રાજકોટ : રાજકોટ (RAJKOT) શહેરના વીંછિયા તાલુકાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો અધિકારી ટેન્ડર નું બિલ પાસ કરવા માટે 25 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાઈ ગયો હતો. અજમેર પરા ગામમાં પીવીસી પાઇપલાઇન, આર.સી.સી. પંપ તેમજ પંપ હાઉસ માટે ફરિયાદીની કંપનીને ટેન્ડર સોંપવામાં આવ્યું હતું. કામગીરૂ પૂર્ણ થતા અધિકારીએ ટેન્ડરનું એક બિલ પાસ કરી તેના પૈસા ખાતામા ચૂકતે કરી દેવામાં આવ્યા હતા. જ્યારે બીજું બિલ પાસ કરવા માટેની વ્યવહારની વાત કરી રૂપિયા 45 હજારની લાંચ માંગી હતી. જો કે રકઝક બાદ 25 હજારની લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ એસીબી માં ફરિયાદ આપતા એસીબીના અધિકારીઓએ આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
- રાજકોટમાં ટેન્ડરનું બિલ પાસ કરાવવા સરકારી બાબુ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો, આ રીતે એસીબીએ ઓપરેશન પાર પાડ્યું
- અજમેરપરા ગામમાં પીવીસી પાઇપલાઇન, આર.સી.સી. પંપ તેમજ પંપ હાઉસ માટે આપ્યું હતું ટેન્ડર
- એક બિલ પાસ કરી પૈસા ચૂકવ્યા બીજું બિલ પાસ કરવા માટે વ્યવહારની વાત કરતા ફરિયાદી ચોંકી ઉઠ્યો
રાજ્યમાં સરકારી બાબુઓના લાંચના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટ (RAJKOT) શહેરમાં વધુ એક લાંચીયો અધિકારી એસીબીના છટકામાં ભેરવાતા ચકચાર મચી જવા પામી હતી. વિંછીયા તાલુકાના અજમેરપરા ગામમાં ૫૦,૦૦૦ લીટરનો આર.સી.સી. પંપ તથા ૨-૨ મીટર સાઇઝનું પંપ હાઉસ, અને ૩૨૫૦-પીવીસી પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માટે રૂા.૬,૪૮,૦૦૦નું ટેન્ડર મંજુર થયું હતું. જે કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું હતું તે કંપની ઘ્વારા 29-11-2021ના રોજ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું.
કામ પૂર્ણ થતા કંપની ઘ્વારા બિલ પાસ કરાવવા માટે અધિકારી સાથે વાતચીત કરી હતી. જેથી આ કામ માટેનું પ્રથમ રૂ.૨,૮૦,૧૭૫/- નું બિલ ફરિયાદીની કંપનીના ખાતામાં જમા કરાવી દીધુ હતું. જો કે ત્યારબાદ બીજું રૂ.૩,૦૧,૮૮૧/- નું બિલ બાકી હતું. જે મામલે ફરિયાદીએ અધિકારીને ફોન કરી બિલ પાસ કરાવવા માટે વાત કરી હતી.. જેથી અધિકારીએ ફરિયાદીને પોતાની ઓફિસ બોલાવ્યો હતો અને બિલ તથા સીક્યુરીટી ડીપોઝીટ રીલીઝ કરવા વ્યવહારમાં સમજવાનુ જણાવી ૭ ટકા લેખે રૂ.૪૫,૦૦૦/- ની લાંચની માંગ કરી હતી.
જો કે ત્યાર બાદ બંને વચ્ચે રકઝક થઇ હતી. અને અંતે અધિકારીએ રૂ. 25,000ની લાંચની માંગ કરી હતી. જેથી ફરિયાદી એ સમગ્ર મામલે એસીબીમાં ફરિયાદ કરી હતી. જેથી એસીબીએ લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે ગતરોજ છટકું ગોઠવ્યું હતું, આ અધિકારી રાજકોટ શહેરના રેસકોર્ષ રીંગરોડથી એરપોર્ટ રોડ તરફ જવાના રસ્તાની સામેના ગેટ પાસે ફરિયાદી પાસેથી રૂ. 25,000ની લાંચ લેતા જ એસીબીની ટીમ ત્રાટકી હતી. અને અધિકારીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની 25,000ની રકમ રીકવર કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.