ લોકો માટે તંત્રએ હાથ અધ્ધર કરી દીધા એ બિલકુલ નહીં ચાલે.
તાપી જિલ્લામાં કોરોનાથી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક: એક જ દિવસમાં 101 કેસ
વ્યારા: તાપી જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો હોય એમ મૃત્યુ આંક ખૂબ જ ઊંચો છે. અગાઉ કરતાં હાલમાં વધુ મૃતકોના અંતિમસંસ્કાર થઈ રહ્યા હોવાથી આ મૃતકોમાં કોરોનાના દર્દીઓનાં મોતનો પણ સમાવેશ થઈ જાય છે. ત્યારે સ્મશાનગૃહોમાં અગ્નિસંસ્કારની વધતી સંખ્યા પણ ચિંતાજનક બની છે.
તાપી જિલ્લામાં મંગળવારે વધું ૧૦૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં ૭૩૧ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ૫૧ દર્દીને રજા આપવામાં આવી છે. જિલ્લામાં ૨૦થી ૩૫ વચ્ચેના ૨૮ યુવક કોરોના સંક્રમિત થયા છે. ૧૦થી ૨૦ વચ્ચેની વયનો એકપણ યુવક કોરોના સંક્રમિત થયો નથી. જ્યારે ૧૦થી નીચેની વયનાં ૨ બાળકો કોરોના સંક્રમિત થયાં છે. જેમાં ડોલવણ તાલુકાના ઉમરવાવદુર નદી ફળિયામાં ૨.૫ વર્ષની બાળકી અને સોનગઢ તાલુકાના બરડી ફળિયાના ૧૦ વર્ષના બાળકનો કોરોના પોઝિટિવ આવ્યો છે.
થોડાક સમય પહેલાં સોનગઢમાં ૧૦થી વધુ એક જ દિવસમાં અંતિમસંસ્કાર થયાં હતાં. જ્યારે વ્યારામાં આ આંકડો ૧૫ને આજે પણ આંબી રહ્યો છે. મંગળવારે સાંજે ૫ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં ૧૩ની કોવિડની ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ થઇ છે. જ્યારે તાપી જિલ્લામાં માત્ર ૪નાં મૃત્યુ તે પણ અન્ય કારણોસર દર્શાવાયાં છે. આ ચારમાં સોનગઢ આમલગુંડી ગામે ભીલ ફળિયામાં ૪૫ વર્ષિય પુરુષ, ગુણસદા ગામે નવી ઉકાઇમાં ૫૭ વર્ષિય પુરુષ, વ્યારાના દાદરી ફળિયામાં ૬૨ વર્ષિય પુરુષ, ઉચ્છલમાં ૪૦ વર્ષિય પુરુષનો સમાવેશ થાય છે.
વ્યારા સિવિલની કોવિડ-૧૯ હોસ્પિટલમાં વધુ ૧૦૦ બેડની જરૂર: ડો.નૈતિક ચૌધરી
વ્યારા: વ્યારાની કોવિડ-૧૯ની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં હાલ ઓક્સિજન અને વેન્ટિલેટરનાં બેડ ખાલી મળતા નથી. ત્યારે સિવિલ કોવિડ-૧૯ના વડા ડો.નૈતિક ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ વ્યારાની કોવિડ હોસ્પિટલ માટે ઓક્સિજનવાળા ૧૦૦ બેડની જરૂરિયાત છે.
ક્યાં કેટલા કેસો નોંધાયા
વાલોડ-૩૦, વ્યારા-૨૫, ડોલવણ-૫, સોનગઢ-૨૯, ઉચ્છલ-૩, નિઝર-૭, કુકરમુંડા-૨