Gujarat

ક્ષત્રિય સમાજનું મહાસંમેલન: હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ, પરિણામ જે આવે- તૃપ્તિબા

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજના હજારો લોકો જોડાયા હતા. પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે રતનપરમાં અંદાજે 13 એકર જગ્યામાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમ્મેલનમાં જણાવ્યું હતું કે હવે તેઓ બહેન-દિકરીઓ પર અશોભનીય નિવેદન આપનાર સામે લડી લેવાના મૂડમાં છે.

  • હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ, પરિણામ જે આવે, લડી લેવા તૈયારી: તૃપ્તિબા
  • અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિયાણીના રૂપાલા પર ચાબખાં, મોદી સાહેબની બહેન-દીકરીઓ પર અશોભનીય નિવેદન થયા, મોદી સાહેબ શું જવાબ આપશે?

રાજકોટ નજીક રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને સંબોધન કરતાં ક્ષત્રિયાણી તૃપ્તિબા રાઓલએ કહ્યું હતું કે, રાજકીય પાર્ટીમાં કોઈ વિખવાદ હોય તો તરત જ રાતોરાત બેઠકો બોલાવવામાં આવે છે. આખે આખા મંત્રીમંડળને બદલવામાં આવે છે, તો પછી બહેન દીકરીઓ માટે અપમાનજનક અશોભનીય, વિવાદાસ્પદ નિવેદન કરનાર પરસોત્તમ રૂપાલાને કેમ બદલવામાં આવતા નથી? શું રૂપાલાને નહીં બદલીને ભાજપ એવો સંદેશ આપવા માંગે છે કે, સત્તા પર બેસવા માટે આવા રાજકારણીઓ જ્ઞાતિ જાતિની બહેન દીકરીઓ વિશે ગમે તેવું નિવેદન આપે?

તૃપ્તિબા રાઓલેએ વધુમાં કહ્યું હતું કે આપણા જ સમાજના કેટલાક આગેવાનો આપણને સમજાવવા આવ્યા હતા. એમની પણ કોઈ મર્યાદા રહી હશે. પણ આગેવાનો પણ અંદરથી આપણી સાથે જ છે. કારણ કે તેઓ આપણા જ ભાઈઓ છે. અહીં બેઠેલામાં ઘણાં લોકો નરેન્દ્ર મોદીના ચાહક હશે. હમણાં મેં ભી મોદી કા પરિવાર અભિયાન ચાલે છે. મોદીકા પરિવાર અને મોદી સાહેબની બહેન દીકરીઓ પર અશોભનીય, નિંદનીય નિવેદનો થયા છે, ત્યારે મોદી સાહેબ શું જવાબ આપશે? હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ, પરિણામ જે પણ આવે લડી લેવાની તૈયારી છે, બસ સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને સ્વમાનના ભોગે રાજકારણ નહીં.

મહિલા પાંખના વડા તૃપ્તીબા રાઓલે કહ્યું હતું કે તાજેતરમાં જામનગરમાં અધિકારીઓ દ્વારા ક્ષત્રિય મહિલાઓ સાથે વ્યવહાર કરાયો છે તે યોગ્ય નથી, હવે જો કોઈ પરપુરૂષ ક્ષત્રિય મહિલાઓને હાથ લગાડશે તો જોવા જેવી થઈ જશે. પીએમ મોદીએ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ. આ ઉપરાંત ડાયરાની અંદર આપણે કોની ઉપર રૂપિયા ઉડાવીયે છીયે, તે બાબતે વિચાર કરવા જેવો છે. ક્ષત્રિય સમાજના અશ્વિનસિંહ સરવૈયાએ કહ્યું હતું કે પીએમ મોદીએ તાત્કાલીક રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ.

Most Popular

To Top