ગાંધીનગર: રાજ્યના (Gujarat) અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યનાં અમરેલી, સાબરકાંઠા, પાટણ, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવી જતા વાદળ (clouds) છવાઇ ગયા હતા. જેના કારણે જગતના તાતની ચિંતા વધી ગઇ છે. જો વરસાદ પડે તો ખેતરોમાં ઉભા ધંઉના પાકને નુકસાન જવાની ખેડૂતોમાં (Farmer) ભીતી છવાઇ છે. બીજી તરફ કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની શક્યતા જણાવાઈ રહી છે. ગઈ રાતથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવનના સૂસવાટા સાથે વરસાદ (Rain) તૂટી પડ્યો હતો. તો કેટલાક વિસ્તારમાં વાદળો છવાયા છે.
ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં કમોસમી માવઠું જોવા મળ્યું છે. વહેલી સવારે જેસર પંથકમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ પડ્યો છે. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ વાતાવરણ ખેતી માટે અનુકૂળ ન હોવાથી ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. અમરેલી, પંચમહાલ, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં એકાએક વાદળછાયુ વાતાવરણ છવાઈ ગયું છે.
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. જિલ્લાના વડું મથક આહવા અને ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયું વાતવરણ છવાયું હતું. વાતાવરણમાં પલટાને લઈને ઠંડા પવનની લહેર છવાતા સામાન્ય માણસને રાહત લાગી હતી પરંતુ ખેડૂતો માટે ચિંતાનો માહોલ બન્યો હતો. જિલ્લાના વડું મથક આહવા ખાતે વરસાદી છાંટા પણ પડયા હતા. ગુજરાતના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે સૂસવાટાભર્યા પવને દસ્તક આપી હતી. તો ધૂળની વંટોળ ઉઠી હતી. કમોસમી માવઠાના આગમન સમુ વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ ખેતરમાં ઉભા પાકને આ કમોસમી વરસાદથી નુકસાનની ભીતી છે. મોડી રાત્રે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉઠતા વાતાવરણ ધૂળીયુ બની ગયું હતું.
જણાવી દઈએ કે હવામાન ખાતાએ આ વર્ષે સારો વરસાદ રહેવાનો અંદાજ લગાવ્યો છે. ચોમોસાના ચાર મહિના જૂન, જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે અંદાજ લગાવ્યો છે કે એવરેજ વરસાદ 880.6 મિમીની સરખામણીમાં 103 ટકા વરસાદ થઇ શકે છે. ખાસ વાત એ છે કે, મોનસૂનના શરૂઆતના મહિનામાં સારો વરસાદ થઇ શકે છે. જૂન અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદના સંકેત જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતના મેદાની ભાગ અને દેશના ઉત્તર-પૂર્વના કેટલાક ક્ષેત્રોમાં વરસાદ ઓછા પડી શકે છે.