Columns

શું બ્રિટનના લોકો હવે રાણી(રાજા)શાહી નથી ઈચ્છતા? રાજા રહેગા, ના રાની રહેગી, દુનિયા હૈ ફાની, ફાની રહેગી!

લાખ દારા ઔર સિકંદર હો ગયે, આઇ હિચકી મૌત કી ઔર સો ગયે, દેખ લો ઇસ કા તમાશા ચંદ રોજ. હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ. આ વાત બધાને લાગુ પડે છે પણ ચન્દ રોજ અમુક માટે ખરેખર ચન્દ રોજ પુરવાર થાય અને બ્રિટનના રાણી ઇલિઝાબેથ બીજાના રાણી તરીકેના ચન્દ રોજનું આ સિત્તેરમું વરસ ચાલી રહ્યું છે. 1952માં એમને આફ્રિકાના પ્રવાસેથી પાછા તેડાવી અચાનક તાજપોશી થઇ ત્યારે એ 26 વરસનાં ખૂબસૂરત યુવતી હતાં. આજે એ 96 વરસનાં થયાં છે અને તબિયત તેમજ હાલચાલ જોતાં લાગે છે કે એકસો વરસ જરૂર  પૂરાં કરશે. ઇલિઝાબેથ એલેકઝાંડ્રા મેરી એ એમનું આખું નામ. તાજપોશીને આ વરસે સીત્તેર વરસ પૂરાં થયાં તેથી પ્લેટિનમ જયુબિલી ઊજવવામાં આવી રહી છે.

બ્રિટનના ઇતિહાસમાં રાજવી તરીકેનો એમનો કાર્યકાળ સૌથી લાંબો અને એક વિક્રમ છે. રાણીની આસપાસના લોકોએ અનેક પ્રકારનાં અણછાજતાં વર્તનો કરી આબરૂ ગુમાવી છે. પણ 96 વરસનું રાણીનું આજ સુધીનું આયખું રાજકીય ગરિમાને છાજે તેવું રહ્યું છે. બ્રિટનના લોકોને રાજઘરાના પ્રત્યે ક્રમશ: નફરત વધી રહી હોવા છતાં લોકોએ લંડન અને બીજા શહેરોની શેરીઓમાં આવીને પ્લેટિનમ જયુબિલીની ઊમળકાભેર ઊજવણી કરી. બ્રિટનના ટેબ્લોઇડ અખબારો તો રાજકુટુંબના સમાચારો પર નભે છે. પાપારાજીઓના ટોળાંનો આવિષ્કાર બ્રિટનમાં જ થયો. એ બધામાં રાણીના વાણી વર્તનને પ્રતાપે ઘરાનાની આબરૂ જળવાઇ રહી છે. પરંતુ કુટુંબના બીજા સભ્યો એટલા ઠાવકાં, શાણાં અને સંયમિત નથી. આજથી જ સવાલો ઊઠવા માંડયા છે કે આટલું ખર્ચાળ શોભાનું રજવાડું બ્રિટિશ પ્રજાના કરવેરાથી ટકાવી રાખવાની જરૂર છે ખરી?

એક સર્વેમાં સત્તાવીસ ટકા લોકો રજવાડાને ટકાવી રાખવા માગતા નથી. જયારે સાઠ ટકા માગે છે. તે અગાઉના સર્વેમાં સિત્તેર ટકા લોકો રજવાડું ઇચ્છતાં હતાં. માત્ર છેલ્લા દસ વરસમાં તેમાં દસ ટકાનો ઘટાડો થયો છે. છન્નુ વરસનાં રાણી ખર્યુ પાન છે. એમના ઉત્તરાધિકારીને પ્રજા એટલી ચાહવાની નથી તે નિશ્ચિત છે. મોટા ભાગના કોઇકને કોઇક લગ્ન બહાર લફડાં, નાણાની લેવડદેવડ, સેકસ વર્કરનો સંગાથ વગેરેમાં સપડાયેલાં છે. રાજકુમાર ચાર્લ્સના બે યુવાન રાજકુમારો વચ્ચેની ખટપટો અને ખટરાગ શેરીઓમાં આવી ગયો છે.

જે કોઇ ઉત્તરાધિકારી આવશે તે રાજાશાહી નહીં ઇચ્છતી પ્રજાની સંખ્યામાં વધારો જ કરશે. સિત્તેર વરસમાં ખૂબ બધું બદલાઇ ચૂકયું છે. પ્લેટિનમ જયુબિલી વરસમાં અનેક વિરોધાભાસો ઉપસી આવ્યા છે. ઊજવણી થઇ તેથી લોકો એ પણ વિચારતા થયા કે બદલાતા સમયમાં આવી ઊજવણીની જરૂર ખરી? બ્રિટિશ અખબારો રાજાશાહીના અસ્તિત્વ અને ઔચિત્ય સામે સવાલો ઊઠાવી રહ્યા છે. સંસદમાં કોઇના વકતવ્યમાં રાણીનો ઉલ્લેખ થાય ત્યારે તે સામે વાંધો ઉઠાવનારા સભ્યો પણ છે. રાણી વ્યકિતગત પણે લોકપ્રિય છે, પણ લોકો ઊજવણીની તરફેણમાં એટલા પ્રમાણમાં ન હતા. ચોપન ટકા લોકોએ કહ્યું કે તેઓ આવું ખર્ચાળ સેલિબ્રેશન ઇચ્છતા નથી. માત્ર તેંતાલીસ ટકા ઇચ્છતા હતા.

