આણંદ : બોરસદ પંથકમાં બે દિવસના ભારે વરસાદ બાદ ગળાડૂબ પાણીમાં બચાવ કામગીરી બાદ પાણી ઉતરતા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સોમવાર સવારે બોરસદ ખાતે આવી પહોંચ્યાં હતાં. આ પ્રસંગે તેઓએ ભારે વરસાદમાં જીવ ગુમાવનાર સ્વ.કૃણાલ પટેલના પરિવારજનોને મળી સહાયનો ચેક આપ્યો હતો. આ ઉપરાં તેના બે સંતાનોને અભ્યાસમાં મદદ કરવા માટે કલેક્ટરને સુચના આપી હતી. મહેસુલમંત્રીની આ મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઉપરાંત સાડી વિતરણ પણ કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં મોસમના પ્રથમ વરસાદ બોરસદ માટે વેરી બન્યો છે. જિલ્લા પ્રભારી અને મહેસૂલ તથા કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે કુદરતના પડકાર સામે લોકોને તત્કાળ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજેન્દ્ર ત્રિવેદી જાતે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે, નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ અસરગ્રસ્તોને મળે તેની દેખરેખ રાખી રહ્યાં છે. જે સંદર્ભે મહેસુલ મંત્રી પૂરની આફતમાં જાન ગુમાવનારા સ્વ.કૃણાલ પટેલના ઘેર જઈને મૃત્યુ સહાયની રૂ. 4 લાખની સહાયનો ચેક તેમના માતાપિતાને અર્પણ કર્યો તે સમયે લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતાં.
જોકે, રાજેન્દ્ર ત્રિવેદીએ પરિવારનો મોભી ગુમાવનારા શોકતુર પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું કે, તમે નવયુવાન દીકરો ગુમાવ્યો છે, તેની ખોટ કોઈ પૂરું કરી શકે તેમ નથી. પરંતુ મૃતક કુણાલ પટેલના ધો. 7માં અભ્યાસ કરતા કાવ્ય પટેલ અને ધો.9માં અભ્યાસ કરતા દીકરા અભી પટેલને મદદરૂપ થશે. સાથોસાથ આ બાળકોને અભ્યાસમાં કોઈ તકલીફ ના પડે તેની જવાબદારી નિભાવી રાજ્ય સરકાર દ્વારા જે કોઈ મદદ કરવાની થાય તે કરવા પણ તેમણે કલેકટરને સૂચના આપી હતી. આ ઉપરાંત મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મેઘકહેરને કારણે અસરગ્રસ્ત એવા બોરસદ શહેર અને અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઈ ભારે વરસાદથી થયેલા જાન માલ અને નુકસાનીની વિગતો મેળવી હતી.
અને તાત્કાલિક મદદ કરવા સુચના આપી હતી. આ મુલાકાત વેળાએ સાંસદ મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, અગ્રણી વિપુલભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, કલેકટર મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારી જય કુમાર બારોટ, મામલતદાર આરતી ગોસ્વામી, ચીફ ઓફિસર સહિત ગ્રામ પંચાયતના સરપંચ અને ગામના આગેવાનો જોડાયા હતા. બોરસદમાં મહેસુલ મંત્રીની મુલાકાત દરમિયાન અસરગ્રસ્તોને શાંતિથી સાંભળ્યાં હતાં અને પુરેપુરી મદદ માટે ખાતરી આપી હતી.