Gujarat

રાજકોટ અગ્નિકાંડ: 6 આરોપી સામે ગુનો નોંધાયો, 2ની ધરપકડ, સમગ્ર મામલે SIT તપાસના આદેશ

રાજકોટના (Rajkot) કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની (Fire) ઘટનાએ 28 નિર્દોષોના જીવ લઈ લીધાં છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આ દુર્ઘટનામાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે જ્યારે મેનેજર નિતીન જૈન અને યુવરાજ સિંહની ધરપકડ કરી છે. બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ સવારે દુર્ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

રાજકોટ અગ્નિકાંડમાં પોલીસે છ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તાલુકા પોલીસે યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આઈપીસી કલમ 304, 308, 337, 338 અને 114 કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનની પણ ધરપકડ કરવામાં આવી છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ નામના વ્યક્તિ કરી રહ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા.

અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું કે અગ્નિકાંડની ઘટના કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ નથી. તેણે કહ્યું કે હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનું તેણે જણાવ્યું હતું. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદથી ફરાર છે.

બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે એટલેકે રવિવારે વહેલી સવારે રાજકોટના ટી.આર. પી. ગેમ ઝોનની મુલાકાત લીધી હતી. સીએમ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દુર્ઘટનાના કારણો અને બચાવ કામગીરીની વિગતો મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે કે કૈલાશનાથન તથા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઘટના બાદ રાજ્ય સરકારે સમગ્ર મામલે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની તપાસ કરશે. આ સાથે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે લગભગ બપોરે 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.

જણાવી દઈએ કે શનિવારે સાંજે 4.30 વાગ્યે ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા હતા. ફાયર બ્રિગેડની 8 ટીમોએ લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. 25થી વધુ લોકોને બચાવી લેવાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેમ ઝોનમાં આવવા અને જવાનો એક જ રસ્તો હતો. ફાયર વિભાગ પાસેથી એનઓસી પણ લેવામાં આવી ન હતી.

ત્રણ માળનો ગેમ ઝોન 2020માં ભાડાની 2 એકર જમીન પર બનાવવામાં આવ્યો હતો. તેનું માળખું લાકડાના અને ટીન શેડ પર ઊભું હતું. ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું હતું. એક જગ્યાએ દાદર પર વેલ્ડીંગના સ્પાર્કને કારણે વિસ્ફોટ થયો અને નજીકમાં આગ ફાટી નીકળી હતી.

ગેમ ઝોનનો ડોમ કાપડ અને ફાઈબરનો બનેલો હતો. સ્ટ્રક્ચર લાકડા, ટીન અને થર્મોકોલ શીટ્સથી બનેલું હતું. ફ્લોર પણ રબર, રેઝિન અને થર્મોકોલથી ઢંકાયેલું હતું. આ ઉપરાંત ગેજ ઝોનમાં 2 હજાર લિટર ડીઝલ અને 1500 લિટર પેટ્રોલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આથી થોડીવારમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર થોડીવારમાં આગ નીચેથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. ત્રણ માળના માળખામાં નીચેથી ઉપર જવા માટે માત્ર એક જ સીડી હતી. બીજા અને ત્રીજા માળના લોકોને બચવાની તક મળી ન હતી.

Most Popular

To Top