ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજુ જાહેર થઈ નથી પરંતુ અત્યારથી જ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં આજે ભાજપ દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ નજીકના સુરેન્દ્ર નગર જિલ્લામાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ નજીક રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર સર્જાયા છે, જેની અસર છેક ગાંધીનગર સુધી પડી છે.
(Gandhinagar) ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly ) ચૂંટણી (Election) એનાઉન્સ થાય તે પહેલાં જ રાજકોટ નજીક (Rajkot) રાજકીય ભૂકંપ સર્જાયો છે. અહીંના સુરેન્દ્રનગરમાં (Surendranagar) કોંગ્રેસના (Congress) 600થી વધુ સમર્થકોએ ભાજપનો (BJP) ખેસ પહેરી લીધો છે. આ 600 જણામાં પ્રહલાદસિંહ પરમાર, વિક્રમસિંહ ઝાલા સહિતના મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લખતર એપીએમસીના ચેરમેન હિતેન્દ્ર રાણા, ડિરેક્ટર કલ્પરાજ રાણા તેમજ લખતર તાલુકા પંચાયતના બે સભ્યો ઉપરાંત સુરસાગર ડેરીના ડિરેક્ટર ભરતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ભૂતપૂર્વ ધારાસભ્ય જુવાનસિંહ પરમારના પુત્ર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રહલાદસિંહ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે વઢવાણ, મૂળી, લખતરના આગેવાનોએ ભાજપનો ખેસ પહેરી લીધો છે. આગેવાનોની હાજરીમાં ગાંધીનગર કમલમમાં સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સુરેન્દ્ર નગર જિલ્લા કોંગ્રેસના આગેવાન અને ડિસ્ટ્રીક્ટ બેન્કના પૂર્વ ચેરમેન તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન જુવાનસિંહ પરમારના પુત્ર મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે સોમવારે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરના કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, વિનોદ ચાવડા હાજર રહેશે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ, રોડ-શો અને બેઠકોને લઈને રોડ મેપ તૈયાર કરવામાં આવશે. જેમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખ અને પ્રભારી હાજર રહેશે. આજની બેઠકમાં સૌરાષ્ટ્રના ભાજપ આગેવાનોને ચૂંટણી પહેલા બુથ મજબૂત કરવાનો આદેશ આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. તેમજ વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલું હોમવર્ક કેટલું થયું તેની માહિતી મેળવવામાં આવશે. 42 અપેક્ષિત લોકોને જ બેઠકમાં પ્રવેશ આપવામાં આવશે.