National

રાજનાથ સિંહે અવકાશયાત્રી શુભાંશુ માટે કહ્યું; “હનુમાનજીનો ભક્ત આકાશની ઊંચાઈઓને સ્પર્શીને પાછો આવ્યો છે”

ભારતના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમના સાથીદારોનું દિલ્હી ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અવકાશયાત્રીઓની પ્રશંસા કરતાં કહ્યું કે સમગ્ર દેશને તેમના પર ગર્વ છે.

દેશ માટે ગૌરવની વાત
રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યું કે તાલીમ દરમિયાન અવકાશયાત્રીઓએ અદભૂત મહેનત કરી છે. ભારત માતાના પુત્ર ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ગ્રુપ કેપ્ટન પીવી નાયર, ગ્રુપ કેપ્ટન અજિત કૃષ્ણન અને ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતિપનું સ્વાગત કરતા તેમને ગર્વની લાગણી થાય છે. “આપ સૌએ દેશવાસીઓનું મસ્તક ઊંચું કર્યું છે,”

ચંદ્રથી મંગળ સુધી ભારતની હાજરી
સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારતનો અવકાશ કાર્યક્રમ ફક્ત ઉપગ્રહો સુધી મર્યાદિત નથી. આજે ભારતે ચંદ્રથી મંગળ સુધી પોતાની હાજરી નોંધાવી છે અને હવે ગગનયાન મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. “આ સિદ્ધિ ટેકનોલોજી પૂરતી જ નથી પરંતુ આત્મનિર્ભર ભારતના નવા અધ્યાયનું પ્રતીક છે”.

તેમણે સ્પષ્ટ કર્યું કે અવકાશ આપણા માટે ફક્ત સંશોધનનો વિષય નથી. ભવિષ્યમાં અવકાશ ખાણકામ, સંશોધન અને ગ્રહોમાંથી સંસાધનો મેળવવાથી માનવજાતની દિશા બદલાઈ જશે. અવકાશ હવે સુરક્ષા, અર્થતંત્ર, ઉર્જા અને માનવતાના ભવિષ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે.

શુભાંશુ શુક્લા પર ખાસ ગૌરવ
રાજનાથ સિંહે ખાસ ગર્વ વ્યક્ત કર્યો કે શુભાંશુ શુક્લા તેમના જ મતવિસ્તારના છે. તેમણે જણાવ્યું કે શુભાંશુ બજરંગબલીના ભક્ત છે અને અવકાશમાં રહીને પણ હનુમાન ચાલીસા પાઠ કરતા હતા. “આજે હનુમાનજીનો ભક્ત આકાશને સ્પર્શીને આપણા વચ્ચે પાછો ફર્યો છે. આ વિજ્ઞાન સાથે સાથે શ્રદ્ધાનો પણ વિજય છે”.

અવકાશમાં ખેતીનો પ્રયોગ
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે શુભાંશુ શુક્લાએ અવકાશમાં મેથી અને મગની ખેતી કરવાનો પ્રયોગ કર્યો હતો. “ભારત કૃષિપ્રધાન દેશ છે પણ ભારતનો ખેડૂત અવકાશમાં ખેતી કરશે એ કલ્પના પણ અદભૂત છે. આ અનુભવ ભવિષ્યના મિશન માટે મહત્વપૂર્ણ સાબિત થશે”.

રાજનાથ સિંહે અંતમાં કહ્યું કે અવકાશ કાર્યક્રમો ભારતની રાષ્ટ્રીય આકાંક્ષા અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતીક છે. “ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપતું આવ્યું છે. હવે આપણા વૈજ્ઞાનિકો અને અવકાશયાત્રીઓ એ સંદેશને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે’.

Most Popular

To Top