ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી પડ્યો છે. તેવામાં મોરબી રાજકોટ હાઇવે પર રૂપાલાના બેનરો, પોસ્ટરો ફાટેલી હાલતમાં જોવા મળતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બેનરો પોસ્ટરો કોણે ફાડ્યા છે, તે અંગ હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી મળી નથી, પરંતુ આ અંગે અનેક તર્કવિર્તકો શરૂ થયા છે.
- મોરબી રોડ પર ભક્તિનગર સર્કલ પાસે રૂપાલા જાહેરસભાને સંબોધશે, તે પૂર્વે બેનરો ફાડી નંખાતાં તંગદિલી
- જાહેરસભામાં પણ હવે કોઈ અજુગતું થાય તેવી ભીતિ, સ્થાનિક ભાજપે ખાનગી રાહે તપાસ શરૂ કરી
રાજકોટ મોરબી હાઇવે પર ભક્તિનગર સર્કલ પાસે રૂપાલા જાહેર સભાને સંબોધન કરનાર છે. આ જાહેર સભા શરૂ થાય તે પહેલા જ ત્યાં લાગેલા રૂપાલાના પોસ્ટરો ફાટેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ પોસ્ટરો, બેનરો ફાટી જતાં ભાજપમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. બીજી તરફ આ પોસ્ટરો કોના દ્વારા ફાડવામાં આવ્યા છે, તે અંગે ખાનગી રહે સ્થાનિક ભાજપ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું, આ સંમેલનમાં ક્ષત્રિય સમાજનો જનસૈલાબ ઉમટી પડ્યો હતો. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજે 19મી સુધી રૂપાલાની ટિકિટ રદ કરવાનું ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. ત્યારબાદ જો ટિકિટ રદ નહીં થાય તો બીજા તબક્કાના આંદોલનની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી છે.
રૂપાલા સામેના વિરોધ વંટોળમાં ભાજપના ક્ષત્રિય આગેવાનોની સ્થિતિ કફોડી
ગાંધીનગર: પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ટિકિટ રદ કરવાની માગણી સાથે રાજ્યભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનની શરૂઆતમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમાં તેઓ નિષ્ફળ રહેતા હવે આ ભાજપના ક્ષત્રિય આગેવાનોની સ્થિતિ કફોડી બની છે.
રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ હવે આક્રમક રૂપમાં આવી ગયો છે. 19મી સુધીમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ક્ષત્રિય સમાજ સીધો જ ભાજપનો વિરોધ કરશે. આ સ્થિતિને પગલે ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો સમાજ સાથે ઉભા રહે કે પોતાના પક્ષ ભાજપ સાથે? આ પરિસ્થિતિને કારણે હવે આ આગેવાનો પણ દ્વીધામાં મુકાયા છે.
આ ઉપરાંત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇ ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ થયું છે. તેવામાં રાજ્યની આઠથી દસ જેટલી લોકસભા બેઠકો કે જેના ઉપર ક્ષત્રિય સમાજના મતોનું પ્રભુત્વ છે, તેવા વિસ્તારોમાં ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનો માટે પ્રચાર કરવો પણ મુશ્કેલ બની રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ મામલો ક્યારે શાંત પડે છે.