SURAT

એક અઠવાડિયા બાદ સુરતમાં વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત (Surat): એક અઠવાડિયાથી વધુ સમયના લાંબા બ્રેક બાદ મેઘરાજા ફરી એકવાર સુરત પર મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ (Rain) વરસવાનું શરૂ થયું હતું. બપોરે શહેરના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર ઝાપટું પડ્યું હતું. જેના લીધે વાતાવરણમાં (Weather) ઠંડક પ્રસરી ગઈ હતી. સવારે વરસાદ વરસતા નોકરીયાતો હેરાન થયા હતા. મેટ્રોનું કામકાજ ચાલતુ હોય તેની આસપાસ વરસાદી ખાબોચિયાં ભરાઈ ગયા હતા.

સૌથી વધુ વરસાદ લિંબાયતમાં પડ્યો
સુરત શહેરના અનેક વિસ્તારોમાં બપોરે 12 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સતત 1 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સાઉથ ઈસ્ટ ઝોનના લિંબાયત, ડુંભાલ, મગોલ વિસ્તારમાં 30 મિ.મી. પડ્યો હતો. ત્યાર બાદ ઈસ્ટ ઝોન બી નાના વરાછા, સરથાણા, કાપોદ્રામાં 24 મિ.મી. પડ્યો હતો. જ્યારે ઈસ્ટ ઝોન મોટા વરાછા વિસ્તારમાં 6 મિ.મી. પડ્યો હતો. સાઉથ વેસ્ટ ઝોનના અઠવામાં 18 મિ.મી. વરસાદ પડ્યો હતો. તે ઉપરાંત સેન્ટ્રલ ઝોન એટલે કે કોટ વિસ્તારમાં 4 મિ.મી. વેસ્ટ ઝોનમાં 1 મિ.મિ., નોર્થ ઝોનમાં 3 મિ.મિ. અને સાઉથ ઝોનમાં 3 મિ.મિ. વરસાદ પડ્યો હતો. બપોરે 2 કલાકે વિયર કમ કોઝવેની સપાટી 6.86 ફૂટ નોંધાઈ હતી. ઉકાઈ ડેમની સપાટી 334.77 ફૂટ નોંધાઈ હતી. ઉકાઈ ડેમમાં ઈનફલો 9012 ક્યૂસેક જ્યારે આઉટફલો 23,432 ક્યૂસેક નોંધાયો હતો.

હવામાન વિભાગે સુરત સહિત રાજ્યના અનેક જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની કરી છે આગાહી
તમને જણાવી દઈએ કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે તા. 2 ઓગસ્ટના રોજ જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. તે મુજબ આજે સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી ઝાપટાં પડવાના શરૂ થયા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુરુવારે તા. 4 ઓગસ્ટે ભરૂચ, તાપી, નર્મદામાં, 5 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, 6 ઓગસ્ટે નવસારી, ડાંગ, વલસાડ, 7 ઓગસ્ટે અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 71 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં વરસ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 118 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

Most Popular

To Top