સુખસર: ફતેપુરા તાલુકામાં જૂન મહિનાના છેલ્લા દિવસોમાં મેઘરાજાએ આગમન કરતા ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા.જેમાં સામાન્ય વરસાદથી મકાઈ જેવા પાકોની વાવણી કરી દેવામાં આવી હતી.ત્યારબાદ સમયાંતરે સામાન્ય વરસાદ થતો રહેતા ખેડૂતોને ચોમાસુ સિઝન નિષ્ફળ જવાનો ભય ઉભો થયો હતો.પરંતુ પાછોતરા વરસાદથી મકાઈની ખેતી બચી જતા ખેડૂતોમાં હાશકારો થયો છે.
જ્યારે ડાંગરની ખેતી લાયક વરસાદની રાહ જોતા કેટલાક ખેડૂતોને સમયસર વરસાદના અભાવે ડાંગરની ખેતીથી અળગા રહેવાનો સમય પણ આવ્યો છે.પરંતુ પાછોતરા વરસાદથી મકાઈ જેવી ખેતીને જીવતદાન મળ્યું છે.અને શિયાળામાં રવિ સિઝન માટે અને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા નો પ્રશ્ન હલ થવાના સંકેત જણાતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળે છે.
ફતેપુરા તાલુકામાં ગત જૂન માસના છેલ્લા દિવસોમાં ચોમાસાનો સામાન્ય વરસાદ થતાં ખેડૂતોએ મકાઈ જેવા પાકોની ખેતી કરી દીધી હતી ત્યારબાદ ઓગસ્ટ માસ સુધીમાં નદી,નાળા,કૂવા, તળાવ વરસાદી પાણીથી છલકાવા જોઈએ તેની જગ્યાએ માત્ર ખાબોચિયા નજરે પડતા હતા.અને સામાન્ય કહી શકાય તેવા સામાન્ય વરસાદી ઝાપટા પડતા રહેતા મકાઈ જેવા પાકો જેમતેમ બચી રહ્યા હતા.
જેથી ચોમાસુ સીઝન નિષ્ફળ જવાનો ભય ખેડૂતોને સતાવતો હોય નિરાશા તરફ ધકેલાતા રહ્યા હતા.ત્યારબાદ તાલુકામાં ચાલુ સપ્ટેમ્બર માસમાં સારો કહી શકાય તેવો વરસાદ પડતા નદી-નાળા,કૂવા,તળાવમાં પાણીનો સંગ્રહ થયેલ જોવા મળે છે.જ્યારે મકાઈ જેવા પાકોને પાછોતરા વરસાદથી જીવતદાન પણ મળ્યું છે. અને પાકણીના આરે પહોચી છે.જોકે પાછોતરા વરસાદ અને પવનથી મકાઈ જેવા પાકો પડી જતા ખેતીની ઉપજમાં થોડો ફટકો પડે તેમ પણ જણાઈ રહ્યું છે.પરંતુ હાલ ખેડૂતો તૈયાર થયેલ મકાઈના ડોડાની લણણી કરવામાં લાગ્યા છે.જેથી મકાઇ પાક માં નુકસાન થવાનો ભય રહ્યો નથી.
ડાંગરની વાવણી માટે સમયસર વરસાદી પાણીની રાહ જોતા કેટલાક ખેડૂતોએ મોડે મોડે કુવાના પાણીથી ડાંગર વાવણી કરી હતી.પરંતુ વરસાદના અભાવે ડાંગરની ખેતી સંપૂર્ણપણે નિષ્ફળ જવાનો ભય પણ ઉભો થયો હતો. અને ખેડૂતોએ ચાલુ વર્ષે ડાંગરની ખેતીની આશા છોડી દીધી હતી.ત્યારેજ ચાલુ માસ દરમિયાન તાલુકામાં વરસાદ થતા ડાંગર તથા અન્ય પાકોની ખેતીને જીવતદાન મળ્યું છે.જોકે કેટલાક ખેડૂતોએ ડાંગર વાવણી માટે વરસાદી પાણીની રાહ જોતા વરસાદ નહીં થતા ડાંગરની ખેતી જતી કરી ખેતરો જેમના તેમ પડેલા હોવાનું પણ જોવા મળે છે. જ્યારે જે ખેતરોમાં ડાંગરની વાવણી કરવામાં આવેલ છે તેમાં સારી ઉપજ ના અણસાર પણ જણાઈ રહ્યા છે.
વરસાદના અભાવે ચોમાસા દરમિયાન ખેડૂતોને ખેતી પાકોમાં ગયેલ નુકસાની પાછોતરા થયેલ વરસાદથી આવનાર શિયાળાની રવી સીઝનમા ભરપાઈ થવાની આશા જણાતા ખેડૂતોમા ખુશી જોવા મળે છે.હાલ નદી-નાળા,કુવા અને તળાવોમાં સંપૂર્ણ નહીં પરંતુ સારો કહી શકાય તેવો પાણીનો સંગ્રહ થતા રવિ સિઝનના પાકો માટે ખેડૂતોને સારી આશા બંધાઈ છે.ત્યારે ચોમાસાની ખેતીમાં વરસાદના અભાવે ગયેલ નુકશાન શિયાળું રવિ સીઝનની ખેતીમાં કોઈપણ પ્રકારની કુદરતી આફત ન આવે તો સારી ઉપજ મેળવવાની આશા જન્મતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ફતેપુરા તાલુકામાં રવિ સિઝન તથા ઉનાળામાં પીવાના પાણી માટે વરસાદ પૂરતો નથી. અગાઉના વર્ષોની દ્રષ્ટિએ જોતા ઓગસ્ટ માસ સુધીમાં નદી,નાળા, તળાવો,કૂવાઓમાં સારા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયેલ હોવો જોઈએ.
કાલોલ તાલુકામાં વૃક્ષ ધરાશયી, પાંચ વીજ થાંભલા પડી ગયા
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં ભાદરવા માસના પ્રારંભથી સતત વરસાદી માહોલ રહેતા પાછોતરા સિઝનમાં થયેલા સારા વરસાદને પગલે સૌને રાહત મળી હતી. જે મધ્યે મંગળવારે સાંજે વાવાઝોડાની અસર હેઠળ આવેલા વરસાદને પગલે મોડી સાંજે કાલોલ-હાલોલ હાઈવે પર આવેલ મલાવ ચોકડીથી અલીન્દ્રા ચોકડી વચ્ચેના વિસ્તારમાં એક સાગનું વૃક્ષ વીજ લાઈન સાથે ધરાશાયી થઈ જતા આ સાગના વૃક્ષની આસપાસના ચાર પાંચ વીજ થાંભલાઓ પણ તુટી ગયા હતા. જોકે તુટી પડેલા વૃક્ષ અને વીજ થાંભલાઓ હાઈવે લેનથી સલામત અંતરે હોવાથી કોઈપણ પ્રકારની દુર્ઘટના કે હાઈવે પરના ટ્રાફિકને કોઈ અસર થઈ નહોતી. પરંતુ સાગના વૃક્ષ સાથે વીજ થાંભલાઓ તુટી પડતા કાલોલ સબ સ્ટેશનથી અસરગ્રસ્ત એવી બાકરોલ રતનપુરા ફીડર લાઈન પર આવેલા કાતોલ, અલીન્દ્રા, બાકરોલ, રતનપુરા સહિતના અનેક ગામોમાં રાત્રીભરનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.