સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને (Rain) પગલે ડેમમાં પાણીની અવિરત આવક ચાલું રહી છે. આજે ઉકાઈ ડેમમાં 1.19 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. ડેમની સપાટી આજે 323 ફુટ નજીક પહોંચી ગઈ હતી.
વરસાદની બીજી ઇનીંદ વધારે સક્રિય થતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે કેચમેન્ટ એરિયામાં આવેલા હથનુર અને પ્રકાશા ડેમમાં પાણીની આવકમાં વિપુલ પ્રમાણમાં વધારો નોંધાયો છે. જેને કારણે તંત્રવાહકો દ્વારા ડેમની સપાટીને મેઈન્ટેન્ટ કરવા માટે છેલ્લા ચાર દિવસથી મોટા પ્રમાણના જથ્થામાં પાણી છોડવાની શરુઆત કરી છે. જે આજે સતત ચોથા દિવસે પણ છોડવાનું યથાવત રાખ્યું હતું. ઉકાઈ ડેમમાં આજે 1.19 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી.
ડેમની સપાટી આજે બપોરે 322.40 ફુટ નોંધાઈ હતી. જે મોડી રાત સુધીમાં 323 ફુટ નજીક પહોંચશે. હથનુર ડેમમાંથી પણ આજે બપોરે 66 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે ક્રમશ: સાંજે ઘટાડીને 46 હજાર ક્યુસેક હતું. પ્રકાશા ડેમમાંથી 1,00,583 ક્યુસેક પાણી છોડાયું હતું. ઉપરવાસમાં દહીગાવમાં એક ઇંચ, ગીધાડેમાં બે ઇંચ, સારંગખેડામાં એક ઇંચ, ખેતીયામાં એક ઇંચ અને નિઝામપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં ફરી મેઘમહેર, મહુવામાં 3 અને બારડોલીમાં સવા ઇંચ
શહેર અને જિલ્લામાં ફરી ચોમાસું સક્રિય થયું છે. આજે શહેરમાં ચોવીસ કલાકમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બારડોલીમાં સવા ઇંચ, ચોર્યાસીમાં 8 મીમી, કામરેજમાં 5 મીમી તો મહુવામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંડવીમાં 11 મીમી, પલસાણામાં એક ઇંચ, સુરતમાં 6 મીમી અને ઉમરપાડામાં 9 મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી ત્રણેક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.