ઉજવણી નિમિત્તે રજા મળી તે વાતથી ઘણા ખુશ હતા. આમેય બ્રિટનમાં વાર્ષિક રજાઓ માત્ર આઠ હોય છે. જગતમાં સૌથી ઓછી રજાઓના ક્રમમાં યુકે બીજા ક્રમે છે. સત્તર રજાઓ સાથે જાપાન પ્રથમ ક્રમે છે. છતાં જાપાનીઓ બ્રિટિશરો કરતા અનેક ગણું વધુ કામ કરે છે. બ્રિટન હતું એટલું મજબૂત રહ્યું હતું. લાંબા ગાળાની શ્રીમંતાઇ બાદ આળસનું અનિવાર્યપણે આગમન થાય છે. હવે વડાપ્રધાન બને તેવી પ્રબળ શકયતા છે તે લિઝ ટ્રસ અને ગૃહ મંત્રી પ્રીતિ પટેલ વગેરેએ એક સમયે બ્રિટનને આળસુઓનો દેશ ગણાવ્યો હતો.

દુનિયાના એક મહાન સામ્રાજયની બુલંદી અને અંત બંને રાણીની અને વયોવૃધ્ધ બ્રિટિશ નાગરિકોની નજર સમક્ષ થવા જઇ રહ્યો છે. બહાદૂર શાહ ઝફર સામે બ્રિટિશરોએ અદાલતમાં કામ ચલાવ્યું અને મુગલ સામ્રાજયનો અંત આવ્યો. તે સમયની સાચી કેમેરા તસવીર એ મહત્વની ઘડીની સાક્ષી છે. ઇતિહાસ માટે એક વિરલ પ્રસંગ છે. બ્રિટિશ રજવાડાના સદીઓ ચાલેલા ઇતિહાસની એ ઘડી હવે દસ પંદર વરસમાં આવી રહી છે તે ભવિષ્યકથન શરૂ થયું છે. રિપબ્લિક નામનું એક રાજાશાહી વિરોધી જૂથ પેદા થયું છે. આ જૂથના સભ્યો પોતાના ટ્રક, વાન વગેરે પર બેનરો ચિટકાડીને ફરે છે કે ‘મઇક ઇલિઝાબેથ ધ લાસ્ટ’. એ લોકોની ઇચ્છા છે કે રાણીનું અવસાન થાય તેની સાથે જ યુકેમાં રાજાશહીનો અંત આવે.

રાજાશાહીનો અંત નહીં આવે તો બ્રિટનને વગોવાયેલા અને ઘરડાઠાચર ચાર્લ્સ, વિલિયમ કે જયોર્જ, એ ત્રણમાંથી કોઇક રાજા તરીકે મળશે. બ્રિટિશરો માટે આ એક ચિંતાનો વિષય હશે. ઇંગ્લેન્ડના રાણી ઉત્તરી આયલેન્ડ, સ્કોટલેન્ડ અને બીજા અમુક દેશોના રાણી છે.  ઓસ્ટ્રેલિયા, કેનેડા, પાકિસ્તાન જેવા પંદર દેશોના એ રાણી હતા અને અમુકના હજી છે. છપ્પન કોમનવેલ્થ દેશોના વડા છે. કોમનવેલ્થ દેશોનું મહત્વ હવે રમતોત્સવ ઉજવવાથી વિશેષ રહ્યું નથી. ભારતે આઝાદી બાદ ઇંગ્લિશ રાણીને રાણી તરીકે સ્વીકાર્યા નથી.

બ્રિટનનું શાહી કુટુંબ બ્રિટિશ ટેબ્લોઇડ અખબારો માટે આઇટમ સોંગ બની ગયું છે. ભાગ્યે જ કોઇ દિવસ એવો જાય છે કે રોયલ ફેમિલી વિષે કોઇ સમાચાર, ગોસિપ કે ફેશન આઇટમ ન હોય. ભારતના રાષ્ટ્રપતિની માફક રાણી પાસે સત્તા છે પણ મોટા ભાગની કટોકટી સમય માટે છે. બ્રિટનની પ્રજા દર વરસે શાહી ખાનદાન, ભવ્ય મહેલો અને પ્રાસાદો, પ્રોટોકોલ્સ, પ્રવાસ વગેરેના રખરખાવ માટે વરસે સવા ત્રણ અબજ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. રાણી (અથવા રાજા)ને બંધારણના રક્ષક અથવા ગેરંટર માનવામાં આવે છે. પણ નવી પેઢીને એ વાત માન્ય નથી કે કોઇ અમુક કુટુંબમાં જન્મે તે કારણ માત્રથી રાજ કરે. શાહી પરંપરાને દૂર કરવા યુકેએ અનેક મહત્વના બંધારણીય ફેરફારો કરવા પડશે. શકય છે કે તે બ્રેકિઝટ કરતા પણ મોટો દુ:ખાવો હશે.

Most Popular

To Top